ડાયટન (Dayton) : યુ.એસ.ના ઓહાયો રાજ્યનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 39o 45’ ઉ. અ. અને 84o 11’ પ. રે.. મિયામી નદી પર વસેલું આ શહેર સિનસિનાટીથી ઉત્તરે આશરે 75 કિમી. અંતરે આવેલું છે. શહેરી વિસ્તાર 57 ચોકિમી છે. શહેરની વસ્તી 1,41,527 (2010) અને મહાનગરની વસ્તી 8,41,502 (2010) છે.

નગરમાં વીજળીનાં જનરેટર, ઍરકન્ડિશનર, કાગળ, યંત્રો તથા તેના છૂટા ભાગ, રબર તથા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, સ્વયંચાલિત વાહનોના છૂટા ભાગ તથા તેની આનુષંગિક વસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાનાં વિકસ્યાં છે.

ત્યાં યુનિવર્સિટી ઑવ્ ડાયટન (1850), સિંકલેર કમ્યુનિટી કૉલેજ (1887), રાઇટ સ્ટેટ યુનિવર્સિટી (1964) તથા એવિયેશન ઍન્ડ ઍરોનૉટિકલ રિસર્ચ સેન્ટર આવેલાં છે. ઉપરાંત નગરમાં રાજ્ય હસ્તકનું હવાઈ દળનું રાઇટ-પૅટર્સન મથક તથા ફૅરફિલ્ડ હવાઈ મથક છે. વિલ્બર અને ઓરવિલ રાઇટ બંધુઓનું વતન હોવાથી તે વિમાન- વ્યવહારનું જન્મસ્થાન ગણાય છે.

1796માં ત્યાં પ્રથમ વસવાટ થયો. 1805માં તેને નગર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. માર્ચ, 1913માં આવેલા ભયંકર પૂરને કારણે ત્યાં વિનાશ સર્જાયો. ત્યારપછી અદ્યતન ઢબે તેની નગરરચના કરવામાં આવી.

સ્થાનિક પ્રશાસન પરિષદ દ્વારા નિમાયેલ વહીવટી અધિકારી દ્વારા નગરનો વહીવટ ચલાવવાની પ્રથા અમેરિકામાં સૌથી પહેલાં આ નગરમાં દાખલ કરવામાં આવી હતી જેને કાઉન્સિલ મૅનેજર પ્રશાસન પ્રણાલી (Council Manager Form of Government) કહે છે.

વિમલા રંગાસ્વામી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે