ડાગર, નસીર મોઇનુદ્દીન (જ. 24 જૂન 1922, અલ્વર; અ. 24 મે 1966, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક. વર્તમાનકાળમાં ધ્રુપદ ગાયકીનો પુનરુદ્ધાર કરવામાં અને તે પ્રતિ જનતાનું ધ્યાન દોરવામાં ડાગરબંધુનો પ્રયત્ન પ્રશંસનીય રહ્યો છે. ઉસ્તાદ નસીર મોઇનુદ્દીન અને નસીર અમીનુદ્દીન ‘ડાગરબંધુ’ના નામથી સંગીતજગતમાં વિખ્યાત છે.

એમની વંશપરંપરા પ્રાચીન માનવામાં આવે છે અને તેનો સંબંધ વિખ્યાત સંગીતકાર સ્વામી હરિદાસ સાથે જોડાય છે. એમના પૂર્વજ પં. ગોપાલનાથને શાહજહાંના સમયમાં વિવશતાથી મુસલમાન થવું પડ્યું. તે વખતથી ધ્રુપદશૈલીની ‘ડાગુરબાની’ મુસલમાનધર્મીઓમાં પ્રચલિત થઈ.

નાનપણમાં નસીર મોઇનુદ્દીનને સંગીત કરતાં ક્રિકેટમાં વધુ રસ હતો. ઉસ્તાદ રજ્જબઅલીખાં તેમના ઘરે આવતા અને પિતા ઉ. નાસિરુદ્દીનખાં સાથે સંગીત બેઠકો થતી તેનો પ્રત્યક્ષ પ્રભાવ મોઇનુદ્દીન પર પડતો. મોઇનુદ્દીનની સંગીતશિક્ષાનો પ્રારંભ તેમના પિતામહ ઉ. અલ્લાબંદેખાંથી થયો. તેમના મૃત્યુ પછી તેઓ પિતા પાસે સંગીત શીખવા લાગ્યા.

મોઇનુદ્દીન  ડાગર

1936માં પિતાના અવસાન પછી તેમના મામા ઉ. રિયાજુદ્દીન પાસે સંગીત શીખવા જયપુર પહોંચ્યા. ચાર વર્ષ પછી ઉદયપુરના જિયાઉદ્દીન પાસે સંગીતશિક્ષા પ્રાપ્ત કરી. 1946માં પ્રથમ ગુરુ અને 1947માં બીજા ગુરુના મૃત્યુ સુધી તો તે એક કુશળ કલાકાર બની ગયા હતા. ત્યારપછી પોતાના નાના ભાઈ અમીનુદ્દીન સાથે મુંબઈ રહેવા લાગ્યા.

તેમની ગાયનશૈલી ગંભીર હતી. સ્વરોના ભરાવ પ્રમાણે જ શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ, બંદિશના કાવ્યાર્થ પ્રમાણે ભાવનાઓની અભિવ્યક્તિ, ‘નોમતોમ’ આલય ગમકનો ઉચિત પ્રયોગ, લય-તાલ સાથે નિર્ભયતાથી રમત કરવી  – એ તેમની વિશિષ્ટતાઓ હતી. પરંપરાનુસાર તેમના આલાપ, જોડ સારી રીતે વિસ્તૃતિ પામતાં હતાં અને સ્થાયી, અંતરા, સંચારી, આભોગ – એ ચાર વિભાગોમાં મુક્ત રહેતાં. દિલ્હી ખાતેના ભારતીય કલાકેન્દ્રના સંગીત-વિભાગના તેઓ વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા. તે દરમિયાન તેમણે નૃત્યનાટિકાઓનું સંગીત-નિર્દેશન પણ કર્યું હતું. વિદેશના પ્રવાસ દરમિયાન ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સનાં નગરોમાં તેમના સંગીત-કાર્યક્રમો યોજાયા હતા. પ્રમાણમાં નાની ગણાય તેવી ઉંમરે તેમના અવસાનથી સંગીત-જગતને મોટી ક્ષતિ પહોંચી હતી.

મંદાકિની અરવિંદ શેવડે