ડાગર, નસીર અમીનુદ્દીન (જ. 24 માર્ચ 1924, ઇન્દોર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ધ્રુપદ ગાયકી શૈલીના વિખ્યાત સંગીતકાર. આ વિશિષ્ટ ગાયકીને લોકપ્રિય બનાવવામાં ડાગર બંધુમાંથી ઉ. નસીર અમીનુદ્દીન ડાગરનો ફાળો મહત્વનો રહ્યો છે. તેઓ માતાપિતાના પરમ ભક્ત હતા. નાનપણમાં સંગીત કરતાં રમતગમત તરફ વધારે રસ હતો. સંગીતના પાઠ પિતાશ્રી નાસિરુદ્દીનખાં પાસેથી લીધા. શરૂઆતમાં સંગીતની તાલીમ પ્રત્યે ગંભીર ન હતા. 1936માં પિતાનું અવસાન થયું ત્યારપછી તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. 1936માં પોતાના વડીલબંધુ પાસે જયપુર આવ્યા; ત્યારે તેમનામાં રહેલી ખામીઓનું વાસ્તવિક જ્ઞાન તેમને થયું.  મોટા ભાઈએ પોતાના ગુરુ જિયાઉદ્દીન પાસે ઉ. અમીનુદ્દીનને સંગીતનું શિક્ષણ અપાવ્યું. છ મહિના પછી ગુરુનું અવસાન થયું તે પછી પોતે શિખવાડવા લાગ્યા.

અમીનુદ્દીન ડાગર

ડાગરબંધુઓએ 1944માં આકાશવાણી ઉપર પ્રથમ કાર્યક્રમ પ્રસારિત કર્યા પછી નસીર અમીનુદ્દીનને પ્રસિદ્ધિ મળતી ગઈ. ઉત્તર ભારતમાં મોટાં શહેરોમાં તેમણે ઘણા કાર્યક્રમો સફળતાપૂર્વક આપ્યા. મોટા ભાઈની સાથે જ હંમેશાં ગાતા હોવાથી મોટા ભાઈની ઘણીબધી વિશિષ્ટતાઓ તેમનામાં પણ ઊતરી હતી. તેમણે કૉલકાતામાં ઉ. નસીર મોઇનુદ્દીન ડાગર ધ્રુપદ સંગીત આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં યુવાન કલાકારોને ગુરુશિષ્યપરંપરાથી આલાપ, ધ્રુપદ, ધમાર, ગાયકી ડાગુરબાની શૈલીમાં શીખવવામાં આવે છે.

મંદાકિની અરવિંદ શેવડે