ડ મિલ, સેસિલ બી. (જ. 12 ઑગસ્ટ 1881, ઍશફિલ્ડ; અ. 21 જાન્યુઆરી 1959 કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક. ધર્મોપદેશક હેન્રીને ત્યાં જન્મ. 12 વર્ષની વયે અનાથ બની ગયા. માતા યહૂદી કુળનાં અંગ્રેજ મહિલા હતાં. તેમણે પણ નાટકો લખ્યાં હતાં. કુટુંબનું ગુજરાન ચલાવવા તેમણે બાળાઓ માટેની એક નિશાળ શરૂ કરી. એક સફળ થિયેટર કંપની પણ શરૂ કરી. સ્પેન ને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં સેસિલ પેન્સિલવેનિયાની મિલિટરી કૉલેજમાં સૈનિક તરીકે પોતાનું નામ નોંધાવવા ઘરમાંથી ભાગી ગયા, પરંતુ નાની ઉંમરને  કારણે તેમને દાખલ કર્યા  નહિ. પોતાના મોટા ભાઈ વિલિયમ ડ મિલના પગલે પગલે સેસિલને પણ નાટ્યક્ષેત્રમાં રસ પડ્યો. તેમણે ન્યૂયૉર્કની એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં પોતાનું નામ નોંધાવ્યું. 1900માં તખ્તા ઉપર અભિનયથી તેમણે કારકિર્દી શરૂ કરી. બે વર્ષ બાદ તેમણે તેમનાં સહાધ્યાયી કૉન્સ્ટન્સ ઍડમ્સ સાથે લગ્ન કર્યાં.

ત્યારપછીનાં કેટલાંક વર્ષો તેમણે માતાની થિયેટર કંપનીમાં અભિનેતા અને મૅનેજર તરીકે કામ કર્યું. ભાઈ વિલિયમને પણ નાટકોમાં મદદ કરી અને ડેવિડ બેલાસ્કો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયા. 1913માં તેમણે સંગીતકાર જેસી એલ. લાસ્કી અને વેપારી સૅમ્યુઅલ ગોલ્ડફિશ (પાછળથી ‘ગોલ્ડવિન’ બન્યા) સાથે ભાગીદારી કરીને ફિલ્મ કંપની શરૂ કરી. તેમની પ્રથમ ફિલ્મ ‘ધ સ્કવૉ મૅન’(1914)ના નિર્માણ માટે તેઓ હોલિવૂડ આવ્યા. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ ઉપર સારી સફળતા મળી. વિવેચકોએ પણ તેનાં વખાણ કર્યાં.

ધીમે ધીમે તેમની કંપની ‘પૅરેમાઉન્ટ’માં બદલાઈ અને ડ મિલનું નામ ગાજતું થયું. તેમણે તેમની કારકિર્દી દરમિયાન ચલચિત્રજગતને ગ્લોરિયા સ્વાન્સન, બેબ ડેનિયલ્સ, જિરાલ્ડીન ફારાર, જુલિયા ફે, વૉલેસ રીડ, મૉન્ટે બ્લૂ અને એલિયટ ડેક્સ્ટર જેવાં પ્રથમ કક્ષાનાં કલાકારો આપ્યાં. ભવ્ય, ઐતિહાસિક ફિલ્મોના નિર્માણ માટે જાણીતા થયા. ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’, ‘ધ કિંગ ઑવ્ કિંગ્ઝ’, ‘ધ સાઇન ઑવ્ ક્રૉસ’, ‘ક્લિયોપેટ્રા’, ‘ધ ક્રુસેડ્ઝ’ જેવી તેમની ફિલ્મોએ ભારે સફળતા તથા લોકચાહના મેળવી.

1914–56ના ચાર દાયકા દરમિયાન તેમણે કુલ 75 ચલચિત્રોનું નિર્માણ કર્યું, જેમાં ઉપર દર્શાવેલ ચલચિત્રો ઉપરાંત, ‘ધ કૅપ્ટિવ’ (1915), ‘ધ ડ્રીમ ગર્લ’ (1916), ‘મેલ ઍન્ડ ફીમેલ’ (1919), ‘ફૂલ્સ પૅરડાઇઝ’ (1921), ‘ટ્રાયમ્ફ’ (1924), ‘સૅમ્સન ઍન્ડ ડિલાયલા’ (1949), તથા  ‘ધ ગ્રેટેસ્ટ શો ઑન અર્થ’ (1952) વિશેષ લોકપ્રિય નીવડ્યા. ‘ધ પ્લેન્સમૅન’ (1937) તેમની સર્વોત્તમ ફિલ્મ ગણાય છે.

અમેરિકામાં (1917માં) વ્યાપારી ધોરણે નાગરિક વિમાનસેવાઓ દાખલ કરવાનો જશ તેમને ફાળે જાય છે. દેશની સંસદના ઉપલા ગૃહ સેનેટમાં સભ્યપદ માટે 1938માં તેમના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.

પીયૂષ વ્યાસ