ડિ ક્વિન્સી, ટૉમસ (જ. 15 ઑગસ્ટ 1785; મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 8 ડિસેમ્બર 1859, એડિનબર) : આંગ્લ નિબંધકાર અને વિવેચક. 15 વર્ષની વયે મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં દાખલ થયા અને હોશિયાર વિદ્યાર્થી તરીકે છાપ ઊભી કરી, પરંતુ નરમ તબિયત તથા તે વખતે પ્રચલિત બનેલી કલ્પનારંગી રખડપટ્ટીની ભમ્રણાના માર્યા 17 વર્ષની વયે શાળા તથા ઘર છોડીને વેલ્સમાં રઝળપાટ કરવા નીકળી પડ્યા. 1802–03 દરમિયાન તે લંડનમાં છદ્મ વેશે રહ્યા; ત્યાં કેટલાક સામાજિક બહિષ્કૃતોની સોબત કેળવાઈ તેમાં ઍન નામની યુવાન વારાંગનાની મૈત્રીની તેમના જીવનમાં સ્થાયી અસર રહી. 1803માં કુટુંબ સાથે મનમેળ થવાથી, તેઓ ઑક્સફર્ડ ખાતેની વુસ્ટર કૉલેજમાં દાખલ થયા. અહીં જ તેમને ‘માનવજાતના બુદ્ધિવાદી તારણહાર’ થવાની મહત્ત્વાકાંક્ષા જાગી, તેમનું વાચન બહોળું હતું અને તેમણે ઇતિહાસ, જીવનચરિત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન તથા જર્મન અધ્યાત્મવિદ્યા જેવા બહુવિધ વિષયો વિશે લખ્યું.
ઑક્સફર્ડના કૉલેજકાળ દરમિયાન જ તેમણે ચહેરાના સ્નાયુનો દુખાવો મટાડવા પહેલવહેલી વાર અફીણ લીધું. 1813 સુધીમાં તેઓ અફીણના રીઢા બંધાણી બની ગયા. વર્ડ્ઝવર્થ તથા કૉલરિજના ‘લિરિક્લ બૅલડ્ઝ’ની પરિવર્તનલક્ષી મહત્તા સૌપ્રથમ તેમણે પિછાની હતી. 1807માં તેઓ આ બંને કવિઓના નિકટના સાથી બની રહ્યા. 1809માં તે ‘લેક-ડિસ્ટ્રિક્ટ’ ગયા અને ત્યાં વર્ડ્ઝવર્થનું અગાઉનું નિવાસસ્થાન ‘ડવ કૉટિજ’ ભાડે રાખી 1833 સુધી ત્યાં રહ્યા.
તેમણે લખ્યું થોકબંધ, પરંતુ આર્થિક પ્રતિકૂળતાને કારણે પ્રકટ નહિવત્ કરી શક્યા. 1821માં ‘લંડન મૅગેઝિન’માં ‘કન્ફેશન્સ ઑવ્ ઍન ઇંગ્લિશ ઓપિયમ-ઈટર’ પ્રકટ થતાંવેંત તેમને ખ્યાતિ મળી. 1822માં તે લેખો પુસ્તક રૂપે પ્રગટ થયા. પ્રથમ આવૃત્તિનાં લખાણોનો સ્પષ્ટ ઉદ્દેશ અફીણનાં ભયસ્થાનોથી વાચકને ચેતવવાનો હતો. અફીણસેવનનો અંદરખાનેથી પૂરેપૂરો અનુભવ ધરાવનાર તરીકે, એ સામાજિક દૂષણને ઉઘાડું પાડવા તેમણે હાથ ધરેલી અખબારી ઝુંબેશની વેધક રસપ્રદતા ઉપરાંત તેમાં માદક દ્રવ્યની લતના નિજાનંદનું વિરોધાભાસી ચિત્ર પણ આલેખાયું છે.
જીવનપર્યંત તેઓ અફીણના બંધાણી રહ્યા. 1856માં તેમની સંકલિત કૃતિઓ પ્રકટ થવાના પ્રસંગે, પોતાને પ્રસિદ્ધિ અપાવનાર પુસ્તકનું પુનર્લેખન કરવાની તેમણે તક ઝડપી, પરંતુ નવસંસ્કરણ કરાયેલી કૃતિમાં થયેલા ઉમેરણના પરિણામે, મૂળ ‘કન્ફેશન્સ’નાં રસસાતત્ય તથા પ્રભાવ કથળ્યાં હોવાનું જણાયું છે. તેમનાં અન્ય આત્મકથનાત્મક લખાણોમાં ઉલ્લેખનીય છે : ‘લેક રેમિનિસન્સિઝ’, 1834થી 40 દરમિયાન ‘‘ટેટ’સ મૅગઝીન’’માં છૂટક છૂટક છપાયેલા આ લેખોથી વર્ડ્ઝવર્થ તથા અન્ય લેક-કવિઓની લાગણી દુભાઈ હતી.
1823માં ‘લંડન મૅગેઝિન’માં છપાયેલા ‘ઑન ધ નૉકિંગ ઍટ ધ ગેટ ઇન મૅકબેથ’ નામના નિબંધથી તે સાહિત્યિક વિવેચક તરીકે વિશેષ જાણીતા થયા. સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિ તથા નવતર શેક્સપિયર-વિવેચનાનું તે ઉત્તમ ર્દષ્ટાંત છે. ‘ઑન મર્ડર કન્સિડર્ડ ઍઝ વન ઑવ્ ધ ફાઇન આર્ટ્સ’ તથા ‘ધ રિવૉલ્ટ ઑવ્ ધ ટાર્ટર્સ’ પણ ઉલ્લેખનીય છે. ‘કન્ફેશન્સ’ની સાથે સ્થાન પામે તેવી તેમની બીજી કૃતિ તે ‘સસપિરિયા ડ પ્રોફન્ડિસ’ (1845). એમાંના નિબંધોનું ગદ્યકાવ્યની ઉત્કૃષ્ટતાને આંબે છે. આ કૃતિ તથા ‘ધી ઇંગ્લિશ મેલ કોચ’ (1849) તેમની ઉત્કૃષ્ટ રચનાઓ લેખાય છે. પણ બંને અધૂરી રહી છે.
અંગ્રેજી સાહિત્યના મહાન સાયાસ શૈલીકારોમાં ડિ ક્વિન્સીની ગણના થાય છે. તેમણે ગૌરવસભર અલંકૃત અને જટિલ શૈલી વિકસાવી હતી. તેનું પગેરું મિલ્ટનની કવિતા તથા રોબર્ટ બર્ટન અને સર ટૉમસ બ્રાઉન જેવા પુરોગામી ગદ્યકારોમાં મળે છે. તેમનો પ્રભાવ પ્રો, મસે તથા બૉદલેરે વિશેષ ઝીલ્યો છે.
મહેશ ચોકસી