ડાયાલિસિસ (પારગલન ચિકિત્સા) (આયુર્વિજ્ઞાન) : મૂત્રપિંડની નિષ્ફળતાના વિકારમાં લોહીમાંની અશુદ્ધિઓને દૂર કરવાની સારવાર. ભૌતિકશાસ્ત્રમાં અપૂર્ણ પારગલનશીલ (semipermeable) પડદાની મદદથી આપેલા દ્રાવણમાંના દ્રાવ્ય પદાર્થોની સાંદ્રતા (concentration) બદલવાની પ્રક્રિયાને પારગલન (dialysis) કહે છે. આ પ્રકારનો પડદો કૃત્રિમ હોય અથવા પેટમાંની પરિતનકલા (peritoneum) હોઈ શકે. આવા પડદાની એક બાજુ પર વધારે સાંદ્રતાવાળાં ચોક્કસ દ્રવ્યો તે પડદામાં થઈને ગળાઈને બીજી બાજુ ઓછી સાંદ્રતાવાળા પ્રવાહીમાં જાય છે. આમ લોહીમાંની અશુદ્ધિઓનું પ્રમાણ વધે ત્યારે પારગલન દ્વારા તેને દૂર કરી શકાય છે. તે બે પ્રકારે થઈ શકે છે : (ક) રુધિરી પારગલન(haemodialysis) અને (ખ) પરિતનીય (peritoneal) પારગલન. પરિતનીય પારગલનમાં પેટમાંની પરિતનકલા પડદા તરીકે વપરાય છે, જ્યારે રુધિરી પારગલનમાં તેને માટેના વિશિષ્ટ યંત્રમાં કૃત્રિમ પડદો વપરાય છે. બંને પ્રક્રિયાઓમાં પડદાની એક બાજુ લોહી હોય છે અને બીજી બાજુ અલ્પ સાંદ્રતાવાળું પ્રવાહી હોય છે. આ બીજા પ્રવાહીને પારગલનકારી પ્રવાહી (dialysate) કે પારગલન પ્રવાહી (dialysis fluid) પણ કહે છે. પારગલનની પ્રક્રિયામાં બે ક્રિયાપ્રવિધિઓ (mechanism) જોડાયેલી હોય છે : (અ) પ્રસરણ (diffusion) અને (આ) અતિસૂક્ષ્મ ગાળણ (ultra filtration).
(અ) પ્રસરણ : કોઈ પણ દ્રાવણ(દા. ત., લોહી)માંના દ્રાવ્ય પદાર્થના અણુઓ સતત ચલનશીલ હોય છે અને તેથી અપૂર્ણ પારગલનશીલ પડદા સાથે સતત અથડાયા કરે છે. અપૂર્ણ પારગલનશીલ પડદામાંનાં છિદ્રો કરતાં જો તે નાના હોય તો કેટલાક અણુઓ તેમાંથી પસાર થઈને પડદાની બીજી બાજુ આવેલા પારગલન પ્રવાહીમાં પ્રવેશે છે. તે માટે ત્રણ પરિબળો મહત્વનાં ગણાય છે : (અ-1) પડદાની બંને બાજુએ જે તે પદાર્થની સાંદ્રતાનો તફાવત (concentration gradient), (અ-2) દ્રાવ્ય પદાર્થનો અણુભાર (molecular weight) અને (અ-3) પડદાનો અવરોધ (resistance). જેટલો સાંદ્રતા તફાવત અને અણુભાર વધુ તથા જેટલો પડદાનો અવરોધ ઓછો તેટલું પ્રસરણ વધુ થાય છે.
(આ) અતિસૂક્ષ્મ ગાળણ : લોહીનો જળસ્થિતિ દાબ (hydrostatic pressure) તથા તેમાંના પ્રોટીન અને અન્ય દ્રવ્યોથી થતો આસૃતિ-દાબ (osmotic pressure) લોહીમાંના પ્રવાહીને પડદામાં થઈને ગળાવાની પ્રક્રિયાને અસર કરે છે. લોહીનો જળસ્થિતિ-દાબ વધુ હોય તો ગાળણ વધુ થાય છે. આસૃતિ-દાબ ગાળણની પ્રક્રિયા પર વિપરીત અસર કરે છે. જ્યારે પ્રવાહી ગળાઈને પડદાની બીજી બાજુ જાય છે ત્યારે તેની સાથે જે અણુઓ સહેલાઈથી છિદ્રોમાંથી પસાર થઈ શકતા હોય તે પણ વહેણ સાથે ખેંચાય છે. પડદાની બંને બાજુ પરના જળસ્થિતિ-દાબ અને આસૃતિ-દાબ વચ્ચેનો તફાવત જેટલો વધુ તેટલી ઉપર જણાવેલી પ્રક્રિયા વધુ અસરકારક બને છે. રુધિરી પારગલનમાં પારગલન પ્રવાહી પર ઋણદાબ (negative pressure) સર્જવામાં આવે તો જળસ્થિતિ-દાબનો તફાવત વધે છે અને તેથી ગાળણ વધુ અસરકારક બને છે. પરિતનીય પારગલનમાં આ શક્ય નથી. પરિતનીય પારગલનમાં વપરાતા પ્રવાહીમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ ઉમેરીને તેનો આસૃતિ-દાબ વધારીને પ્રવાહીનું ગાળણ વધારી શકાય છે.
પારગલનના સારવારલક્ષી ઉપયોગો : તે મુખ્ય તો મૂત્રપિંડની ઉગ્ર (acute) કે દીર્ઘકાલીન નિષ્ફળતામાં લોહીમાંની અશુદ્ધિઓને દૂર કરવા માટે વપરાય છે. ઉગ્ર પ્રકારની નિષ્ફળતામાં પોટૅશિયમનું પ્રમાણ વધે છે. અતિઅમ્લતા(acidosis)નો વિકાર થાય છે. શરીરમાં પ્રવાહીનું ભારણ (fluid overload) વધે છે તથા અતિમૂત્રવિષતાનાં લક્ષણો (uraemic symptoms) થઈ આવે છે. આ બધા જ વિકારોની સારવારમાં પારગલન ઉપયોગી છે. જો ક્રિયેટિનિન-શોધન (creatinine clearance) 0.1 મિલિ/કિગ્રા./મિનિટથી ઓછું હોય કે રુધિરજલ(plasma)માં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ 100 મિગ્રા./ ડેસીલિ. હોય તો અગમચેતી રૂપે પણ પારગલનની સારવાર અપાય છે. મૂત્રપિંડની લાંબા સમયની નિષ્ફળતાના દર્દીમાં ક્રિયેટિનિન-શોધન 0.1 થી 0.15 મિલિ/મિગ્રા./મિનિટથી ઘટે ત્યારે નિયમિત અને લાંબા ગાળા માટેનો પારગલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સામાન્ય રીતે મૂત્રપિંડની કાર્યક્ષમતાના આ સ્તરે અતિમૂત્રવિષતા સંલક્ષણ (uraemic syndrome) થઈ આવે છે. મધુપ્રમેહને કારણે થતા આવા વિકારમાં 10 મિલિ/મિગ્રા./મિનિટના સ્તરે પારગલન કરાય છે. જો દર્દીના લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ વધે કે અતિઅમ્લતા થાય તોપણ પારગલન કરાય છે.
લોહીમાં પ્રવેશેલાં ઝેર કે ઝેરી અસર કરતી દવાને દૂર કરવા માટે પણ પારગલન કરાય છે. તેવે સમયે મૂત્રપિંડનું કાર્ય સામાન્ય પણ હોઈ શકે. સામાન્ય રીતે બાર્બિચ્યુરેટ, સેલિસિલેટ, ઇથિલિન ગ્લાયકોલ, મિથેનોલ, કાર્બન-ટેટ્રાક્લોરાઇડ, ક્લોરલ હાઇડ્રેટ, એસિડોન વગેરે ઔષધો/ઝેરને દૂર કરવા માટે પારગલનની જરૂર પડે છે.
(ક) રુધિરી પારગલન : મૂત્રપિંડની નિષ્ફળતાના અતિમૂત્રવિષતાના વિકારોવાળા દર્દીના લોહીને શરીર બહાર એક યંત્રમાં ફેરવીને શુદ્ધ કરવાની પ્રક્રિયાને રુધિરી પારગલન કહે છે. શરીર બહારના ભ્રમણને બહિર્દેહી (extracorporeal) ભ્રમણ કહે છે. લોહીને શુદ્ધ કરતા આ યંત્રને પારગલન અભિયંત્ર (haemodialysis apparatus) કહે છે. તેમાં પારગલક (dialyzer) નામની એક મુખ્ય પ્રયુક્તિ હોય છે. પારગલકમાં લોહીને વહેવાનો એક વિભાગ હોય છે અને બીજો પારગલન પ્રવાહીને વહેવાનો વિભાગ હોય છે. તેમની વચ્ચે એક અપૂર્ણ પારગલનશીલ કૃત્રિમ પડદો હોય છે. શુદ્ધ થયેલું લોહી પાછું દર્દીના શરીરમાં પ્રવેશે છે. પારગલકને કૃત્રિમ મૂત્રપિંડ (artificial kidney) પણ કહે છે.
રુધિરી પારગલન અભિયંત્રમાં 3 મુખ્ય ભાગો હોય છે : (1) રુધિર પંપ, જે દર્દીના શરીરમાંના લોહીને યંત્રમાં અને યંત્રમાંથી લોહીને દર્દીના શરીરમાં ધકેલે છે. લોહીને ધકેલવાનો દર 200થી 300 મિલિ/મિનિટ હોય છે, જે વધુમાં વધુ 600 મિલિ/મિનિટ જેટલો કરી શકાય છે. અક્ષારીકૃત (demineralized) પાણીમાં સાંદ્રિત પ્રવાહી 4 : 1ના પ્રમાણમાં ભેળવીને પારગલન-પ્રવાહી બનાવાય છે. યંત્રમાં તેને ગરમ કરીને શરીરના તાપમાને લવાય છે અને તેમાંના વાયુઓ દૂર કરાય છે. આવા તૈયાર કરાયેલા પ્રવાહીને પારગલકમાં 500 મિલિ/મિનિટના દરે ધકેલવામાં આવે છે. રુધિરી પારગલન અભિયંત્રમાં પારગલક ઉપરાંત બીજી પણ કેટલીક પ્રયુક્તિઓ હોય છે. અભિયંત્ર, લોહી તથા પારગલનપ્રવાહીનું તાપમાન, વીજભારિત આયનો(electrolytes)નું પ્રમાણ તથા પારગલન પ્રવાહીને ધકેલવાનો દર વગેરેને વિવિધ પ્રયુક્તિઓ વડે સતત નોંધવામાં આવે છે. ધમની અને શિરામાંના લોહીનું દબાણ, લોહીમાં હવાનું મિશ્રણ તથા મશીનમાં ક્યાંય પણ લોહી ઝમીને નળીએથી બહાર ચૂએ છે કે કેમ તેની પણ નોંધ રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની વિષમતા થાય તો ભયસૂચક ધ્વનિ વડે તેની ખબર પડે તેવી વ્યવસ્થા રાખવામાં આવે છે.
રુધિરી પારગલન અભિયંત્રમાં મુખ્ય કાર્ય કરતો ભાગ પારગલક છે (જુઓ આકૃતિ). આ એક એવી પ્રયુક્તિ છે જેમાં મધ્યસ્થાને પોલા તંતુઓવાળી પટ્ટીઓમાં એક તરફથી બીજી તરફ લોહી વહે છે, જ્યારે તેની આસપાસ વિરુદ્ધ દિશામાં પારગલન પ્રવાહી વહે છે. લોહી અને પારગલન પ્રવાહી વચ્ચે પોલા તંતુઓની પટ્ટીઓવાળો કૃત્રિમ અપૂર્ણ પારગલનશીલ પડદો હોય છે જેમાંથી પસાર થઈને લોહીમાંની અશુદ્ધિઓ પારગલનશીલ પ્રવાહીમાં પ્રવેશે છે. પારગલનકને બહારથી જોઈએ તો તેમાં 4 છિદ્રો હોય છે : બે પારગલન પ્રવાહી માટેનાં તથા બે લોહી માટેનાં, એક એક અંત:પ્રવેશ માટેનાં અને બીજાં બે બહિર્ગમન માટેનાં. લોહી અને પારગલનપ્રવાહી સામસામી દિશામાં વહે છે. બંને વચ્ચે અણુઓની આપ-લે અગાઉ દર્શાવેલી પ્રસરણ અને અતિસૂક્ષ્મગાળણની પ્રક્રિયાઓને આધારે થાય છે. ગાળણ માટેનો પડદો સેલ્યુલોઝ એસિટેટ, પૉલિસલ્ફોન અને ક્યુવ્રોફેનનો બનેલો હોય છે.
પારગલન પ્રવાહી બે પ્રકારનું હોય છે : (ક) એસિટેટમૂલક (based) અને (ખ) બાયકાર્બોનેટમૂલક. સામાન્ય રીતે તેમાં સોડિયમ (135થી 145 મિલી. ઇક્વિવેલન્ટ/લિટર), પોટૅશિયમ (0થી 4 મિલી. ઇક્વિ./લિ.), કૅલ્શિયમ (2.5થી 3.5 મિલી. ઇક્વિ/લિ.), મૅગ્નેશિયમ (0.5થી 1.મિલી. ઇક્વિ/લિ.), ક્લોરાઇડ (100થી 120 મિલી.. ઇક્વિ/લિ.) તથા ડેક્સટ્રોઝ (11 ગ્રામ) હોય છે. એસિટેટમૂલક પ્રવાહીમાં 35થી 38 મિલી. ઇક્વિ./લિ. એસિટેટ અને બાયકાર્બોનેટમૂલક પ્રવાહીમાં 30થી 38 મિલી. ઇક્વિ/લિ. બાયકાર્બોનેટ હોય છે. પારગલન પ્રવાહીનું વીજભારિત આયનોનું બંધારણ લોહીના જેવું જ હોય છે. ફક્ત તેમાં પોટૅશિયમ ઓછું હોય છે. પારગલન પ્રવાહીમાંના એસિટેટના આયનોમાંથી દર્દીનું યકૃત (liver) બાયકાર્બોનેટનાં આયનો બનાવે છે. જો બાયકાર્બોનેટમૂલક પારગલનપ્રવાહી આપવામાં આવે તો યકૃતની સામાન્ય કાર્યસ્થિતિની જરૂર રહેતી નથી. વળી તેનાથી રુધિરગતિકી (haemodynamics) પણ પર્યાપ્ત અને યોગ્ય રૂપમાં રહે છે.
રુધિરી પારગલન માટે વાહિનીમાર્ગ (vascular access) : રુધિરશોધન માટેના યંત્રમાં, દર મિનિટે 200થી 300 મિલી. લોહી પહોંચાડવું જરૂરી છે અને તેથી તેને માટેની નસોનો માર્ગ યોગ્ય સ્વરૂપનો જરૂરી બને છે. તે 2 પ્રકારનો હોય છે : અલ્પકાલીન અને કાયમી. અલ્પકાલીન વાહિનીમાર્ગનો ઉપયોગ મૂત્રપિંડની ઉગ્ર નિષ્ફળતાના દર્દીમાં કરાય છે. ક્યારેક કાયમી વાહિનીમાર્ગ બનાવી લેવામાં આવે ત્યાં સુધી વપરાશ માટે પણ તે ઉપયોગી છે. તે માટે એક અથવા બે પોલી નળીઓવાળી ગળા કે જાંઘની શિરામાં પરોવી શકાય તેવી પ્રનિવેશિકા (cannula) વપરાય છે. આ ઉપરાંત ધમની–શિરા જોડાણ(arterioveneus shunt)નો ઉપયોગ કરી શકાય છે. તેમાં કાંડા પાસેની અગ્રભુજા ધમની (radial artery) અને શિરાને સામાન્ય રીતે જોડવામાં આવે છે. જોકે તે માટે જાંઘની જંઘાધમની (femoral artery) કે પગના નળાની પાછળ આવેલી પશ્ચનળાકીય ધમની (posterior tibial artery) અને તેમની સંલગ્ન શિરા પણ વપરાય છે.
કાયમી વાહિનીમાર્ગ બનાવવા માટે ચામડીની નીચે ધમની–શિરા સંયોગનળી(fistula)નો ઉપયોગ કરાય છે. તેમાં અગ્રભુજાધમની અને શીર્ષલક્ષી (cephalic) શિરા વચ્ચે સંયોગનળીનો ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે જમોડી વ્યક્તિના ડાબા હાથમાં કે ડાબોડી વ્યક્તિના જમણા હાથમાં આ સંયોજના કરાય છે. ક્યારેક ધમની અને શિરા વચ્ચેનું જોડાણ કોઈ નિરોપ (graft) મૂકીને પણ કરાય છે. તે માટે પગની મુખ્ય – પાદ શિરા (saphenous vein) કે પૉલિટેટ્રા ફ્લ્યુરોઇથિલિન ટેફલોનનો નિરોપ મુકાય છે.
બહિર્દેહી રુધિરાભિસરણ વખતે લોહી જામી ન જાય તે માટે હિપેરિનનો ઉપયોગ કરાય છે. તે માટે પારગલન પહેલાં અને પછી લોહીના જામી જવાની ક્ષમતા જાણવા માટે રુધિર ગુલ્મનકાળ (clotting time) માપવામાં આવે છે અને તેને આધારે હિપેરિનની માત્રા (dose) નક્કી કરાય છે. સામાન્ય રીતે 7,000થી 10,000 યુનિટ હિપેરિનની જરૂર પડે છે. લોહી વહેવાના રોગોવાળા દર્દીમાં કે થોડાક સમય પહેલાં શસ્ત્રક્રિયા કરી હોય તેવા દર્દીમાં સાવચેતી રાખવાની જરૂર પડે છે. આવા સમયે દર્દીના શરીરમાંથી બહાર નીકળતા લોહીના પ્રવાહમાં હિપેરિન અપાય છે એને સ્થાનિક હિપેરિનીકરણ (regional heparinization) કહે છે. જો તેને બદલે હિપેરિનની માત્રા ઘટાડવામાં આવી હોય તો તે 3,000 યુનિટ જેટલી જ રખાય છે.
મૂત્રપિંડની ઉગ્ર નિષ્ફળતાના દર્દીમાં પ્રથમ પરિગલન લગભગ 2 કલાક ચાલે છે. ત્યારબાદ તેનો સમયગાળો વધારાય છે અને દર એકાંતરે દિવસે 200 મિલી./મિનિટના દર 4 કલાકનું પારગલન કરાય છે. જરૂર પડ્યે અતિસૂક્ષ્મગાળણની પ્રક્રિયા પણ કરાય છે. મૂત્રપિંડની દીર્ઘકાલીન નિષ્ફળતાના દર્દીમાં દર અઠવાડિયે બે વખત ચાર ચાર કલાક માટે પારગલન કરાય છે. જો દર્દીના મૂત્રપિંડો સાવ જ બિનકાર્યશીલ થયેલા હોય તો અઠવાડિયે 3 વખત પારગલન કરાય છે. ક્યારેક સતત રુધિરી ગાળણ (haemofiltration) કરવું પડે છે.
રુધિરી પારગલનની મુખ્ય આનુષંગિક તકલીફો અથવા મુખ્ય આડઅસરોમાં લોહીના દબાણનું ઘટી જવું, સ્નાયુઓમાં આકુંચનો (cramps) આવવાં, ઊબકા અને ઊલટી થવી, માથું દુખવું, છાતીમાં દુખાવો થવો, ધ્રુજારી સાથે તાવ આવવો, ખૂજલી થવી વગેરેનો સમાવેશ થાય છે. લોહીના કદમાં ફેરફાર, દર્દીની નસોની સંકોચાવાની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા, હૃદયની આસપાસ પ્રવાહી ભરાવાથી દબાણ થવું, શરીરમાં અંદર લોહીનું વહેવું, હૃદયના ધબકારાનો તાલ અનિયમિત થવો, લોહીના રક્તકોષો તૂટી જવા કે નસોમાં હવા ભરાઈ જવી વગેરે વિવિધ સ્થિતિઓમાં દર્દીના લોહીનું દબાણ ઘટે છે. આવે સમયે પારગલન માટેના લોહીની ગતિ ઘટાડાય છે, નસ વાટે ક્ષાર અને પાણી અપાય છે, હૃદયના વિકારની સારવાર કરાય છે અને જરૂર પડ્યે પારગલન બંધ કરાય છે. દર્દીના લોહીનું દબાણ ઘટે, તેના શરીરમાં પ્રવાહી કે ક્ષારો ઘટે ત્યારે દર્દીના પગના સ્નાયુઓમાં દુખાવો અને આકુંચનો થાય છે. તેને સ્નાયુકર્ષણ કહે છે. ક્યારેક દર્દીના શરીરમાંના ક્ષારોનું અસંતુલન થઈ આવે છે. તેને અસંતુલન-સંલક્ષણ (disequilibrium syndrome) કહે છે. કેટલાક દર્દીઓમાં પ્રથમ પારગલન સમયે આઘાતની સ્થિતિ થઈ આવે છે. તેને પ્રથમ પારગલન સંલક્ષણ કહે છે. ગૅમા કિરણો વડે શુદ્ધ કરાયેલા પારગલન પ્રવાહીના ઉપયોગથી આ વિકાર થતો અટકે છે.
(ખ) પરિતનીય પારગલન : આ પ્રક્રિયામાં પારગલન પ્રવાહીને પેટમાંની પરિતનગુહા(peritoneal cavity)માં પ્રવેશ આપવામાં આવે છે. તેમાં પરિતનકલા અપૂર્ણ પારગલનશીલ પટલ તરીકે કાર્ય કરે છે. તેમાં પણ પ્રસરણ અને અતિસૂક્ષ્મગાળણના જ સિદ્ધાંતો વપરાય છે. પારગલન પ્રવાહીમાં ડેક્સટ્રોઝ ઉમેરીને તેનો આસૃતિ-દાબ વધારાય છે. પરિતનીય પારગલન માટે વપરાતી નિવેશિકા નળી (catheter) જુદી જુદી લંબાઈમાં મળે છે. તેના છેડે ધાતુનો વીંધક (stylet) હોય છે, જેના વડે નિવેશિકા નળીને પેટમાં નાખવામાં આવે છે. દીર્ઘકાલી પારગલન માટેની નિવેશિકા નળીને ટેન્કોફ નિવેશિકા નળી કહે છે. તે સિલિકોન રબરની બનેલી હોય છે. તેના દૂરને છેડે છિદ્રો હોય છે. તેના વિવિધ પ્રકારો ઉપલબ્ધ હોય છે. પરિતનીય પારગલન પ્રવાહીના દર 1 લિટરમાં 132 મિલી. ઇક્વિ. સોડિયમ, 1.5 મિલી. ઇક્વિ. મૅગ્નેશિયમ, 3.5 મિલી. ઇક્વિ. કૅલ્શિયમ, 102 મિલી. ઇક્વિ. ક્લોરાઇડ, 35 મિલી. ઇક્વિ. લેક્ટેટ અને 1.5, 2.5 કે 4.5% ડેક્સટ્રોઝ હોય છે. તેમાં પોટૅશિયમ હોતું નથી.
અલ્પકાલીન પારગલન માટે નાભિથી 3 સેમી. નીચે પેટની મધ્ય રેખા કે એક બાજુ પર પેટની ચામડીને બહેરી કરીને નિવેશિકા-નળી મૂકવામાં આવે છે. દીર્ઘકાલીન પારગલન માટે શસ્ત્રક્રિયા વડે નિવેશિકા-નળીનું અંત:સ્થાપન (implantation) કરાય છે. તે માટે મધ્ય રેખાની એક બાજુએ અને નાભિની નીચે એક છેદ કરીને નિવેશિકા-નળી મુકાય છે. તેને ચામડીની બહાર લાવતાં પહેલાં એક નાની ટનલમાંથી પસાર કરાય છે. અલ્પકાલીન નિવેશિકા-નળી 3 દિવસ માટે રાખી શકાય છે.
મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં 24 કલાક માટે પરિતનીય પારગલન કરાય છે. ક્યારેક તે 48થી 72 કલાક પણ ચાલે છે. તેમાં 1થી 2 લિટર પ્રવાહીનો વિનિયોગ કરાય છે. બાળકોમાં વિનિયોગ માટેના પ્રવાહીનું કદ 20 મિલી./કિગ્રા. પ્રમાણે નક્કી કરાય છે. લગભગ 30 મિનિટ માટે પ્રવાહીને પરિતનગુહામાં રખાય છે, ત્યારબાદ તેને બદલી કઢાય છે.
દર્દીને પરિતનગુહાનો કે કોઈ ચોક્કસ અન્ય રોગ હોય તો વિનિયોગ કાળ ઘટાડાય છે. પ્રવાહીમાં ગ્લુકોઝ(ડેક્સટ્રોઝ)નું પ્રમાણ વધારીને અતિસૂક્ષ્મ-ગાળણ કરાય છે. પારગલન પ્રવાહીમાં 250થી 500 યુનિટ/લિટરની માત્રામાં હિપેરિન ઉમેરાય છે જેથી કરીને નિવેશિકા નળીમાં લોહીના ગઠ્ઠા જામી ન જાય. જો દર્દીમાં પોટૅશિયમ ઓછું હોય તો તે સાવચેતી સાથે પારગલન-પ્રવાહીમાં ઉમેરાય છે.
દીર્ઘકાલીન પરિતનીય પારગલન : મૂત્રપિંડની દીર્ઘકાલીન નિષ્ફળતાના દર્દીમાં લાંબા સમય માટે પરિતનીય પારગલન કરાય છે. તે 3 પ્રકારનું હોય છે : (અ) દીર્ઘકાલીન હલનચલનક્ષમ પરિતનીય પારગલન(chronic ambulatory peritoneal dialysis, CAPD), (આ) સતત ચક્રક સહાયી પારગલન (continuous cycler assisted peritoneal dialysis, CCPD), (ઇ) સમયાંતરિત પરિતનીય પારગલન (intermittent peritoneal dialysis, IPD). CAPD પદ્ધતિ એક સાદા પ્રકારનું પારગલન છે. તેમાં અતિસૂક્ષ્મગાળણનો સિદ્ધાંત વપરાય છે. પારગલન પ્રવાહીમાં ઇન્સ્યુલિન ઉમેરીને દર્દીનો મધુપ્રમેહનો રોગ કાબૂમાં રાખી શકાય છે. દરરોજ બે લિટર પ્રવાહીને બે કલાક માટે પેટમાં રાખીને 4 વખત પારગલન કરાય છે. દર્દી તેથી હરીફરી શકે છે. CCPD પદ્ધતિમાં રાત્રિના સમયે ચક્રક(cycler)ની મદદથી પારગલન કરાય છે. તેમાં રાત્રિના સમયે 4 વખત અને દિવસના સમયે એક વખત પારગલન કરાય છે. IPD પદ્ધતિમાં 22 લિટર પ્રવાહીનો અઠવાડિયામાં 3થી 4 દિવસ માટે વિનિયોગ કરાય છે. દરેક વખતે ફક્ત 15 મિનિટ માટે પ્રવાહીને પેટમાં રખાય છે.
પરિતનીય પારગલનની મુખ્ય આનુષંગિક તકલીફ પરિતનકલામાં ચેપ લાગવાથી થતો પરિતનકલાશોથ (peritonitis) છે. નિવેશિકાનળી વાટે ચેપકારક જીવાણુઓ અંદર પ્રવેશે છે. દર્દીને ઍન્ટિબાયૉટિક અપાય છે અને તે રુઝાય ત્યાં સુધી રુધિરી પારગલન કરાય છે. અન્ય આનુષંગિક તકલીફોમાં પ્રવાહીનું અસંતુલન, ક્ષાર-આયનોનું અસંતુલન, લોહીમાં ગ્લુકોઝના પ્રમાણનો વધારો, પ્રોટીનનું અલ્પપોષણ, સારણગાંઠ, વૃષણકોથળી(scrotum)નો સોજો, ભગોષ્ઠ(labia)નો સોજો, ફેફસાના આવરણમાં પાણી ભરાવું, પીઠનો દુખાવો તથા પરિતનકલામાં તંતુતા (fibrosis) થવી વગેરે મુખ્ય છે.
શિલીન નં. શુક્લ
સુબ્રમનિયન એસ. ઐયર