ડાયેટોમ : બેસીલારીઓફાઇટા વિભાગની કોઈ પણ એકકોષી કે શિથિલ શૃંખલા સ્વરૂપે કે વસાહતી સ્વરૂપે મળી આવતી લીલ. વિશ્વમાં ડાયેટોમની લગભગ 200 પ્રજાતિઓ અને 16,000 જેટલી જાતિઓ થાય છે. તે જલીય હોય છે અને મીઠા પાણીમાં તેમજ દરિયામાં પ્લવક (plankton) તરીકે થાય છે. કેટલીક જલતલીય પણ હોય છે.
તે સૂક્ષ્મ, વિવિધરંગી અને નૌકાકાર, અર્ધચંદ્રાકાર, ત્રિકોણાકાર, લંબચોરસ કે વર્તુળાકાર – એમ વિવિધ આકારની હોય છે. દ્વિપાર્શ્વીય કે અરીય સંરચના દર્શાવે છે. તેમની કોષદીવાલ સિલિકોન ડાયૉક્સાઇડ અને પેક્ટિનની બનેલી હોય છે અને ડબ્બી જેવું કવચ (frustule) ધરાવે છે. આ કવચ એકબીજાને આચ્છાદિત કરતા બે અર્ધભાગો વડે બને છે. આ અર્ધભાગો દ્વિતીયક રચનાઓ ધરાવે છે. ઉપરના મોટા અર્ધભાગને અધિપ્રાવરક (epitheca) અને નીચેના આચ્છાદિત થતા અર્ધભાગને અધ:પ્રાવરક (hypotheca) કહે છે. જટિલ અને સુંદર રેખાઓની બનેલી ભાત ધરાવે છે. તેના હરિતકણમાં ક્લૉરોફિલ, a, c, કેરૉટિનૉઇડસ અને ફ્યુકોઝેન્થીન નામનાં રંજકદ્રવ્યો હોય છે. કેરૉટિનૉઇડસ અને ફ્યુકોઝેન્થીનની સાંદ્રતા પ્રમાણે તેનો રંગ પીળો બદામી, સોનેરી પીળો કે ભૂરો લીલો હોય છે. તે તૈલીબિંદુઓ, ક્રાઇસોલેમિનેરીન અથવા પ્રોટીન જેવાં દ્રવ્ય વૉલ્યુટિનના સ્વરૂપમાં ખોરાકસંગ્રહ કરે છે. તેની ચલિત અવસ્થા દરમિયાન તે એક અથવા કેટલીક વાર બે કૂર્ચ (tinsel) પ્રકારની કશા ધરાવે છે. અલિંગી પ્રજનન કોષવિભાજન અને વિશિષ્ટ પ્રકારના વર્ધનશીલ-બીજાણુઓ (auxospores) દ્વારા થાય છે.
કોષવિભાજન દરમિયાન કવચના પરસ્પર આચ્છાદિત અર્ધભાગો છૂટા પડે છે અને પ્રત્યેક અર્ધભાગ વધારે નાના અર્ધભાગનું નિર્માણ કરે છે. વ્યક્તિગત ડાયેટોમનાં ક્રમિક વિભાજનોથી સિલિકાના પ્રમાણમાં અને તેથી તેના કદમાં ઘટાડો થાય છે. થોડાક જ માસમાં તેનું કદ 60 % જેટલું ઘટી જાય છે. નિશ્ચિત સમય બાદ થતી બીજાણુનિર્માણની પ્રક્રિયા ડાયેટોમનું મૂળ કદ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. તેનો સુકાય (thallus) દ્વિકીય (diploid) હોય છે.
ડાયેટોમને બે ગોત્ર – (1) સેન્ટ્રેલ્સ અને (2) પિનેલ્સ –માં વર્ગીકૃત કરવામાં આવે છે. સેન્ટ્રેલ્સ ગોત્રમાં અરીય સંરચના ધરાવતાં ડાયેટોમનો સમાવેશ થાય છે. તેના પર ત્રિજ્યાવર્તી રેખાઓ આવેલી હોય છે. તે મોટેભાગે દરિયાઈ હોય છે; દા. ત., સાયક્લોટેલા. પિનેલ્સ ગોત્રમાં દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા ડાયેટોમનો સમાવેશ થાય છે. તેમના પર પક્ષવત્ (pinnate) રેખાઓ હોય છે અને તે મોટેભાગે મીઠા પાણીમાં થાય છે; દા. ત., પિન્યુલારિયા.
ડાયેટોમ સૌથી અગત્યનાં અને બહુફળદાયક (prolific) દરિયાઈ સજીવો છે; પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં દરિયાઈ પ્રાણીઓનો ખોરાક છે. તેમના કોહવાટને પરિણામે સિલિકાયુક્ત કવચ તળિયે બેસે છે અને તેનો નાશ થતો નથી. ભૂતકાલીન ભૂસ્તરીય યુગોમાં ડાયેટોમ દ્વારા બનેલા સિલિકાયુક્ત થર મળી આવેલા છે. આવી ભૂમિને ‘ડાયેટોમેસિયસ’ ભૂમિ કહે છે. આ ભૂમિના થરોમાંથી પેટ્રોલિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. દુનિયાનો સૌથી મોટો થર કૅલિફૉર્નિયાના તેલક્ષેત્ર સાન્ટા મેરિયામાં મળી આવેલ છે, જે 31.08 કિમી.નો વિસ્તાર ધરાવતો 900 મીટર જાડો થર છે. એક ગણતરી મુજબ, 1.0 ઘન સેમી. થરના નિર્માણ માટે 24,40,950 ડાયેટોમ આવશ્યક છે, જે દર્શાવે છે કે પહેલાં તે કેટલા વિપુલ પ્રમાણમાં થતાં હતાં ! જોકે મોટા થરોના નિર્માણ માટે લાખો વર્ષ લાગે છે.
યુ. એસ. દર વર્ષે 2.5 લાખ ટન ડાયેટોમેસિયસ ભૂમિનો ઉપયોગ ઔદ્યોગિક બાબતો માટે કરે છે. ડાયેટોમાઇટનો ગાળણપત્ર, મોટી ભઠ્ઠીઓમાં ઉષ્મારોધક તથા ધ્વનિરોધક તરીકે, કાચ અને પૉર્સલિનની બનાવટમાં, ટૂથપેસ્ટ, પ્રવાહી નાઇટ્રોગ્લિસરીન જેવા સ્ફોટક પદાર્થોના પાત્રની બનાવટમાં, અપઘર્ષક (abrasive) તરીકે, ચિત્રકામ, વાર્નિશ અને ગ્રામોફોન રેકર્ડની બનાવટમાં ઉપયોગ થાય છે.
ડાયેટોમ પર આવેલી સુંદર રેખાઓની ભાત સૂક્ષ્મદર્શકયંત્રના ર્દક્કાચોની વિભેદનક્ષમતા(resolving power)ની કસોટી માટે ઉપયોગી છે. ડાયેટોમની સુંદર સંરચના અને ભાતને લઈને તેમને ‘દરિયાઈ રત્ન’ કહે છે. તેમની વધારે પડતી જમાવટ અને કોહવાટથી તળાવ અને ટાંકીમાં વિચિત્ર દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને પાણીનો સ્વાદ બગડે છે.
ડાયેટોમના જાતિવિકાસકીય (phylogenetic) સંબંધો અસ્પષ્ટ છે. સમાન રંજકદ્રવ્યો, ખોરાકસંગૃહીત દ્રવ્યોની પ્રકૃતિ, કોષદીવાલનું રાસાયણિક બંધારણ અને પ્રાવરયુક્ત આસુપ્ત બીજાણુ(statospore)ના આધારે પાસ્કરે તેનો સંબંધ ક્રાઇસોફાઇસી અને ઝેન્થોફાઇસી સાથે દર્શાવ્યો છે. તેમણે આ ત્રણ વર્ગને ક્રાઇસોફાઇટા વિભાગમાં સમાવિષ્ટ કર્યા છે. તેમણે દર્શાવેલી સમાનતાઓ નિ:શંકપણે મહત્વની હોવા છતાં પરસ્પર સાંકળતા સ્પષ્ટ કડીરૂપ સ્વરૂપોના અભાવને કારણે કેટલાક લીલવિજ્ઞાનીઓ આ મંતવ્યને ત્રુટિયુક્ત ગણે છે. અન્ય કેટલાક લીલવિજ્ઞાનીઓ ફ્યુકોઝેન્થીનની હાજરીને લીધે ડાયેટોમને બદામી હરિતલીલ (phaeophyta) સાથે સાંકળે છે.
બળદેવભાઈ પટેલ