ડાયોડોટસ 1લો : ઈ. સ. પૂ.ની ત્રીજી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલો બૅક્ટ્રિયા(બાહલિક)નો યવન (યુનાની) રાજવી.
મહાન સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન વિજેતા સેલુકની સત્તા જામી. એના પૌત્ર અંતિયોક 2જાના સમય (ઈ. સ. પૂ. 261–246) દરમિયાન એમાંના પહલવ (પર્થિય) અને બાહલિક (બૅક્ટ્રિયા) પ્રાંતોએ સેલુક વંશની સત્તાથી સ્વતંત્ર થવા કોશિશ કરી. થોડા સમયમાં ત્યાં અન્ય યવનકુલનાં રાજ્ય સ્થપાયાં. બાહલિક રાજ્યમાં ડાયોડોટસ સત્તારૂઢ થયો. એ ‘બૅક્ટ્રિયાનાં હજાર નગરોનો શાસક’ કહેવાતો. એની રાજસત્તા બલ્ખ પ્રદેશથી માંડીને ઑક્સસ નદીની દક્ષિણ સુધી વિસ્તૃત હતી. એણે સેલુક વંશની રાજસત્તા સામે બળવો કરી પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપીને ‘રાજ’ બિરુદ ધારણ કર્યું. એના પુત્ર તથા ઉત્તરાધિકારીનું નામ પણ ડાયોડોટસ હતું. આથી આ રાજવંશ સ્થાપનાર ડાયોડોટસ 1લો કહેવાય. એના વંશજ દિમિત્રે હિંદુકુશ પાર કરી ગંધાર પ્રદેશ સર કર્યો ને વાયવ્ય ભારતમાં યવન રાજસત્તાની સ્થાપના કરી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી