ડિજિટલ એરેસ્ટ : ડિજિટલ ધરપકડનો એક પ્રકારનો. સાયબર અપરાધ. તેમાં સાયબર અપરાધીઓ કાયદાનું પાલન કરતી સંસ્થાઓ, જેમ સીબીઆઈ, નાર્કોટિક્સ વિભાગ, આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરોરેટ (ઇડી) કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરી તેમના પીડિતને ડરાવે-ધમકાવે છે અને છેતરપિંડી કરીને લાખો-કરોડો રૂપિયા પડાવે છે. આ કૌભાંડમાં વ્યક્તિની પ્રત્યક્ષ રીતે ધરપકડ કરવામાં આવતી નથી, પરંતુ અપરાધીઓ પીડિતોને ઘરમાં રહેવા કે તેમની દરેક હિલચાલ પર નજર રાખવાની સુવિધા આપવા મજબૂર કરે છે. આ રીતે તેઓ પીડિતો પર ડિજિટલ રીતે નજર રાખે છે, જેને ‘ડિજિટલ એરેસ્ટ’ કહેવાય છે. તેમાં ફસાયેલી વ્યક્તિઓ ઘણી વાર મહિનાઓ સુધી ઘરમાં બંધ રહેવા મજબૂર થઈ જાય છે.

ડિજિટલ એરેસ્ટ

સામાન્ય રીતે સાયબર અપરાધીઓ પીડિત વ્યક્તિનો ફોન કૉલ્સ, ટેકસ્ટ મૅસેજ, કે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરે છે. તેમની પાસે પીડિત વ્યક્તિની ઘણીબધી માહિતી અગાઉથી ઉપલબ્ધ હોય છે. આ માહિતીને આધારે તેઓ પીડિત વ્યક્તિઓ પર મની લોન્ડરિંગ, કરવેરાની ચોરી કે સાયબર અપરાધ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો ખોટો આરોપ મૂકે છે. આ કૌભાંડ કરવા માટે અપરાધીઓ વૉટ્સએપ, વીડિયો કૉલ્સ અને અન્ય ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરે છે. મોટા ભાગે અપરાધીઓ આ પ્રકારનું કૌભાંડ કરવા મોટી ઉંમરની વ્યક્તિ કે મધ્યમ કદનાં ઉદ્યોગસાહસોને નિશાન બનાવે છે.  આ અપરાધીઓ શિક્ષિત પુરુષો અને મહિલાઓ હોય છે – તેઓ અંગ્રેજીની સાથે વિવિધ ભારતીય ભાષાઓમાં વાત કરવામાં કુશળ હોય છે. તેમાં એન્જિનિયરો, સાયબર સુરક્ષા નિષ્ણાતો અને બૅંકિંગ વ્યાવસાયિકો પણ સામેલ છે.

ઉદાહરણથી વાતને સમજો : નવેમ્બર, 2024માં ભારતની ટોચની એક હૉસ્પિટલમાં કાર્યરત 44 વર્ષીય ન્યુરોલૉજિસ્ટ પર સાયબર અપરાધીઓએ રુચિકા ટંડનને શિકાર બનાવ્યાં હતાં. તેમણે ટંડન પર મહિલાઓ અને બાળકોની તસ્કરી કરીને ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાનો આરોપ મૂક્યો હતો; એટલું જ નહીં, આ નાણાં તેમણે તેમની માતા સાથે સંયુક્ત ખાતામાં રાખ્યાં હોવાનો દાવો પણ કર્યો હતો. ચોક્કસ, ડૉ. ટંડન કેટલીક રકમ તેમની માતા સાથે સંયુક્ત ખાતામાં ધરાવતાં હતાં. તેઓ ગભરાઈ જાય છે એટલે અપરાધીઓ તેમને તાત્કાલિક સ્માર્ટ ફોન ખરીદવા દબાણ કરે છે. પછી છ દિવસ સુધી પોલીસ અધિકારીઓ અને ન્યાયાધિશ તરીકે ત્રણ પુરુષો અને એક મહિલા સ્કાયપે પર રુચિકા ટંડનનાં સ્માર્ટ ફોન પરથી સતત તેમની પર નજર રાખે છે. તેઓ ડૉક્ટરને સતત તેમની સાથે ફોન રાખવા મજબૂર કરીને તેમની એક-એક હિલચાલ પર નજર રાખે છે. તેઓ ગભરાઈને છ દિવસ સુધી હૉસ્પિટલ પણ જતાં નથી. છેવટે તેઓ 25 મિલિયન એટલે કે રૂ. 2.5 કરોડની ચુકવણી સાયબર અપરાધીઓને કરે છે. તેના બેથી ત્રણ દિવસ પછી તેઓ પોલીસ-સ્ટેશન જઈને આ અંગે જાણ કરે છે અને હવે તેમની પર કોઈ આરોપ નથી એ ચકાસણી કરે છે. પરંતુ પોલીસસ્ટેશનમાં તેમને જાણ થાય છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

આ જ રીતે અમુક કિસ્સાઓમાં સાયબર અપરાધીઓ વૉટ્સએપ કે સ્કાયપે પર વયોવૃદ્ધોને ફોન કરીને પ્રથમ તેમને કોઈ યુવતીની પ્રેમજાળમાં ફસાવે છે. પછી આ યુવતીઓ સામેની વ્યક્તિ પાસે અશ્લીલ હરકતો કરાવે છે અને તેનો વીડિયો રેકૉર્ડ કરી લે છે. આ વીડિયોનો ઉપયોગ કરીને પછી તેઓ બ્લૅકમેઇલ કરીને મોટી રકમ પડાવે છે. સામાન્ય રીતે આ પ્રકારના કૌભાંડમાં જાણે-અજાણે નાનીમોટી ભૂલ કરનાર વ્યક્તિઓને ફસાવવામાં આવે છે.

મોડસ ઓપરેન્ડી : આ કૌભાંડમાં સૌપ્રથમ સાયબર અપરાધીઓ તેમના પીડિતોને ડરાવવા તેમની ધરપકડ કરવાનો કે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપે છે. તેઓ પોલીસઅધિકારીઓ કે સીબીઆઈ, આવકવેરા, ઇડી કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જેવી કાયદાનું પાલન કરતી સંસ્થાઓના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરે છે. પછી તેઓ પીડિતો પર સાયબર અપરાધ કે નાણાકીય કૌભાંડ કે નશીલાં દ્રવ્યોનું સેવન કરતાં હોવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનો આરોપ મૂકે છે. ત્યાર બાદ તેઓ ધરપકડ ટાળવા કે કાયદેસર પગલાં ન લેવા માટે પીડિતોને દંડ કે લાંચ ચૂકવવા દબાણ કરે છે. સાથે સાથે તેઓ પીડિતોની વ્યક્તિગત માહિતી, જેમ કે બૅન્ક ખાતાની વિગતો કે પાસવર્ડ વગેરે દબાણ કરીને મેળવવાનો પ્રયાસ પણ કરે છે. ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં અપરાધીઓ પીડિતોને ફોન કૉલ મારફતે સંપર્કમાં આવવા દબાણ કરે છે. તેઓ પીડિતોને વૉટ્સએપ અને સ્કાયપે જેવા પ્લૅટફૉર્મ મારફતે વીડિયો કૉમ્યુનિકેશન કરવા મજબૂર કરે છે. તેઓ પીડિતોને ડિજિટલ એરેસ્ટ વૉરન્ટ દેખાડીને ધમકી આપે છે તથા તેમની પર નાણાકીય ગેરરીતિઓ આચરવાનો, કરવેરાની ચોરી કરવાનો અથવા અન્ય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકે છે.

વળી અપરાધીઓ તેમનો કૉલ કાયદેસર હોવાનું દર્શાવવા પોલીસસ્ટેશન જેવો જ સેટ-અપ ઊભો કરે છે. તેઓ પીડિતોને “તેમનું નામ આરોપીઓની યાદીમાંથી દૂર કરવા”, “તપાસમાં મદદ કરવા માટે” રિફંડ મળી શકે એવી સિક્યૉરિટી ડિપૉઝિટ કે એસ્ક્રો એકાઉન્ટમાં ચોક્કસ રકમ ટ્રાન્સફર કરવા દબાણ કરે છે. આ માટે તેઓ ચોક્કસ બૅન્ક ખાતા કે યુપીઆઈ આઇડી આપે છે. એક વાર પીડિત ચુકવણી કરે છે, પછી અપરાધીઓ તેમનું ખાતું બંધ કરીને ગાયબ થઈ જાય છે. દેશભરમાં આ રીતે અનેક લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.

બચવાની રીતો : આ પ્રકારના કૌભાંડથી બચવા માટે સૌપ્રથમ તમારે ફોન પર કે ઑનલાઇન કોઈ પણ અપરિચિત વ્યક્તિને કે પોતાને કોઈ સરકારી સંસ્થાના અધિકારી હોવાનો દાવો કરતી વ્યક્તિને તમારી ગોપનીય માહિતી કે નાણાકીય વિગતો ક્યારેય ન આપવી જોઈએ. અજાણ્યા નંબરો પરથી, ખાસ કરીને વિદેશી કોડ ધરાવતા ફોન કૉલ પર જવાબ આપવાનું ટાળવું જોઈએ. યાદ રાખો, સરકારી સંસ્થાઓ વૉટ્સએપ કે સ્કાયપે જેવા પ્લૅટફૉર્મનો ઉપયોગ સત્તાવાર રીતે સંપર્ક કરવા માટે કરતી નથી. જો તમને શંકાસ્પદ કૉલ મળે કે મૅસેજ આવે, તો સરકારી વેબસાઇટ કે જાણીતી કાયદાસંસ્થા જેવા વિશ્વસનીય સૂત્ર સાથે માહિતીની ખરાઈ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રકારના અપરાધમાં કૌભાંડ કરતા લોકો મુખ્યત્વે પીડિતોને ડરાવવા-ધમકાવવાનો આશરો લે છે. આ પ્રકારના સ્થિતિસંજોગોમાં શાંત રહો અને આવેશમાં આવીને નિર્ણયો લેવાનું ટાળો. જો તમને ડિજિટલ એરેસ્ટ કૌભાંડ દ્વારા લક્ષ્યાંક બનાવવાનો પ્રયાસ થતો હોય તેવું લાગે, તો તાત્કાલિક સ્થાનિક પોલીસ કે સાયબર અપરાધ સત્તામંડળને જાણ કરો. તમે તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને પણ જાણ કરી શકો છો.

વર્ષ 2024માં ભારતમાં જ ડિજિટલ એરેસ્ટ કૌભાંડના 92,323 કેસો નોંધાયા હતા. સત્તાવાર આંકડા મુજબ, તેમાં ભારતીય નાગરિકોએ રૂ. 1,200 મિલિયન ગુમાવ્યા હતા. સરકાર અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટા ભાગે આ કૌભાંડો મ્યાનમાર, કમ્બોડિયા અને લાઓસથી થાય છે. ભારત સરકારની કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ ઑફ ઇન્ડિયા(CERT-In)એ સાયબર અપરાધીઓ ઑનલાઇન કૌભાંડ કરી શકે એ માટે અપનાવી શકે એવી પદ્ધતિઓની યાદી રજૂ કરી છે, જેમાં ડિજિટલ એરેસ્ટ કૌભાંડ પણ સામેલ છે.

કેયૂર કોટક