ડાગર પરિવાર : ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રાચીન સ્વરૂપ ધ્રુવપદ હતું. આ સ્વરૂપના આવિષ્કારને બાની – એટલે વાણી – તરીકે ઓળખવામાં આવે છે. આ બાનીઓમાં સૌથી પ્રાચીન અને વર્ષો સુધી અસ્ખલિત રીતે સાતત્ય ધરાવતી બાની તે ડાગુરબાની. ડાગર પરિવારનો ઇતિહાસ આ રીતે ડાગુરબાનીનો ઇતિહાસ ગણી શકાય.
ડાગરો મૂળ બ્રાહ્મણ કુટુંબના સભ્યો હતા. એક બનાવ બાદ બાબા ગોવિંદપાલદાસ પાંડેએ મુસલમાન ધર્મ સ્વીકાર્યો અને બાબા ઇમામખાન ડાગર નામ ધારણ કર્યું. તેઓ મુઘલ સમ્રાટ મોહંમદશાહ રંગીલેના દરબારી ગાયક હતા. તેમના બે પુત્રોમાંથી હૈદરખાનનું નાની ઉંમરમાં અવસાન થયું હતું. પરંતુ બીજા પુત્ર બહેરામખાન લગભગ 120 વર્ષ જેટલું લાંબું આયુ ભોગવી શક્યા હતા. મુઘલ સામ્રાજ્યની પડતી પછીના સમયમાં ઘણાખરા મુસલમાન ગવૈયાઓએ દિલ્હી છોડ્યું ત્યારે બહેરામખાન ડાગર જયપુરમાં આવીને વસ્યા. બહેરામખાન ડાગર એક વિદ્વાન ગાયક હતા અને ‘શતશાસ્ત્રી’ કહેવાતા હતા. તેમણે કુટુંબના સભ્યો ઉપરાંત અન્ય શિષ્યોને પણ ડાગુરબાનીની તાલીમ આપી. તેમના બે પૌત્રો ઉસ્તાદ અલ્લાબંદેખાન તથા ઉસ્તાદ ઝયાકરુદ્દીનખાન પ્રખ્યાત ધ્રુપદ-ગાયકો ગણાયા. 1911માં રાજા પાંચમા જ્યૉર્જનો રાજ્યાભિષેક દિલ્હી દરબારમાં કરવામાં આવ્યો ત્યારે આ બંને ભાઈઓને ધ્રુપદગાન રજૂ કરવાનું આમંત્રણ મળ્યું હતું. આ કુટુંબમાં આ પછી અલ્લાબંદેખાનના પુત્ર નસીરુદ્દીનખાન ડાગર એક ખ્યાતનામ ગવૈયા તરીકે પ્રતિષ્ઠા પામ્યા. નસીરુદ્દીનખાન એમના જમાનાના ઉત્કૃષ્ટ કક્ષાના ગાયક ગણાતા હતા. તેમના ચાર પુત્રોમાંથી નસીર મોઇનુદ્દીન ડાગર અને નસીર અમીનુદ્દીન ડાગર એ ડાગુરબાની ગાયકોની જોડમાંથી નસીર મોઇનુદ્દીન ડાગર અવસાન પામ્યા. બે નાના ભાઈઓની બીજી જોડ તે નસીર ઝઇરુદ્દીન તથા નસીર ફૈયાઝુદ્દીન ડાગર. આ જોડીના બંને ગાયકો અવસાન પામ્યા છે. એટલે આ કુટુંબમાં હવે નસીર ફૈયાઝુદ્દીન ડાગરના દીકરા વસીફુદ્દીન ધ્રુપદ-ગાયક રહ્યા છે.
ડાગર પરિવારના અન્ય સભ્યોમાં નોંધપાત્ર ગણાય તેવા ઉસ્તાદ રહીમુદ્દીનખાન ડાગર તથા ઝિયા મોઇનુદ્દીનખાન ડાગર. આમાં રહીમુદ્દીનખાન ડાગરનું સંગીત નાટક અકાદમીએ સન્માન કર્યું હતું અને ભારત સરકારે ‘પદ્મભૂષણ’ આપી તેમનાં સંગીતક્ષેત્રનાં જ્ઞાન તથા સેવાઓની કદર કરી હતી. આ કુટુંબના ગાયકો જયપુર ઉપરાંત ઉદેપુર તથા અન્ય રજવાડાંઓમાં આશ્રય પામ્યા હતા અને તેમનાં યોગ્ય સન્માન પણ થયાં હતાં. આજે ઐતિહાસિક હકીકત સિવાય આ વૃત્તાંતનો બીજો સંદર્ભ એ કે ડાગર પરિવાર ધ્રુપદ-ગાનની પ્રાચીન પરંપરાના પ્રતિનિધિઓ તરીકે નવા જમાનામાં પણ ચાલુ રહ્યા છે.
ડાગુરબાનીનું ગાયન આરાધનાના ભાવથી રંગાયેલું રહ્યું છે. આ ગાન દ્વારા પ્રાર્થનાનો પર્યાય ગણાય તેવાં અસંખ્ય ધ્રુપદો ભારતીય સંગીતને ઉપલબ્ધ બન્યાં છે. આ ગાનનો સમગ્ર વિસ્તાર એક પૂજા જેવો હોય છે. આના બે મુખ્ય વિભાગો ગણાય છે. આલાપ અને ધ્રુપદનું ગાયન. ધ્રુપદ ગાન જ્યારે તેની પ્રતિષ્ઠા તથા વિસ્તારની ટોચ ઉપર હતું ત્યારે આલાપ ધ્રુપદ-ગાનનો વધારે મહત્વનો ભાગ ગણાતો હતો. ડાગર પરિવારના ગાયકો ખાસ કરીને ઉસ્તાદ અલ્લાબંદેખાન અને ઝયાકરુદ્દીનખાનનો ફાળો આલાપ અંગના ક્ષેત્રમાં અદ્વિતીય ગણાય તેવો રહ્યો.
ધ્રુપદ-ગાન જોડીમાં પ્રસ્તુત કરવાનો લગભગ રિવાજ પડી ગયો હતો. બંને ગાયકો પોતપોતાને વિશેષ રીતે ફાવતા વિભાગોમાં વધુ ધ્યાન દઈને આલાપ કરતા હતા. આલાપ ખરી રીતે ધ્રુપદના ચાર વિભાગો સ્થાયી, અંતરા, સંચારી અને આભોગ પ્રમાણે આગળ વધતો અને આ આખાય વિભાગના ગાયનને ‘નોમ્તોમ્’ના નામથી ઓળખવામાં આવતો હતો. આ પછી ધ્રુપદની બંદિશ રજૂ થતી તથા તેની દુગન (બેવડી ગતિ) અને ચોગન (ચારગણી ગતિ) ગાઈને ધ્રુપદ-ગાન સમાપ્ત થતું હતું. આ પદ્ધતિમાં સમય જતાં ફેરફારો દાખલ થયા. મુખ્ય ફેરફાર બંદિશના વિસ્તારમાં આવ્યો, જેને પરિણામે બંદિશના શબ્દોને તાલ સાથે અટપટી રીતે ગૂંથીને એક નવું બઢત અંગ વિસ્તાર પામ્યું. ધ્રુપદ ગાનના નવા સંસ્કરણમાં ડાગર બંધુઓનો (મોટી તથા નાની ઉંમરના ભાઈઓની જોડીનો) ફાળો અદ્વિતીય પ્રકારનો રહ્યો છે; પરંતુ તે પછી ડાગર પરિવારમાં ધ્રુપદ-ગાનને તેની પૂર્વની પ્રતિષ્ઠા સુધી પહોંચાડે તેવા ગાયકો રહ્યા નથી. ડાગર પાસેથી તાલીમ લીધેલા થોડા ગાયકો અવશ્ય છે, પણ ધ્રુપદ-ગાન ગાયન સ્વરૂપના એક ઐતિહાસિક પ્રકાર તરફ જતું જાય છે. બસોથી વધારે વર્ષો સુધી ડાગુરબાનીના વિશિષ્ટ પુરસ્કર્તા તરીકે ડાગર પરિવાર જાણીતો રહ્યો.
ડાગુરબાનીના આલાપ-અંગના પ્રમુખ અંશો આકાર, લહક, ડગર, ધુરન, મુરન, કંપિત, આંદોલન, ગમક, હુડકા, સ્ફૂર્તિ, સૂત, મીંડ તથા શ્રુતિઓની શુદ્ધિ સાથેનો સ્વરલગાવ અને મૂર્ચ્છના ગણવામાં આવે છે. શરૂઆતના ધ્રુપદો ઘણુંખરું ઈશ્વરસ્તુતિને મળતા હતા, પરંતુ રાજ્યાશ્રયના સમયમાં બંદિશોના વિષયો બદલાયા અને ઈશ્વરપ્રશસ્તિને સ્થાને નૃપપ્રશસ્તિ આવી.
હ્રષિકેશ પાઠક