ડિસ્પ્રોશિયમ : આવર્તક કોષ્ટકમાં આવેલ લેન્થેનાઇડ શ્રેણીમાંનું એક વિરલ (દુર્લભ, rare) મૃદા (earth) ધાતુતત્વ. સંજ્ઞા Dy, 1886માં પૉલ લેકોક દ બૉઇસબોડ્રન (Paul Lecoq de Boisbaudran)-એ તેની શોધ કરી હતી. 1906માં ઉરબેને તેનું લગભગ શુદ્ધ સ્વરૂપ સિદ્ધ કર્યું હતું. પરંતુ આ તત્વ મુક્ત અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાતું નથી. ગ્રીક શબ્દ dysprositos (hard to get) ઉપરથી તેનું નામ પાડવામાં આવ્યું છે.
યુકઝેનાઇટ, ફર્ગુસોનાઇટ, ઝિનોટાઇમ, ગૅડોલિનાઇટ, એપેટાઇટ વગેરે કુદરતી ખનિજોમાં તે મળી આવે છે. લેન્થેનાઇડ શ્રેણીના ભારે તત્ત્વોમાં તે સૌથી વધુ વિપુલતા ધરાવે છે. નાભિકીય વિખંડન પ્રક્રિયાઓમાં પણ તે બને છે. અન્ય વિરલ ધાતુઓનાં મિશ્રણમાંથી તે આયનવિનિમય પદ્ધતિ વડે અલગ કરાય છે. ધાત્વીય ડિસ્પ્રોશિયમ તેના સેસ્ક્વીઑક્સાઇડ(Dy2O3)માંથી નીચેની પ્રક્રિયા વડે મેળવી શકાય છે :
ધાત્વીય ડિસ્પ્રોશિયમ મેળવવા માટે ટેન્ટલમ કે ટંગસ્ટનના પાત્રમાં નિષ્ક્રિય વાયુ(આર્ગન)ના વાતાવરણમાં ડિસ્પ્રોશિયમના ગલનબિંદુ કરતાં ઊંચા તાપમાને અપચયન કરવામાં આવે છે. આ તાપમાને CaF2 પણ પીગળેલી સ્થિતિમાં હોઈ ધાતુ (Dy) અને ધાતુમળ (slag) બે અલગ સ્તરો બનાવે છે, જેમને અલગ કરી શકાય છે. મળતા ડિસ્પ્રોશિયમમાં થોડા પ્રમાણમાં ટેન્ટલમ કે ટંગસ્ટન પણ હોય છે.
ડિસ્પ્રોશિયમ નરમ, ચાંદી જેવું ધાત્વીય તત્વ છે. તેનો પરમાણુ આંક 66, પરમાણુભાર 162.50, ઇલેક્ટ્રૉન-સંરચના [Xe] 4f10 5d° 6s2, ગલનબિંદુ 1412° સે. ઉત્કલનબિંદુ 2567° સે, તથા ઘનતા (25° સે.) 8.550 ગ્રા/ઘ.સેમી છે. રાસાયણિક રીતે તે અર્બિયમ (Er), હોલ્મિયમ (Ho) તથા થુલિયમ (Tm) જેવા ગુણધર્મો ધરાવે છે. ઊંચા તાપમાને તેના ઉપર હવાની અસર લાંબા સમય સુધી ચળકાટભર્યું રહે છે. તે અનુચુંબકીય છે, પરંતુ તાપમાન નીચું ઉતારતાં નીલબિંદુ- (178 K)એ તે પ્રતિલોહચુંબકીય તથા ક્યુરીબિંદુ(85 K)એ તે લોહચુંબકીય બને છે. ખૂબ નીચા તાપમાને તે પ્રબળ વિષમદૈશિક (anisotropic) ચુંબકીય ગુણધર્મો દર્શાવે છે.
Dyનાં મોટા ભાગનાં સંયોજનોમાં તે +3 સંયોજકતા દર્શાવે છે. તેનો સફેદ ઑક્સાઇડ Dy2O3 ઍસિડમાં ઓગાળતાં પીળાશ પડતા લીલા રંગનું દ્રાવણ મળે છે. Dy3O3 પ્રબળ અનુચુંબકીય છે. ડિસ્પ્રોશિયમના હેલાઇડો પૈકી DyF3 (ગ.બિ. 1154° સે.) લીલો, DyCl3 (ગલનબિંદુ 647° સે.) સફેદ, DyBr3 (ગ.બિ. 879° સે.) સફેદ જ્યારે DyI3 (ગલનબિંદુ 978° સે) લીલો રંગ ધરાવે છે. નીચલાં હેલાઇડ (DyX2) પ્રક્રિયા DyX3 + Dy દ્વારા બને છે. Dyiv ધરાવતું Cs3DyF7 સંયોજન ફ્લૉરિન વાપરીને બનાવી શકાય છે.
ડિસ્પ્રોશિયમ ધાતુનાં પતરાં ન્યૂટ્રૉન ફ્લક્સના માપન માટે વપરાય છે. કેટલાક સંદીપકો(phosphors)માં તે પ્રસ્ફુરણ તરીકે પણ ઉપયોગમાં લેવાયેલું છે.
જ. પો. ત્રિવેદી