ડાયમિથોએટ : ચેતાકીય આવેગોના સંચાર સાથે સંકળાયેલા કૉલિનસ્ટીઅરેઝ જેવા ઉત્સેચકોને અવરોધતા તંત્રગત (systemic) કીટનાશક માટેનું જાતિસૂચક (generic) નામ. રાસાયણિક રીતે તે કાર્બ-ફૉસ્ફેટ સંયોજન છે. બધાં કાર્બ-ફૉસ્ફેટ સંયોજનોની માફક તે ચેતા-વાયુઓ (nerve gases) સાથે સંબંધિત છે અને માનવ સહિતનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ માટેના કીટનાશકોમાં ખૂબ જ વિષાળુ છે. તે મૂળ દ્વારા શોષાય છે અને સ્થાનાંતર પામી છોડના જમીન ઉપરના ભાગોમાં પહોંચે છે, જ્યાં તે છોડનો રસ ચૂસનારાં જીવડાં માટે વિષાળુ બને છે. કાતરા, તીતીઘોડા અને અન્ય ચાવીને ખાનારાં જંતુઓ તેનાથી મરતાં નથી કારણ કે તેમના શરીરમાં રસધારક પેશીઓ પૂરતા પ્રમાણમાં જતી નથી.
જ. પો. ત્રિવેદી