ડાયલૉગ (સાહિત્યપ્રકાર)

January, 2014

ડાયલૉગ (સાહિત્યપ્રકાર) : સર્વસામાન્ય અર્થમાં કોઈ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, વાર્તા કે નાટકમાં થતી વાતચીત. આ જ ઘટકને સાહિત્યના ચોક્કસ સ્વરૂપ તરીકે લેખતાં, તેનો ઉપયોગ એકબીજાથી વિરોધી વલણોના તણાવોને સમાવી લેતી દાર્શનિક કે બૌદ્ધિક પ્રકારની સામગ્રીને રજૂ કરવા સુયોજિત ઢબે પ્રયોજાયેલા સ્વરૂપવિશેષ તરીકે જોવાય છે.

પાશ્ચાત્ય સંદર્ભમાં આ પ્રકાર બહુ જૂનો છે. આરંભે તે ઈ. સ. પૂ. પાંચમી સદીના પૂર્વાર્ધમાં સિરાક્યૂસની સૉફ્રોન નામની વ્યક્તિએ લયબદ્ધ ગદ્યમાં રચેલા મૂક-અભિનય એટલે કે ‘માઇમ’ પ્રકારનાં લખાણોમાં મળી રહે છે, જે સિસિલિયન માઇમ તરીકે ઓળખાય છે. ગ્રીક ફિલસૂફ પ્લેટો આ માઇમથી પરિચિત હતા. તેમણે આ સ્વરૂપની નાટ્યાત્મકતા ઓગાળીને તેનું શુદ્ધ રૂપ દાર્શનિક દલીલો એટલે કે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની રજૂઆત માટે ઈ. સ. 400ની આસપાસ અપનાવ્યું.

આ પછી ઈ. સ.ની બીજી સદી દરમિયાન લુસિયને ‘ડાયલૉગ્ઝ ઑવ્ ધ ડેડ’ નામની કૃતિમાં આ સ્વરૂપને વળી નવો જ વળાંક આપ્યો. લુસિયનની આ કૃતિથી ફ્રેન્ચમાં ફૉતનેલ (1683) અને ફેનલા (1700–12) જેવા અન્ય લેખકોએ પ્રભાવિત થઈ કૃતિઓ રચી. યુરોપમાં રિનેસન્સના સમય દરમિયાન અને તે પછી વિવિધ રીતે ડાયલૉગનું સ્વરૂપ વપરાતું રહ્યું : ઇરેસ્મસે લૅટિનમાં, વિલાન્ડ હર્ડર અને લેસિંગે જર્મનમાં, વાલ્ડેસે અને કાર્ડૂચીએ સ્પૅનિશમાં, ઇટાલીમાં ટાસોએ 1580માં, બ્રૂનોએ 1584માં અને ગૅલિલિયોએ 1632માં પોતાની કૃતિઓમાં આ સ્વરૂપને અપનાવ્યું.

આ પછી પણ અંગ્રેજીમાં અઢારમી સદીમાં જ્યૉર્જ બર્કલીએ પોતાના દાર્શનિક લખાણમાં અને વૉલ્ટર સેવેજ લૅન્ડરે 1824–29 દરમિયાન ‘ઇમેજિનરી કૉન્વર્સેશન્સ’ નામની કૃતિમાં આ સ્વરૂપનો ઉપયોગ કર્યો છે. વીસમી સદીમાં પણ ફ્રેન્ચ લેખક આન્દ્રે જીદ અને અમેરિકન ફિલસૂફ જૉર્જ સાન્ટાયાનાએ તેમનાં લખાણોમાં આ ડાયલૉગ સ્વરૂપને અપનાવ્યું છે.

દિગીશ મહેતા