ડાયાલિસિસ (રસાયણશાસ્ત્ર) : અર્ધપારગમ્ય (semipermeable) પટલ(membrane)નો ઉપયોગ કરી દ્રાવણમાં રહેલા સ્ટાર્ચ અથવા પ્રોટીન જેવા મોટા અણુઓને ગ્લુકોઝ અથવા ઍમિનોઍસિડ જેવા નાના અણુઓ તથા આયનોને વરણાત્મક (selective) પ્રસરણ (diffusion) દ્વારા છૂટા પાડવાની પદ્ધતિ. તેના કાર્યક્ષેત્રની સીમા (scope) અને ઉપયોગિતા મહદ્અંશે યોગ્ય પારગમ્યતા (permeability) ધરાવતી ત્વચાની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે. બ્રિટિશ રસાયણશાસ્ત્રી ટૉમસ ગ્રેહામે ઈ. સ. 1861માં સૌપ્રથમ અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરી ગુંદર – એક કલિલ – અને ખાંડના દ્રાવણમાંથી ખાંડ છૂટી પાડી હતી. હાલમાં ડાયાલિસિસ માટે વપરાતી નળીઓ માટે સુધારેલા સેલ્યુલોઝનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડ જેવા 10,000થી વધુ અણુભારવાળા પદાર્થો આવા અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી. આથી આવા પદાર્થોને ક્ષાર અને અન્ય સંયોજનોમાંથી અલગ કરવા માટે એક નળીને છેડે બાંધેલી અર્ધપારગમ્ય પડદાની કોથળીમાં ભરવામાં આવે છે અને કોથળી પાણીમાં ડૂબેલી રહે તે રીતે આ રચનાને શુદ્ધ પાણીમાં લટકાવવામાં આવે છે. પારશ્લેષણ (dialysis) પામી શકે તેવા ક્ષાર જેવા પદાર્થો પાણીમાં ઊતરે છે. પાણીને વારંવાર અને સતત બદલતા રહેવાથી શુદ્ધ કલિલીય પદાર્થો કોથળીમાં રહી જાય છે. ડાયાલિસિસ એ ધીમી ક્રિયા છે અને તેની ઝડપ કણોના કદના તફાવત તેમજ કલિલીય અને સ્ફટિકાભાસીય (crystalloidal) કણોના પ્રસરણ દર ઉપર આધાર રાખે છે. જોકે દ્રાવણનું તાપમાન વધારીને અથવા સ્ફટિકાણુઓ વીજભાર ધરાવતા હોય તો વીજક્ષેત્ર આપીને વિદ્યુતપારશ્લેષણ (electrodialysis) દ્વારા, તેને ઝડપી બનાવી શકાય છે. આ ઉપરાંત ત્વચા પણ એવી બનાવી શકાય કે જે ફક્ત ધન અથવા ઋણ આયનોને પસાર થવા દે.
ડાયાલિસિસમાં વપરાતા પડદા તરીકે વનસ્પતિ-ચર્મપત્ર (vegetable parchment), પ્રાણી-ચર્મપત્ર, ઢોરની ઉદરાવરણ (peritoneal) ત્વચા, માછલીની કોથળી, સેલોફેન, કોલોડિયોન (આલ્કોહૉલ-ઈથરમાંથી નિક્ષેપિત નાઇટ્રોસેલ્યુલોઝ) વગેરેનો ઉપયોગ થાય છે. વનસ્પતિ-ચર્મપત્ર, સેલોફેન અને કોલોડિયોનની ત્વચા જલીય દ્રાવણના સંપર્કમાં ઋણ વીજભાર ધારણ કરે છે. પ્રાણિજ ત્વચા નીચા pH મૂલ્યે ધનવીજભારિત જ્યારે ઊંચા pH મૂલ્યે ઋણવીજભારિત બને છે. તેની મદદ વડે દરિયાના ખારા પાણીમાંથી મીઠું અને અન્ય ક્ષારો દૂર કરી પાણી પીવાલાયક બનાવી શકાય છે. આ પદ્ધતિ ઘણી મોંઘી હોવાને લીધે તેને બદલે અન્ય પ્રક્રિયાનો તે માટે ઉપયોગ કરવામાં આવે છે.
પ્રવીણસાગર સત્યપંથી