ડાલ્સ, જી. એફ. (જ. 1927; અ. 18 એપ્રિલ 1992) : વિખ્યાત અમેરિકન પુરાતત્વવેત્તા. તેમનું સમગ્ર જીવન પુરાવસ્તુનાં વિવિધ ક્ષેત્રોનાં અન્વેષણો અને પ્રકાશનોમાં વીત્યું છે.
1953માં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં તે જોડાયા અને મેસોપોટેમિયાની પૂતળીઓ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1957થી 1959 સુધી તેઓ બગદાદ સ્કૂલમાં હતા ત્યાં અબ્બાસ બંદરના વિસ્તારમાં અને પાકિસ્તાનના સમુદ્રકાંઠા વિસ્તારમાં કામ કર્યું જેને પરિણામે 1970માં કરાંચીની પશ્ચિમે બાબાકોટમાં ઉત્ખનન કર્યું હતું.
ઈ. સ. 1960થી ઈ. સ. 1963 દરમિયાન તેઓ કૅનેડાના શહેર ટૉરન્ટોમાં રહ્યા, અને ત્યાંથી તેમણે નીપુરના ઉત્ખનનમાં ભાગ લીધો. ત્યારબાદ 1963થી 1972 સુધી પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયમાં કામ કર્યું. ત્યારપછી કૅલિફૉર્નિયામાં બર્કલે વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું (1972–1992). ઈ. સ. 1970માં તેમણે શ્રીલંકામાં અને 1972થી 92 દરમિયાન તેમણે મોહેં-જો-દડો તેમજ અફઘાનિસ્તાન તથા પ્રથેરથાઈમાં કામ કર્યું હતું.
તેમણે કરેલાં વિવિધ સંશોધનકાર્યોમાં તેમનું મોહેં-જો-દડોનું સંશોધનકાર્ય ભારતીય વિચારસરણી પરત્વે મહત્વનું છે. આર્યો ભારતમાં બહારથી આક્રમકો તરીકે આવ્યા હતા અને તેમણે મોહેં–જો–દડોમાં હત્યાકાંડ સર્જ્યો હતો એવા સર મૉર્ટિમર વ્હીલરના મંતવ્યનો વિરોધ કરીને આ નગરનો નાશ કુદરતી પરિબળોથી થયો હતો એમ તેમણે વ્યવસ્થિત રીતે પુરવાર કર્યું.
તેમણે 1986થી 1992 સુધી પાકિસ્તાનમાં ઉત્ખનનો કર્યાં હતાં. તેમના આશરે એકસો ત્રેવીસ જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ થયા છે.
ર. ના. મહેતા