ડિક્સ, ઑટો (Dix, Otto) (જ. 1891, ગેરા નજીક ઉન્ટેર્હાર્મ્હોસ, જર્મની; અ. 1969, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905થી 1909 સુધી શોભનશૈલીના ચિત્રકાર તરીકે કામ કર્યું. 1909થી 1914 દરમિયાન ડ્રેસ્ડનની કલાશાળામાં અભ્યાસ કર્યો. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં જર્મન સૈન્યમાં ભૂસેનામાં પ્રથમ હરોળમાં રણમોરચે સેવા આપી. 1919માં કલાજૂથ ‘ડ્રેસ્ડન સેસેશન ગ્રૂપ’ના સહસ્થાપક બન્યા. દાદા–શૈલીમાં પોતે આલેખેલાં ચિત્રો 1920માં બર્લિનમાં યોજાયેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ દાદા ફેરમાં પ્રદર્શિત કર્યાં. આ પછીનાં તેમનાં ચિત્રો અભિવ્યક્તિવાદી બન્યાં, જે ખાસ કરીને ‘ન્યૂ ઑબ્જેક્ટિવિટી’ નામે ઓળખાયાં. આ ચિત્રોમાં તેમણે સમાજમાં વ્યાપેલા સડા માટે ઉદ્યોગપતિઓ, રાજકીય પક્ષો, લશ્કર અને અખબારો પર ઉગ્ર પ્રહારો કર્યા તથા સમાજના કચડાયેલા દલિતોની યાતના વ્યક્ત કરી. 1919 પછી તેમનાં ચિત્રોમાં માનવહિંસા દ્વારા માનવચિત્ત ઉપર તોળાતો ભયનો ઓથાર મુખ્ય વિષય બને છે. 1919થી 1922 લગી ‘ડુસેલ્ડૉર્ફ એકૅડેમી ઑવ્ આર્ટ’ ખાતે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. હવે તેમનાં ચિત્રો વધુ બળૂકાં અને બોલકાં બન્યાં. તેમને ‘રાજકીય આક્ષેપ’રૂપ બન્યાં ગણી શકાય. યાતના દર્શાવવાની સાથે સાથે ડિક્સે ચિત્રોમાં તે માટે જવાબદાર રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને છાપાંના માલિકો તથા તંત્રીઓ પર પ્રહાર કર્યા. યુદ્ધ પતી ગયા પછી પણ તેનો ઓથાર ડિક્સના ચિત્ત ઉપર અગાઉ જેટલો જ ઊંડો ખૂંપેલો રહ્યો અને તેથી યુદ્ધની યાતનાઓનું તેમનું ચિત્રણ ચાલુ રહ્યું.

1927થી 1933 લગી ડિક્સ ‘ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટ’માં પ્રોફેસર રહ્યા. 1933માં તેમને તે પદેથી બરતરફ કરવામાં આવ્યા. 1931માં તે પ્રશિયન એકૅડેમી ઑવ્ આર્ટના સભ્ય બન્યા. 1937માં નાઝી હકૂમતે તેમને સડેલા, વિકૃત મનોદશાવાળા જાહેર કર્યા અને તેમનાં 260 ચિત્રોનો નાશ કર્યો. 1939માં એક વરસ માટે તેમને જેલમાં પૂરવામાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં સત્તા-પરિવર્તન થતાં 1950થી 1969 લગી તેઓ ‘ડુસેલ્ડૉર્ફ એકૅડેમી ઑવ્ આર્ટ’માં પ્રોફેસર રહ્યા.

અમિતાભ મડિયા