ડાયાસ્ટીરિયોઆઇસોમર (ડાયાસ્ટીરિયોમર) (અપ્રતિબિંબી ત્રિવિમ સમાવયવ)

January, 2014

ડાયાસ્ટીરિયોઆઇસોમર (ડાયાસ્ટીરિયોમર) (અપ્રતિબિંબી ત્રિવિમ સમાવયવ) : અણુઓની સંરચનાની ર્દષ્ટિએ ભિન્નતા દર્શાવતા ત્રિપરિમાણી સમઘટકો (stereoisomers) હોય અને જે એકબીજા સાથે આરસી–પ્રતિબિંબ (mirror–image) સંબંધ ધરાવતા પ્રતિબિંબી સમઘટકો (enantiomers) ન હોય તેવા પદાર્થોનાં યુગ્મો પૈકીનું એક. અવકાશીય સમાવયવી અથવા સમઘટકો પ્રકાશક્રિયાશીલ હોય તે આવશ્યક નથી. દા. ત., સમપક્ષ (cis) અને વિપક્ષ (trans) – 2 બ્યુટિન એ બે ભૌમિતિક સમઘટકો એકબીજાના ડાયાસ્ટીરિયોમર પણ છે. બે કે વધુ અસમ કેન્દ્રો (chiral centres) ધરાવતા સંયોજનમાંના અસમ મધ્યબિંદુ ઉપરનો વિન્યાસ બદલીને સંયોજનને ડાયાસ્ટીરિયોમરમાં ફેરવી શકાય. આવા કિસ્સામાં વિભિન્ન ત્રિપરિમાણી સમાવયવીઓ પ્રતિબિંબી સમઘટક યુગ્મોના બનેલા હોય છે અને પ્રત્યેક યુગ્મ અન્ય ભાગો સાથે ડાયાસ્ટીરિયોમર તરીકે સંબંધિત હોય છે. જો સંયોજનમાં n અસમકેન્દ્રો હોય તો ત્રિપરિમાણી સમાવયવીઓની સંખ્યા 2n જેટલી હોય છે. દા. ત., ઍમિનોઍસિડ થ્રીઓનિન 4 ત્રિપરિમાણી સમાવયવી (I થી IV) રૂપે મળે છે. બંધારણ (I, II) તથા (III, IV) તે પ્રતિબિંબી સમઘટકોનાં બે યુગ્મો છે. બંધારણ (I) એ બંધારણ III તથા IVનો ડાયાસ્ટીરિયોમર છે. બંધારણ III એ

બંધારણ  I અને II નો ડાયાસ્ટીરિયોમર છે (જુઓ ઉપરની આકૃતિ).

બે કે વધુ અસમ કેન્દ્ર ધરાવતાં સંયોજનમાં આરસી સમતલ (mirror plane) હોય તો તે સંયોજન પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે નહિ. આવાં સંયોજનોને મેસો સમઘટકો કહે છે; દા. ત., ટાર્ટરિક ઍસિડ 3 સમાવયવી રૂપે હોય છે તેમાં (+ : 2 R અને 3 R) તથા (–: 2 S અને 3 S) સમઘટકો (V તથા VI) તથા (VII) ડાયાસ્ટીરિયોમૅરિક મેસો સ્વરૂપ છે (જુઓ ઉપરની આકૃતિ).

ડાયાસ્ટીરિયોમર રાસાયણિક તથા ભૌતિક ગુણધર્મોની ર્દષ્ટિએ અલગ પડી શકે છે; તેથી તેમને ભૌતિક રીતે જુદાં પાડવાં શક્ય છે. આ ગુણધર્મનો ઉપયોગ પ્રતિબિંબી સમઘટકોને જુદાં પાડવા માટે કરવામાં આવે છે. તેને પ્રતિબિંબી A(+) તથા A(–)ના રેસૅમિક મિશ્રણની પ્રકાશક્રિયાશીલ પ્રક્રિયક (દા. ત., B(+)) સાથે પ્રક્રિયા કરવાથી A(+)B(+) તથા A(–) B(+) ડાયાસ્ટીરિયોમર મળે છે. આ ડાયાસ્ટીરિયોમરને અલગ પાડીને પ્રક્રિયા ઉલટાવતાં પ્રકાશક્રિયાશીલ પ્રતિબિંબી A(+) તથા A(–)ને અલગ કરી શકાય છે. આ વિધિને પ્રભેદન (resolution) કહે છે.

જ. પો. ત્રિવેદી