ડાયક્લોફેનેક : શોથજન્ય (inflammatory) સોજો તથા દુખાવો ઘટાડતા ફિનાઇલ એસેટિક ઍસિડનાં અવશિષ્ટ દ્રવ્યો(derivatives)માંનું પ્રથમ ઔષધ. ચેપ કે ઈજા પછી થતી રતાશ, સોજો, દુખાવો ઇત્યાદિ થાય તેને શોથનો વિકાર કહે છે. તે બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ ઔષધજૂથ (non-steroidal anti-inflammatory drugs : NSAIDs)નું ઔષધ છે.

ઔષધીય ગુણધર્મો : તે દુખાવો ઘટાડે છે, તાવ ઉતારે છે તથા શોથ ઘટાડે છે. ભૌતિક કે રાસાયણિક ઈજા થાય અથવા ચેપ (infection) લાગે ત્યારે તેના પ્રતિકાર રૂપે શરીરમાં જે તે સ્થળે દુખાવો થાય છે, સોજો આવે છે તથા તે ભાગ ગરમ અને લાલ થઈ જાય છે. આ પ્રતિકારરૂપ થતી પ્રક્રિયાને શોથ (inflammation) કહે છે. ડાયક્લોફેનેક શોથકારી ક્રિયાશૃંખલામાં મહત્વના ઉત્સેચક સાઇક્લોકિસજિનેઝનું અવદાબન (suppression) કરીને શોથજન્ય સોજો તથા દુખાવો ઘટાડે છે. તેની આ કાર્ય માટેની ક્ષમતા ઇન્ડોમિથેલિન, નેપ્રોક્સેન વગેરે અન્ય પ્રતિશોથ પીડાનાશક દવાઓ કરતાં વધુ હોય છે. તે લોહીમાંના શ્ર્વેતકોષોમાં એરીકોડોનેટ નામના બીજા એક અગત્યના શોથકારી અને જ્વરજનક ક્રિયાશૃંખલાના દ્રવ્યનું પ્રમાણ પણ ઘટાડે છે. આમ તે વિવિધ રીતે શોથ, દુખાવો તથા તાવ ઘટાડે છે.

ઔષધગતિકી (pharmaco-kinetics) અને ચયાપચય : મોં વાટે લીધા પછી તે ઝડપથી અને લગભગ સંપૂર્ણપણે શોષાઈને લોહીમાં પ્રવેશે છે અને લોહીમાં તેનું સૌથી વધુ પ્રમાણ 2થી 3 કલાકમાં જોવા મળે છે. લોહીમાંથી સૌપ્રથમ તે યકૃત(liver)માં જાય છે. ત્યાં મોટા પ્રમાણમાં ઔષધનો નાશ થાય છે; અને તેથી તેના યકૃતમાંના પ્રથમ વહન બાદ ફક્ત 50 % ઔષધ શરીરમાં ક્રિયાશીલ રહી શકે છે. તેનો અર્ધસાંદ્રતાકાળ (half life) 1થી 2 કલાકનો છે અને તેથી તે સમયમાં તેનું લોહીમાંનું પ્રમાણ ઘટીને અડધું થઈ જાય છે. આ દવા હાડકાંના સાંધાઓની અંદરની દીવાલ – સંધિકલા(synovium)માં જમા થાય છે તેને કારણે લોહીમાંના અર્ધસાંદ્રતાકાળ કરતાં ઘણા લાંબા સમય સુધી આ ઔષધની અસર જોવા મળે છે. તેનો યકૃતમાં રાસાયણિક નાશ થાય છે અને તેના ચયાપચયી દ્રવ્યશેષ (metabolites) રૂપે મુખ્યત્વે 4-હાઇડ્રૉક્સિ-ડાઇક્લોફિનેક અને અન્ય હાઇડ્રૉક્સિલેટેડ દ્રવ્યો બને છે, જે પેશાબ (65 %) અને પિત્ત (35 %) દ્વારા શરીરની બહાર નીકળે છે. પિત્તમાંનો ચયાપચયી દ્રવ્યશેષ આંતરડાંમાં થઈને મળમાર્ગે બહાર જાય છે.

ઔષધસ્વરૂપો : ગોળી રૂપે મુખ વાટે લેવા માટે, પ્રવાહી રૂપે સ્નાયુમાં ઇન્જેક્શનથી આપવા માટે તથા મલમ(ointment)રૂપે ચોપડવા માટે – એમ તેનાં વિવિધ વ્યાવહારિક ઉપયોગિતા પ્રમાણેનાં ઔષધસ્વરૂપો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તે 150થી 200 મિગ્રા./દિવસની માત્રામાં અપાય છે. તેને નસ વાટે અપાતું નથી કેમ કે તેને કારણે ક્યારેક જીવનને સંકટરૂપ લોહી ગંઠાવા–વહેવાની તકલીફ થાય છે. લગભગ 20 % દર્દીઓમાં આનુષંગિક તકલીફો થાય છે, જેમાં અતિઅમ્લતા (hyperacidity), પેટમાં ચાંદું પડવું, હોજરીમાંથી ઊલટી રૂપે કે મળમાર્ગે શ્યામમળ(malaena) રૂપે લોહી પડવું મુખ્ય ગણાય છે. ક્યારેક પ્રથમ સપ્તાહમાં યકૃતના ટ્રાન્સએમાઇનેઝ નામનાં ઉત્સેચકોનું લોહીમાં પ્રમાણ વધે છે (15 %). આ ઉપરાંત માથું દુખવું, અંધારાં આવવાં, ચક્કર આવવાં, ચામડી પર ઍલર્જીજન્ય સ્ફોટ (rash) થવો, અન્ય ઍલર્જિક પ્રતિક્રિયાઓ થવી, શરીરમાં પાણી ભરાવું, સોજા આવવા વગેરે આડઅસરો પણ ક્યારેક થાય છે.

ઉપયોગનિષેધ તથા સાવચેતી : પેપ્ટિક વ્રણ (ulcer) તથા ડાઇક્લોફેનેકની જેમને ઍલર્જી હોય તેવા દર્દીઓમાં તેનો ઉપયોગ ન કરવાનું સૂચવવામાં આવે છે. જઠર – આંતરડાના રોગો, યકૃતનો વિકાર, હૃદય કે મૂત્રપિંડની રુગ્ણતા, પોરફાઇરિયા, મોટી ઉંમર, મૂત્રવર્ધક દવાઓ, પ્રતિગઠનકારી (anticoagulants) કે મધુપ્રમેહ માટે વપરાતી દવાઓનો ઉપયોગ વગેરે સ્થિતિઓમાં ડાઇક્લોફેનેકનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી અથવા પૂર્વસુરક્ષા જાળવવી જરૂરી ગણાય છે.

ચિકિત્સાલક્ષી (therapeutic) ઉપયોગો : તેને આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), સમજ્જા સંધિશોથ અથવા સંધિવા (osteoarthritis) તથા બદ્ધમણિતા (ankylosing spondylitis) નામના વિવિધ સાંધાના રોગોમાં લાંબા સમય માટે વાપરવા માટે મંજૂર કરાયેલી છે. આ ઉપરાંત તે ટૂંકા સમયના સ્નાયુ અને હાડકાંના ઉગ્ર વિકારો, ઉગ્ર નજલો (gout), શસ્ત્રક્રિયા કે ઈજા પછી થતો શોથ કે સોજો તથા સ્ત્રી-જનનાંગોના શોથજન્ય પીડાકારક વિકારોમાં પણ ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ

સંજીવ આનંદ