ડાર્વિન, ઇરેસ્મસ (જ. 12 ડિસેમ્બર 1731, એલ્ટન, નૉટિંગહામ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 એપ્રિલ 1802, ડર્બી, ડર્બીશાયર) : ખ્યાતનામ તબીબ, તત્વવેત્તા અને કવિ. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા અને પ્રકૃતિવિદ, વિખ્યાત જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનના પિતામહ. 1750–54 વચ્ચે ચાર વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જ્હૉન કૉલેજ ખાતે અભ્યાસ કરીને તબીબી ઉપાધિ મેળવી. 1754–56 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી ખાતે ઉચ્ચ તબીબી શિક્ષણ લીધું.
નૉટિંગહામમાં તબીબી વ્યવસાય આશાસ્પદ ન લાગતાં લિચફિલ્ડ ખાતે જઈ રહ્યા. ત્યાં સારા તબીબ તરીકે ખ્યાતિ મેળવી. તેમની શક્તિ અને ખ્યાતિથી અંજાઈને જ્યૉર્જ ત્રીજાએ લંડનમાં પોતાના અંગત તબીબ તરીકે આવવા નિમંત્રણ પાઠવ્યું, પણ ડાર્વિને નિમંત્રણનો સાદર અસ્વીકાર કર્યો; કારણ કે અહીં તેમને અંગ્રેજ વિચારક અને ફ્રાન્સની ક્રાંતિના પ્રેરક રૂસો, અંગ્રેજ સાહિત્યકાર ડૉ. સૅમ્યુઅલ જ્હૉનસન, ઑક્સિજનના શોધક જ્હૉન પ્રિસ્ટલી, ખ્યાતનામ ઇજનેર જેમ્સ વૉટ, વરાળ-એન્જિનના પ્રથમ નિર્માતા મૅથ્યૂ બોલ્ટન, રિચાર્ડ લૉવેલ એજવર્થ, લેખક ટૉમસ ડે, ક્વેકર સૅમ્યુઅલ ગાલ્ટન જેવા શોધકો, વિચારકો, ફિલસૂફો અને પ્રતિભાસંપન્ન નાગરિકોનો સહવાસ મળ્યો. અહીં ડાર્વિનના વડપણ નીચે આ બધાએ મળીને ‘લ્યુનર સોસાયટી’ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના સભ્યો વારાફરતી એકબીજાને ઘેર પૂર્ણિમાના દિવસે મળતા હતા. દરેક પોતાની શોધ અને નવા વિચારો અહીં રજૂ કરતા અને તેની વિગતવાર ચર્ચાઓ કરતા.
1781માં ડાર્વિને ડર્બીમાં વસવાટ કર્યો. અહીં તેમણે ફિલૉસૉફિકલ સોસાયટીની સ્થાપના કરી. 1784માં લિચફિલ્ડમાં દવાખાનું શરૂ કર્યું. ડાર્વિન મુક્ત અને મૌલિક વિચારક હતા. તે પોતાના વિચારો, અભિપ્રાયો અને વૈજ્ઞાનિક વિષયનું નિરૂપણ કાવ્યસ્વરૂપે કરતા હતા.
તેમને વનસ્પતિવિજ્ઞાન પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. ઇંગ્લૅન્ડની એક જંગલી ખીણને અથાગ પ્રયત્નો બાદ સુંદર બગીચામાં ફેરવી નાખેલ જે સમગ્ર ઇંગ્લૅન્ડના પર્યટકોનું કેન્દ્ર હતું. વનસ્પતિવિજ્ઞાનમાંથી પ્રેરણા મેળવી 1794–95માં ‘ધ બૉટેનિક ગાર્ડન’ કાવ્ય લખ્યું. ‘ઝૂનોમિયા’ (1794) તેમનું તત્વજ્ઞાનનું પુસ્તક છે. તેમાં ઉત્ક્રાંતિવાદની રજૂઆત છે. તેમાં તેમણે જાતિપરિવર્તનનાં સંભવિત કારણો રજૂ કર્યાં છે. ‘ફાઇટોલોજિયા’(1800)માં કૃષિ અને ઉદ્યાનની વિગતવાર છણાવટ કરી છે. ‘ધ ટૅમ્પલ ઑવ્ નેચર’(1803)માં તેમનું કવિત્વ ખીલી ઊઠ્યું છે. લેમાર્કની જેમ તેમણે ઉત્ક્રાંતિ વિશે પોતાના ખ્યાલ રજૂ કર્યા હતા. તેમણે પ્રતિપાદિત કરેલું કે જાતિઓ (species) પર્યાવરણ સાથે સહેતુક અનુકૂલન સ્થાપીને તેમનામાં પરિવર્તન કરે છે. તેમણે અઢારમી સદીનાં ભૌતિકવાદી વલણો અને મૂલ્યોને મૂર્ત કર્યાં છે. સીધાંસાદાં અવલોકનોને આધારે જ કોઈ પણ તારણ ઉપર આવવાનું તે યોગ્ય સમજતા હતા. ઉત્ક્રાંતિવાદ(evolution)થી સુપ્રજનનવાદ (eugenics), વિમાનથી પનડૂબિકા, ચેપનાશકવિજ્ઞાનથી મનોવિશ્લેષણ, વાત કરતા યંત્રથી ટેલિફોન જેવા આધુનિક ક્ષેત્રે તેમણે પોતાના આગવા વિચારો વ્યક્ત કર્યા છે. ભાગ્યે જ કોઈ એવી વર્તમાન શોધ હશે જેના વિશે ડાર્વિને વિચાર નહિ કર્યો હોય. તેમની ‘એ પ્લાન ફૉર ધ કન્ડક્ટ ઑવ્ ફિમેલ એજ્યુકેશન ઇન બોર્ડિંગ સ્કૂલ્સ’ (1797) કૃતિ ધ્યાન ખેંચે તેવી છે.
દર્દીઓની સારવાર માટે તે મૌલિક પદ્ધતિનો ઉપયોગ કરતા. તેર વર્ષના લગ્નજીવન બાદ પત્ની મૅરીનું અવસાન થયું. ત્યારબાદ દશ વર્ષ પછી બીજું લગ્ન કર્યું. પછી ડાર્વિન ડર્બી ગયા. પુસ્તકો લખવાનું કામ તો ચાલતું જ હતું. દેશમાં ફરતે ફરતે દર્દીઓને તપાસે, દારૂ નહિ પીવા સમજાવે, નિયમિત નાહવા-ધોવાની અને સ્વચ્છ હવા લેવાની આગ્રહપૂર્વક સલાહ આપે, ડાર્વિને ઘણા લોકોની સારવાર કરીને તેમને રોગમુક્ત કર્યા હતા અને ગરીબ દર્દીઓની વિના મૂલ્યે મૃત્યુપર્યંત સારવાર કરી હતી.
નયન કે. જૈન