ડનબાર, વિલિયમ (જ. આશરે 1460; અ. આશરે 1513) : સ્કૉટલૅન્ડના કવિ અને પાદરી. એમણે સેન્ટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પાદરીપદ છોડીને રાજદ્વારી સેવામાં જોડાતા પહેલાં વિસ્તૃત પ્રવાસ કર્યો. તેઓ સ્કૉટલૅન્ડના રાજવી જેમ્સ ચોથાના દરબારી હતા અને 1500થી તેમને રાજવી તરફથી પેન્શન મળતું હતું. રાજવી જેમ્સ ચોથાએ સોંપેલું રાજકીય દૂતકાર્ય અદા કરવા જતાં ઝીલૅન્ડ (ઉ. નેધરલૅન્ડ્ઝ) પાસે એમનું વહાણ તૂટી જતાં એ કિનારા પર ફેંકાઈ ગયા હતા. તેઓ ફ્લૉડનના યુદ્ધમાં 1513માં માર્યા ગયા હોવાનું મનાય છે.

રાજવી જેમ્સ અને રાણી માર્ગરેટ ટ્યૂડર વિશે એમણે લખેલા ‘ધ થિસલ ઍન્ડ ધ રોઝ’ (1503) નામના રૂપકકાવ્ય(allegory)માં માર્ગરેટ ‘રોઝ’ (ગુલાબ) અને જેમ્સ ‘થિસલ’ (કંટક) તરીકે અભિપ્રેત છે. તેનો ધ્વનિ રાજકીય કટાક્ષિકાનો છે. એમના બીજા રૂપકકાવ્ય ‘ધ ગોલ્ડન ટાર્જ’(1508)માં કવિ સ્વપ્નમાં સૌંદર્યની દેવી વીનસના દરબારમાં ઉપસ્થિત છે અને તેની પાસે વિવેકબુદ્ધિની ઢાલ હોવા છતાં તે સૌંદર્યબાણથી ઘાયલ થાય છે. ઝમકદાર વર્ણનો અને વિસ્તૃત પદાવલી બંને રૂપકકાવ્યોની વિશિષ્ટતા છે. ત્રીજા રૂપકકાવ્ય ‘ધ ડાન્સ ઑવ્ ધ સેવન ડેડ્લી સિન્સ’(1503–1508)માં પ્રણાલીગત રૂપકપાત્રોનો સંતુલિત ઉપયોગ કરાયો છે. એમાં ગંભીર પ્રકારની હાસ્યપ્રેરકતા રહેલી છે. ડનબારનાં બે ધાર્મિક કાવ્યો ‘ધ બૅલડ ઑવ્ અવર લેડી’ અને ‘ધ નેટિવિટી ઑવ્ ક્રાઇસ્ટ’(આશરે 1508)માં છંદ ને પ્રાસનો વિસ્તૃત વિનિમય આનંદદાયક શક્તિ સાથે જોડાયો છે અને લૅટિન ભાષાનો સૂચક ઉપયોગ પણ નોંધપાત્ર છે. ‘ધ ટ્રીટિઝ ઑવ્ ધ ટુ મૅરિડ વિમેન ઍન્ડ ધ વિડો’(આશરે 1508)માં રોજિંદા માનવજીવનનું જીવંત નિરૂપણ છે અને દરબારી તેમ બોલચાલની એમ બંને શૈલીનો સુભગ સમન્વય થયેલો છે. એમનું ચિંતનપ્રધાન કાવ્ય ‘લમેન્ટ ફૉર ધ મૅકોરિસ’નું વસ્તુ વૃદ્ધત્વ, ક્ષણભંગુરતા (immutability) અને મૃત્યુ છે. ચૉસર તથા બીજા સાથી કવિઓના મૃત્યુને અનુલક્ષીને લખાયેલું આ શોકકાવ્ય અત્યંત વેધક છે. ડનબાર અને કૅનેડી એ બે કવિઓ વચ્ચેનું  બનાવટી વાગ્યુદ્ધ એ ‘ધ ફ્લાયિંગ ઑવ્ ડનબાર ઍન્ડ કૅનેડી’નો વિષય છે.

તેઓ પ્રતિભાસંપન્ન કસબી હતા; તેમણે અનેક પ્રકારની સ્ટૅંઝાનો ઉપયોગ કર્યો અને કાવ્યવૈવિધ્ય પ્રયોજ્યું; સાથોસાથ તેમાં વ્યંઞ્ય અને કટાક્ષ વણી લઈ તેની વેધકતા વધારી. મૌલિકતા તથા જોસ્સાની ર્દષ્ટિએ તેમની કવિતા અગાઉની સદીની કવિતા કરતાં ખાસ્સો રસભેદ દર્શાવે છે. મધ્યકાલીન સ્કૉટિશ ભાષામાં ડનબારનું સર્જન સ્કૉટિશ સાહિત્યનું ઊંચું શિખર ગણાય છે.

રશ્મિકાન્ત મહેતા