ડબલિન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : 53o 20´ ઉ. અ. અને 6o 15´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા ગૅલિકમાં તેનું નામ ‘બ્લા ક્લીઆ’ બોલાય છે. આધુનિક આયરિશ ભાષાના ડભલીન (Dubh Linn – black pool) પરથી તેનું નામ ‘ડબલિન’ પડ્યું છે. શહેરની દક્ષિણ બાજુની સામેના ભાગમાં  600 મી. ઊંચો વિકલો ડુંગર છે. દેશના અંદરના ભાગમાં જવાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. મહાનગરનો કુલ વિસ્તાર 11,758 ચોકિમી. તથા નગરની વસ્તી 5,25,383 (2011); અર્બન વસ્તી 11,10,627 (2011) તથા મહાનગરની વસ્તી 18,04,156 (2011) છે. દેશની કુલ વસ્તીના આશરે 30 % લોકો આ પરગણામાં રહે છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં ડબલિનનું તાપમાન સરેરાશ 6° સે. હોય છે. શિયાળો ગરમ પ્રવાહની અસરને કારણે પ્રમાણમાં હળવો હોય છે. ઉનાળાનું જુલાઈ માસનું તાપમાન સરેરાશ 15° સે. હોય છે. ઉનાળો એકંદરે શીતળ અને આહલાદક હોય છે. દર વરસે સરેરાશ 750 મિમી. વરસાદ પડે છે. પશ્ચિમના ‘વેસ્ટરલીઝ’ તરીકે ઓળખાતા પવનો બારે માસ સમુદ્ર ઉપરથી વાય છે. બારે માસ હળવો વરસાદ પડે છે.

ડબલિન નગરનો એક મુખ્ય રાજમાર્ગ ઑ’કૉન્નેલ સ્ટ્રીટ

જંગલો કપાઈ જવાથી કુદરતી વનસ્પતિ ખાસ રહી નથી પણ પર્ણપાતી (ડેસિડ્યુઅસ) પ્રકારનાં ઓક, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. જમીન સમતલ અને ફળદ્રૂપ છે. શહેર ફરતી ટેકરીઓ છે. જવ, ઘઉં, બટાકા, શાકભાજી તથા ફળફળાદિ વગેરે મુખ્ય પેદાશો છે. લોકો ઢોર, ભુંડ, ઘોડા વગેરે ઉછેરે છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કુલ વસ્તીના 1 % લોકો ખેતી કરે છે, પરંતુ ખેડાણલાયક જમીનના 2/5 ભાગ પર ખેતી થાય છે.

ડબલિન આયર્લૅન્ડનું સૌથી મહત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર છે. પરગણાની કુલ વસ્તીના 1/5 લોકો ઉદ્યોગોમાં કામ કરે છે. અહીં ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો, વીજળીનાં ઉપકરણો, પ્રક્રમણ કરેલ એમાં ખાદ્ય પદાર્થો, દારૂ, સિગારેટ, કાચ, વહાણો, કાગળ, સ્ટીમરો તથા કાપડ વગેરેના નાના ઉદ્યોગો વિક્સ્યા છે. એક જમાનામાં તે ગરમ, સુતરાઉ અને રેશમી કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. આ સિવાય હૅટ અને ખેતીનાં સાધનો બનાવવાં તથા મચ્છીમારી અને પ્રવાસનના ઉદ્યોગો મહત્વના છે.

રૉયલ અને ગ્રાન્ડ કૅનાલ દ્વારા લિફી નદી અને શેનોન નદીનું જોડાણ થયું છે. ડબલિનનું બંદર પૂર્વ કિનારાના મધ્યભાગે આવેલું છે. રસ્તાઓ અને રેલવે દ્વારા તે આયર્લૅન્ડનાં અન્ય મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે. લિફી નદીના ધક્કા સુધી નાનાં વહાણો આવે છે. બીફ, ખોરાકી ચીજો અને ઢોરની નિકાસ થાય છે જ્યારે કોલસો, પેટ્રોલિયમ તથા તેની પેદાશો, યંત્રો, દવા, ચા વગેરેની આયાત થાય છે. આયરિશ પ્રજાસત્તાક રાજ્યનો 50 % જેટલો વિદેશ વેપાર ડબલિનના બંદર હસ્તક છે.

ફિનિક્સ પાર્કમાં જેમ્સ જોઇસનું સંગ્રહસ્સ્થાન છે. નૅશનલ લાઇબ્રેરી અને નૅશનલ મ્યુઝિયમનાં મકાનો ઓગણીસમી સદીનાં છે. રાષ્ટ્રીય સંગ્રહસ્થાનમાં આયર્લૅન્ડની પ્રાચીન વસ્તુઓનો ભંડાર છે. તેની જૂની યુનિવર્સિટીની શરૂઆત ટ્રિનિટી કૉલેજ તરીકે 1591માં થઈ હતી, જ્યારે રોમન કૅથલિક યુનિવર્સિટી 1851માં શરૂ થઈ હતી. 1902માં ઍબી થિયેટર સ્થપાયું હતું.

ઇતિહાસ : ઓલાફ ધ વ્હાઇટે 852માં ખાડી પર આ નગર વસાવ્યું હતું. અઢારમી સદી સુધી ડબલિન નાનું શહેર હતું. હજુ પણ ગ્રામ વાતાવરણના કેટલાક અંશો તેણે જાળવી રાખ્યા છે. અહીં ડેન્માર્કના વાઇકિંગ અને અંગ્રેજો, ફ્રાન્સમાંથી હ્યૂજિનૉટ લોકો અને હોલૅન્ડમાંથી ફ્લેમિશ ડચ વણકરો સ્થળાંતર કરી આવ્યા હતા. અઢારમી સદી સુધી વસ્તીનો મોટો ભાગ પ્રૉટેસ્ટન્ટપંથીઓનો હતો. ઓગણીસમી સદીમાં આયર્લૅન્ડના બાકીના ભાગમાંથી રોમન કૅથલિક પંથના ખ્રિસ્તીઓ આવીને વસતાં શહેરમાં તેમનું પ્રમાણ વધી ગયું હતું.

ડબલિનના જૂના અવશેષોમાં નવમી સદીનો કિલ્લો છે. ક્રાઇસ્ટનું દેવળ અને સેન્ટ પૅટ્રિકનું દેવળ બારમી સદીનાં છે. લેસ્ટરના ડ્યૂકનો મહેલ 1745માં બંધાયો હતો. હાલ તેનો ઉપયોગ સંસદના સભાગૃહ તરીકે થાય છે. કસ્ટમ હાઉસ અને ચાર ન્યાયકચેરીનાં મકાનો અઢારમી સદીનાં છે.

ટૉલેમીએ ડબલિનના ગામથળને એબલાના નામ આપ્યું હતું. સેન્ટ પૅટ્રિકે 448માં આ સ્થળની મુલાકાત લીધી હતી. તે આયર્લૅન્ડના Patron Saint તરીકે જાણીતા છે. તેમણે રાજાને ખ્રિસ્તી ધર્મમાં દાખલ કર્યો હતો. 840માં ડેન્માર્કના વાઇકિંગોએ આક્રમણ કરી અહીં પગદંડો જમાવ્યો હતો. તે સ્થાનિક આઇરિશ પ્રજા સાથે ભળી ગયા હતા. 1170માં અહીં અંગ્રેજો આવ્યા અને ઍંગ્લો-નૉર્મનોએ ડેનિશ લોકોને હરાવ્યા હતા. 1171માં હેનરી બીજાએ બ્રિસ્ટલના લોકોને અહીં વસી વસાહત સ્થાપવા માટે સનદ આપી હતી. યુરોપમાંથી રોમન કૅથલિકોના ત્રાસમાંથી બચીને પ્રૉટેસ્ટન્ટપંથીઓ ધર્મસુધારણા(reformation)ના યુગમાં અહીં આવ્યા હતા. અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન શહેરનો ક્રમશ: વિકાસ થયો હતો.

શિવપ્રસાદ રાજગોર