ડીબીઅર, સર ગેવિન

January, 2014

ડીબીઅર, સર ગેવિન (રાયલૅન્ડ્સ) (જ. 1 જાન્યુઆરી 1899, લંડન; અ. 21 જૂન 1972, આલ્ફ્રિન્સ્ટન) : જાણીતા બ્રિટિશ વિજ્ઞાની. પ્રાણીવિજ્ઞાની તરીકે તેમણે આકારવિદ્યા (morphology), શરીરરચનાશાસ્ત્ર (anatomy), પ્રાયોગિક ગર્ભવિદ્યા (experimental embryology) અને ઉત્ક્રાંતિવાદ જેવી શાખાઓમાં મહત્વનું યોગદાન કર્યું છે.

જનીનસ્તર (germlayer) સિદ્ધાંતની જૂની માન્યતા મુજબ કંકાલપેશીના કેટલાક પૂર્વગામી ઘટકો મધ્યગર્ભસ્તર-(mesoderm)માંથી નિર્માણ પામે છે; પરંતુ વાસ્તવમાં તે બાહ્યગર્ભસ્તર-(ectoderm)માંથી ઉદભવતા હોય છે તેની સાબિતી ડીબીઅરે આપી. 1926માં ડીબીઅરે ‘ઇન્ટ્રૉડક્શન ટુ એક્સ્પેરિમેન્ટલ એમ્બ્રિયૉલૉજી’ પુસ્તક પ્રગટ કર્યું. બીજાં મહત્વનાં પુસ્તકોમાં ‘ડેવલપમેન્ટ ઑવ્ સ્કલ’ (1935)નો સમાવેશ કરી શકાય.

‘ગર્ભવિકાસ દરમિયાન સજીવો પોતાના પૂર્વજોની શૈશવ અવસ્થાની લાક્ષણિકતાઓ ધારણ કરે છે, તેમ જણાવી ડીબીઅરે ચિરડિમ્ભતા (paedomorphosis) સંકલ્પનાની રજૂઆત કરી છે. જેનું વિવેચન 1940માં લખેલ ‘એમ્બ્રિયો ઍન્ડ એન્સેસ્ટર્સ’ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

આદ્ય પક્ષી આર્કિઓપ્ટેરિક્સના જીવાશ્મમાં સરીસૃપોની જેમ ઉરોસ્થિ (sternum) હોય છે તેનું પ્રતિપાદન તેમણે કર્યું. પિચ્યુઇટરી ગ્રંથિ પર પણ તેમણે મૌલિક સંશોધન કર્યું છે. રુધિરજૂથો(blood groups)નાં વિશ્લેષણ દ્વારા મેળવેલ માહિતીને આધારે એશિયા માઇનરમાં વાસ કરતી એટ્રિસ્કો જનજાતિની ઉત્પત્તિ અંગે સચોટ અટકળ કરેલી છે.

મ. શિ. દૂબળે