ડીઝલ, રૂડૉલ્ફ

January, 2014

ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા.

તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ પૅરિસમાં વિતાવ્યા બાદ ફ્રાન્સ અને જર્મની વચ્ચે યુદ્ધ થતાં તેમનું કુટુંબ ઇંગ્લૅન્ડ ગયું. ઇંગ્લૅન્ડથી જર્મનીમાં આવેલા પિતાના ગામ ઑગ્ઝબર્ગમાં શાળાનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ મ્યૂનિકમાં આવેલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં  અભ્યાસ કર્યો. ત્યાં તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વલ રહી. 1880માં મ્યૂનિકના જાણીતા રેફ્રિજરેશન એન્જિનિયર કાર્લ વૉન લિન્ડેની પૅરિસની પેઢીમાં  જોડાયા.

તેમણે સારો એવો સમય પોતાને રસ પડતો હતો તેવા કામમાં ગાળવો શરૂ કર્યો. આ કામ એટલે ‘કાર્નોટ સાઇકલ’ (સૈદ્ધાંતિક રીતે જે ચક્રની કાર્યદક્ષતા મહત્તમ ગણાય છે) જેટલી કાર્યદક્ષતા મળી રહે તેવું આંતરદહન એન્જિન બનાવવું. આ માટે અનેક અખતરા કર્યા. 1890માં બર્લિનની લિન્ડે પેઢીમાં બદલી થઈ. ત્યાં પણ તેમણે આ મનગમતું કાર્ય ચાલુ રાખ્યું. 1892માં આજે જે ડીઝલ એન્જિન તરીકે જાણીતું છે તે એન્જિનનો પેટન્ટ મેળવ્યો અને 1894માં ‘તર્કસંગત ઉષ્મા મોટરનો સિદ્ધાંત અને રચના’ નામનો નિબંધ પ્રકાશિત કર્યો. તેનો ઇજનેરી ક્ષેત્રમાં સત્કાર થયો. એન્જિન ઉત્પાદન કરતી એક પ્રખ્યાત પેઢી તરફથી મદદ અને પ્રોત્સાહન મળતાં આ પ્રકારનું એન્જિન બનાવવાનું તેમણે શરૂ કર્યું અને તેમાં ઉત્તરોત્તર સુધારા  કરી 1897માં 25 અશ્વશક્તિનું એક ઊભા  સિલિન્ડરનું ચાર ફટકાવાળી ડીઝલ સાઇકલ પર કામ કરતા એન્જિનનું સફળ પ્રદર્શન કર્યું. ઉચ્ચ કાર્યદક્ષતા અને સાદી ડિઝાઇનને કારણે ડીઝલ એન્જિનો વ્યાવસાયિક ઉપયોગ માટે સારો આવકાર પામ્યાં છે.

રૂડૉલ્ફ ડીઝલ

1913માં ઇંગ્લિશ ચૅનલમાં ઇંગ્લૅન્ડ જતી ડ્રેઝડેન આગબોટના ડેક પરથી ખસી પડતાં ખાડીમાં ડૂબી જતાં રૂડોલ્ફ ડીઝલનું અકાળે અવસાન થયું હતું.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ