ડરબન : દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતનું શહેર તથા દેશની પૂર્વ દિશામાં આવેલું મોટામાં મોટું બંદર. ભૌગોલિક. સ્થાન : 29o 55’ દ. અ. અને 30o 56’ પૂ. રે.. તે જોહાનિસબર્ગના અગ્નિકોણમાં 560 કિમી. અંતરે આવેલું છે. તેનો કુલ વિસ્તાર 226 ચોકિમી. તથા વસ્તી 5,95,061 (2018) હતી. જ્યારે મેટ્રો શહેરની વસ્તી 34,32,361 (2018) હતી. શહેરની પશ્ચિમે 120થી 150 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી ટેકરીઓની હાર છે.
લગભગ સમશીતોષ્ણ આબોહવા ધરાવતા આ નગરનું જુલાઈ માસનું સરેરાશ લઘુતમ તાપમાન 10.9° સે. તથા જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન 27.5° સે. હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1016 મિમી. પડે છે. એક વિશાળ ઉપસાગરના કાંઠે વસેલા આ નગરને ઉત્તમ કોટિના કુદરતી બંદરના લાભ પ્રાપ્ત થયા છે. બંદરકાંઠાથી દૂરવર્તી પ્રદેશ દેશના પાટનગર કેપટાઉન કરતાં વધુ વિશાળ અને કૃષિપેદાશોની ર્દષ્ટિએ વધુ ફળદ્રૂપ તથા વૈવિધ્યપૂર્ણ છે. તે કાંઠાના ઉત્તર અને દક્ષિણ તરફ લગભગ જોહાનિસબર્ગ સુધી પ્રસરેલો છે.
નગરની કુલ વસ્તીના આશરે 50% લોકો એશિયાઈ મૂળના છે, જેમાં હિંદુ, મુસલમાન તથા ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. નગરની કુલ વસ્તીના 1/3 જેટલા લોકો યુરોપીય મૂળના છે તથા આશરે 15% વસ્તી અશ્વેત છે.
નગરમાં ઘણાં હિંદુ મંદિરો છે, જેમાં દેશના સૌથી મોટા તથા પ્રાચીન અલાયન મંદિરનો સમાવેશ થાય છે. નગરમાં જામા મસ્જિદ છે, જે દક્ષિણ ગોળાર્ધની મોટામાં મોટી મસ્જિદ ગણાય છે.
1973માં ત્યાં ડરબન-વેસ્ટવિલે યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. તે પૂર્વે તે નાતાલ યુનિવર્સિટી(1949)નું શૈક્ષણિક મથક હતું. નાતાલ ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રાની સ્થાપના આ નગરમાં થઈ હતી. ઉપરાંત, નાતાલ પરફૉર્મિંગ આર્ટ્સ કાઉન્સિલનું મુખ્ય મથક પણ ત્યાં આવેલું છે, જે નાટ્યગૃહના સંકુલમાં નાટ્ય તથા નૃત્યવિષયક પ્રવૃત્તિઓ કરે છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ તરફના કાંઠા પરનું આ ધીકતું બંદર વાર્ષિક સરેરાશ 250 લાખ મેટ્રિક ટન માલની હેરફેર કરે છે, જેમાં મુખ્યત્વે કોલસા, અનાજ, મૅંગેનીઝ ધાતુ તથા ખાંડનો સમાવેશ થાય છે. ખાંડ શુદ્ધીકરણ ઉપરાંત તે આયાત કરેલા ખનિજ તેલનું શુદ્ધીકરણ પણ કરે છે. ઉપરાંત ત્યાં આયાત કરેલા વનસ્પતિ તેલમાંથી સાબુ બનાવવાનાં કારખાનાં, ફળપ્રક્રમણ, મીઠાઈઓ, કાપડ, રબર તથા ચામડાંની બનાવટો અને ખાતરો બનાવવાનાં કારખાનાં પણ છે. નગરના ઔદ્યોગિક ઉત્પાદનનું મૂલ્ય હવે લગભગ કેપટાઉનના ઔદ્યોગિક ઉત્પાદનના મૂલ્ય બરાબર થાય છે. નગરના ઔદ્યોગિક વિકાસમાં ન્યૂકૅસલની કોલસાની ખાણોને લીધે ઉપાર્જિત વિદ્યુતશક્તિ તથા ઉમલાસ અને ઉમગે નદીઓમાંથી પ્રાપ્ત થતા મબલક પાણીપુરવઠાનો ફાળો મહત્વનો રહ્યો છે.
તેની કુલ આવકમાં પર્યટન-વ્યવસાયમાંથી ઉપાર્જિત આવકનું પ્રમાણ નોંધપાત્ર છે. ડરબન એ દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠાનું સૌથી જાણીતું અને લોકપ્રિય પ્રવાસન-સ્થળ છે. દર વર્ષે લગભગ દસ લાખ પ્રવાસીઓ નગરની મુલાકાતે આવે છે. બંદરની આહ્લાદક આબોહવા ઉપરાંત શાર્ક માછલીથી ભયમુક્ત એવો તેનો કિનારો, નગરમાં આવેલા ઉદ્યાન તથા દરિયાઈ પ્રાણીઓનું સંગ્રહાલય જેવાં સ્થળો પર્યટકો માટે વિશેષ આકર્ષણરૂપ છે.
પોર્ટુગીઝ અન્વેષક વાસ્કો-દ-ગામા (1469–1524) આ વિસ્તારની મુલાકાતે આવેલો પ્રથમ પ્રવાસી ગણાય છે (1487). તે નાતાલના તહેવારના દિવસે અહીં આવેલો હોવાથી તેણે જ આ વિસ્તારને નાતાલ નામ આપ્યું. અઢારમી સદીનાં અંતિમ વર્ષો દરમિયાન ત્યાં કેટલાંક યુરોપીય મૂળના લોકો તથા આફ્રિકાની લાલા અને લુથુલી આદિમ જાતિના લોકોએ પોતાના વસવાટો ઊભા કર્યા હતા. 1823માં ત્યાં પ્રથમ વ્યાપારી વસાહત ઊભી થઈ હતી, જેને પોર્ટ નાતાલ નામ આપવામાં આવ્યું. 1834માં તે વખતના કેપના ગવર્નર સર બેન્જામિન ડરબનના નામ પરથી આ નગરને ‘ડરબન’ નામ આપવામાં આવ્યું હતું.
વિમલા રંગાસ્વામી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે