ડીઓગો, લોપ્સ દ સિક્વેરા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1518–1521). તેને લિસ્બનથી ખાસ આદેશ આપવામાં આવ્યો હતો કે તેણે દીવ પર કબજો જમાવી ત્યાં કિલ્લો બાંધવો, કારણ કે દીવ એડન-હોરમઝને ગોવા સુધી સાંકળનાર મહત્વનું સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર હતું. મલિક અયાઝના ગવર્નરપદ હેઠળ 1500થી દીવની સમૃદ્ધિમાં વધારો થયો હતો. મલિક અયાઝ પોર્ટુગીઝોનો કટ્ટર વિરોધી હતો. 1520ના અંતમાં ડીઓગો સિક્વેરાએ ડીઓગો ફર્નાન્ડીઝ દ બેજાને દીવ પર આક્રમણ કરવા મોકલ્યો, પરંતુ મલિક અયાઝે તેને હાર આપી. ત્યાર પછી બંનેએ (ડીઓગો સિક્વેરા તથા ડીઓગો ફર્નાન્ડીઝે) હોરમઝથી ભારત પાછા ફરતાં દીવ પર આક્રમણ કર્યું. મલિક અયાઝે ફર્નાન્ડીઝ બેજાના નૌકાદળને હાર આપી, તેથી ગવર્નર સિક્વેરાને દીવમાંથી ખસી જવું પડ્યું અને તે ચેવલ ગયો. મલિક અયાઝે ચેવલ પાસે પોર્ટુગીઝોનો સામનો કર્યો અને તેમનાં વહાણોને ડુબાડી દીધાં. પરિણામે, ડીઓગો લોપ્સ દ સિક્વેરાના ગવર્નરપદ હેઠળ પોર્ટુગીઝોને ભારતમાં બદનામી મળી. ગોવાના લોકોના વિરોધને કારણે 1521માં તેને લિસ્બન પાછો બોલાવી લેવામાં આવ્યો.
ર. લ. રાવળ