ડીઝલ તેલ : ડીઝલ એન્જિન માટે બળતણ તરીકે વપરાતું દહનશીલ પ્રવાહી. સામાન્ય રીતે તે અપરિષ્કૃત તેલ(crude oil)માંથી પેટ્રોલમાં વપરાતા વધુ બાષ્પશીલ ઘટકો દૂર કર્યા બાદ મળતો ખનિજતેલનો અંશ (fraction) છે. પેટ્રોલ કરતાં ડીઝલ તેલ સસ્તું હોય છે, કારણ કે તેના શુદ્ધીકરણ માટે ઓછી પ્રક્રિયાઓ કરવી પડે છે અને તેનો જ્વલનાંક ખૂબ ઊંચો હોય છે.
ડીઝલ એન્જિનમાં ડીઝલ તેલ પેટ્રોલની માફક તણખા (spark) વડે સળગાવવામાં આવતું નથી પરંતુ સિલિન્ડરમાં ભારે દબાણથી ભરેલી ગરમ હવા ઉપર આ તેલનો છંટકાવ કરવામાં આવતાં તે સળગે છે.
ત્રણ પ્રકારનાં ડીઝલ તેલનું ઉત્પાદન કરવામાં આવે છે : (i) વજન અને ઝડપમાં વારંવાર અને મોટો ફેરફાર જરૂરી બનતો હોય તેવાં તીવ્ર ગતિવાળાં (high speed : 1000થી 2000 rpm) એન્જિનો (દા. ત., ટ્રક, કાર, ટ્રૅક્ટર વગેરે) માટેનું નિસ્યંદિત તેલ (ii) ભારે વજન ખેંચનારાં અને એકસરખી ઝડપવાળાં (દા. ત., સ્ટીમર વગેરેનાં) તીવ્ર ગતિવાળાં એન્જિનો માટેનું નિસ્યંદિત તેલ અને (iii) હળવાં અથવા મધ્યમ ગતિવાળાં (100થી 300 rpm) એકસરખાં વજનનાં સ્થિર એન્જિનો માટેનું બળતણ. પ્રથમ કક્ષાનું ડીઝલ સૌથી વધુ બાષ્પશીલ હોય છે; જ્યારે ત્રીજી કક્ષાનું સૌથી ઓછું બાષ્પશીલ, સલ્ફરનું વધુ પ્રમાણ ધરાવતું અને દહન દરમિયાન વધુ કાર્બનનો અવશેષ છોડનારું હોય છે.
ડીઝલ તેલની કાર્યક્ષમતા, તેના સિટેન-આંક અથવા જ્વલન માટે સરળતાનું પરિમાણ, બાષ્પાયન-સુલભતા તથા તેમાં રહેલા સલ્ફરના પ્રમાણ ઉપરથી નક્કી કરવામાં આવે છે.
સિટેન-આંક એ ઑટોમોબાઇલ એન્જિનના ઑક્ટેન-આંકને સમરૂપ (analog) છે. સિટેન(C16H34)ને કાલ્પનિક રીતે 100 આંક જ્યારે હેપ્ટામિથાઇલનોનેનને 0 (શૂન્ય) આંક આપવામાં આવેલ છે. ડીઝલની પ્રજ્વલન ગુણવત્તા સિટેન-હેપ્ટામિથાઇલ મિશ્રણમાં કદથી સિટેનના જે પ્રમાણને અનુરૂપ હોય તે તેનો સિટેન-આંક કહેવાય છે. સામાન્ય રીતે ડીઝલનો સિટેન-આંક 30થી 60ની વચ્ચે હોય છે. ઊંચા સિટેન-આંકવાળું તેલ વાપરવાથી એન્જિન સહેલાઈથી ચાલુ થાય છે અને તેનું સંચાલન સરળ બને છે.
જ. પો. ત્રિવેદી