ડિજિટલ ઈન્ડિયા: દેશના નાગરિકોને સરકારી વિભાગોની સેવાનો ઓનલાઈન લાભ આપતી પહેલ.

1 જુલાઈ, 2015ના રોજ કેન્દ્ર સરકારે આ દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી. digitalindia.gov.in વેબસાઈટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોંચ કરી હતી. આ પહેલની ટેગલાઈન છે – પાવર ટુ એમ્પાવર. કાગળના ઉપયોગ વગર સરકારી સેવાઓ દેશની જનતા સુધી પહોંચે તે એનો મુખ્ય હેતુ છે. દેશમાં ડિજિટલની સુરક્ષિત વ્યવસ્થાનું નિર્માણ, ઓનલાઈન માધ્યમથી સરકારી સેવાને લોકો સુધી પહોંચાડવી અને ડિજિટલ સાક્ષરતા – આ ઉદેશ્યો સાથે ડિજિટલ ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતનેટ, મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, ભારતમાલા અને સાગરમાલા જેવી અનેક યોજનાઓને આ પહેલ સાથે જોડવામાં આવી છે.

ડિજિટલ ઈન્ડિયાની શરૂઆતના કારણે ગ્રામ્ય વિસ્તારના 50 ટકા લોકોને સરકારી યોજનાઓની ઓનલાઈન સેવા મળતી થઈ ગઈ છે. ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત સરકારે એક લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. અઢી લાખ ગામડાંઓને બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવ્યા છે. ચાર લાખ કરતાં વધારે જાહેર ઈન્ટરનેટ કેન્દ્ર શરૂ થયા છે. અઢીથી ત્રણ લાખ શાળા-કોલેજોને ઈન્ટરનેટ-વાઈફાઈની સુવિધા મળી છે. 1.7 કરોડ લોકોને ડિજિટલ ઈન્ડિયાની પહેલના કારણે પ્રત્યક્ષ રોજગારી મળી હોવાનો અંદાજ છે. તે સિવાય આઠ કરોડ કરતાં વધુ લોકોને અપ્રત્યક્ષ રીતે આ યોજનાથી ધંધા-રોજગાર મળ્યા છે. વાર્ષિક ડિજિટલ ઈન્ડિયા સમિટ અને એવોર્ડ્સનું આયોજન પણ કરવામાં આવે છે. દેશમાં 121 કરોડ કરતાં વધુ નાગરિકો પાસે મોબાઈલ છે, જેમાં 45 કરોડ સ્માર્ટફોન ધારકો છે અને 56 કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તા છે. દેશના 123 કરોડ નાગરિકોને ડિજિટલ ઓળખપત્ર આધારકાર્ડ આપવામાં આવ્યું છે. ભારતમાં 10 કરોડ એક્ટિવ યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ-યુપીઆઈનો ઉપયોગ કરે છે. દેશમાં મહિને સરેરાશ 670 કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે.

આધારકાર્ડ, ડિજિલોકર, પાનકાર્ડ, ઈપીએફઓ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્વચ્છ ભારત મિશન મોબાઈલ એપ, ઈ-સાઈન, ઈ-સંપર્ક ઉપરાંત એક જ પ્લેટફોર્મમાં અનેક સુવિધા આપતી ઉમંગ એપ જેવી તમામ સુવિધાઓ અને યોજનાઓ ડિજિટલ ઈન્ડિયાનો ભાગ છે. ડિજિટલ ઈન્ડિયાનો પ્રોજેક્ટ ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને નાણા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આગામી પાંચ વર્ષમાં દેશની 80 ટકા વસતિને ડિજિટલ ઈન્ડિયાની પહેલ સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

હર્ષ મેસવાણિયા