ડગ્લાસ, કર્ક (જ. 9 ડિસેમ્બર 1916, ઍમ્સ્ટરડૅમ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 5 ફેબ્રુઆરી 2020, એવર્લી હિલ્સ) : ચલચિત્રક્ષેત્રે અસાધારણ કારકિર્દી માટે 1996માં ઑસ્કારથી સન્માનિત અમેરિકન અભિનેતા. પિતાનું નામ હર્ષલ ડૅનિયલોવિચ અને માતાનું નામ બ્રાયના. આ કામદાર દંપતીનાં સાત સંતાનોમાં ચોથું સંતાન અને એકમાત્ર પુત્ર તે કર્ક ડગ્લાસ, જેનું મૂળ નામ ઈશ્યૂર ડૅનિયલોવિચ ડેન્સી હતું. રશિયામાંથી સ્થળાંતર કરી ન્યૂયૉર્કના ઍમસ્ટરડૅમ વિસ્તારમાં ઠરીઠામ થવા માગતા આ કુટુંબને શરૂઆતમાં તીવ્ર આર્થિક વિટંબણાઓનો સામનો કરવો પડ્યો હતો. કર્કનું સમગ્ર શિક્ષણ ન્યૂયૉર્ક ખાતે. 1939માં કૉલેજશિક્ષણ પૂરું કર્યા પછી આકસ્મિક રીતે એક નાટક-કંપનીના સંપર્કમાં તે આવ્યા.
અમેરિકન અકાદમી ઑવ્ ડ્રૅમૅટિક આર્ટ્સમાં અભિનયનું પ્રશિક્ષણ લેવા માટેની તીવ્ર ઇચ્છા મનમાં જાગ્રત થઈ. જન્મે યહૂદી હોવાથી કદાચ આ કારણસર અકાદમીમાં પ્રવેશ ન પણ મળે એ ભયથી ઈશ્યૂરે મિત્રોની સલાહથી નવું નામ ‘કર્ક ડગ્લાસ’ ધારણ કર્યું. 1939–41ના ગાળા દરમિયાન ડૉ. ચાર્લ્સ જેલિંગર નામના પ્રથમ કક્ષાના અને કડક શિસ્ત માટે જાણીતા બનેલા નાટ્યશિક્ષકના માર્ગદર્શન હેઠળ નાટ્યકળાનાં વિભિન્ન અંગોની, ખાસ કરીને અભિનયની, તાલીમ પ્રાપ્ત કરી. 1941માં આ સંસ્થામાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી નાટ્યક્ષેત્રે અભિનયની કારકિર્દી શરૂ કરી. શરૂઆતમાં ઓછી લાભદાયક નાની ભૂમિકાઓથી સંતોષ માનવો પડતો. ફાજલ સમયમાં હોટેલોમાં વેઇટરનું કામ પણ કરતા. 1941–43 દરમિયાન ભજવેલી વિવિધ ભૂમિકાઓમાં ‘સ્પ્રિંગ અગેન’ તથા ‘ધ થ્રી સિસ્ટર્સ’ (122 પ્રયોગો) નામનાં નાટકોમાં કરેલા અભિનયની ખૂબ પ્રશંસા થઈ. આમ છતાં આર્થિક વિટંબણા ચાલુ જ રહી. 1941ના અંતમાં જાપાને પર્લ હાર્બર પર આક્રમણ કરતાંની સાથે જ અમેરિકા વિશ્વયુદ્ધમાં દાખલ થયું અને દેશમાં લશ્કરની વિવિધ પાંખમાં મોટા પાયા પર સૈનિકોની નવી ભરતી શરૂ થઈ. પોતાની આર્થિક મુશ્કેલીથી કંટાળેલો આ અભિનેતા 1943માં નછૂટકે અમેરિકાના નૌકાદળના ‘નૉત્રેદમ મિડશિપમન સ્કૂલ’માં કમ્યુનિકેશન્સ ઑફિસરનું પ્રશિક્ષણ લઈ અમેરિકન લશ્કરમાં દાખલ થયો. વિપરીત આર્થિક સંજોગોને કારણે નૌકાદળમાં જોડાયેલા કર્કનું મન તો રંગમંચમાં જ પરોવાયેલું રહ્યું. નૌકાદળની કારકિર્દી દરમિયાન 1944માં તે બીમાર પડ્યો અને તેને લશ્કરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે જ વર્ષે નૌકાદળમાંથી પેરોલ પર મુક્તિ મેળવી. ફરી નાટ્યક્ષેત્રે અભિનય આપવાનું શરૂ કર્યું. આ ગાળામાં અનેક નાનીમોટી ભૂમિકાઓ કરી, જેમાં ‘કિસ ઍન્ડ ટેલ’ નાટકમાં ભજવેલ ભૂમિકા વિશેષ પ્રશંસનીય બની. તેમ છતાં ભરણપોષણની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવ્યો. હતાશ થયેલા આ કલાકારે 1944ના અંતમાં ચલચિત્રક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા હોલિવૂડ તરફ પ્રયાણ કર્યું. ચલચિત્રમાં તેમની કારકિર્દી ‘ધ સ્ટ્રૅન્જ લવ ઑવ્ માર્યા આયવર્સ’ ફિલ્મમાં કરેલ એક ગૌણ ભૂમિકાથી શરૂ થઈ અને ત્યારપછીના લગભગ સાડાચાર દાયકા(1944–91) દરમિયાન અભિનેતા તરીકે ખૂબ ચાહના મેળવી. સાથોસાથ ન્યૂયૉર્કની એક નાટક-કંપની મારફત તેણે રંગમંચ સાથેનો સંબંધ જાળવી રાખ્યો. ‘આય વૉક અલોન’ (1945) ચલચિત્રમાં વિખ્યાત અમેરિકન ચલચિત્ર અભિનેતા બર્ટ લૅન્કેસ્ટર સાથે અભિનય કરવાની તક મળી ત્યારથી બંને વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા. તે જ વર્ષે વૉર્નર્સ કંપનીએ કર્ક સાથે આઠ વર્ષનો કરાર કર્યો અને આ કંપનીના નેજા હેઠળના ચલચિત્ર ‘અ યંગ મૅન વિથ અ હૉર્ન’(1945)માં તેણે પ્રથમ ભૂમિકા ભજવી. તે જમાનામાં કલાર્ક ગૅબલ, ગૅરી કૂપર તથા માર્લન બ્રૅન્ડો જેવા પંકાયેલા કલાકારો અમેરિકાના ચલચિત્ર જગતમાં ચમકતા હતા તે અરસામાં પણ કર્ક ડગ્લાસે પોતાનું વિશિષ્ટ સ્થાન જાળવી રાખ્યું.
તેમની ભૂમિકાવાળાં ચલચિત્રોમાં ‘લસ્ટ ફૉર લાઇફ’, ‘સ્પાર્ટાક્સ’, ‘ધ લાસ્ટ સનસેટ’, ‘ધ લાસ્ટ ટ્રેન ફ્રૉમ ગન હિલ’, ‘ગનફાઇટ ઍટ ઓકે કૉરલ’, ‘ધેર વૉઝ અ ક્રુસેડ મૅન’, ‘વૉલ્સ ઑવ્ જેરિકો’, ‘અ લેટર ટુ થ્રી વાઇઝર્સ’, ‘ચૅમ્પિયન’, વૉર્નર બ્રધર્સના ‘ધ ગ્લાસ મૅનેજરી, ઍઝ ઇન ધ હૉલ’, ‘અલાગ ધ ગ્રેટ ડિવાઇડ’, ‘ડિટેક્ટિવ સ્ટોરી’, ‘ધ બૅડ ઍન્ડ ધ બ્યૂટિફુલ’, ‘ધ જગ્લર’, ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંને ભાષાઓમાં નિર્મિત ‘ઍક્ટ ઑવ્ લાઇફ’, ‘યુલિસિસ’ અને ‘ટફ ગાઇઝ’ વિશેષ નોંધપાત્ર છે. 1991માં ‘આર્થર’ નામના ચલચિત્રમાં એક નાની ભૂમિકા ભજવી તેમણે ચલચિત્રજગતમાંથી અભિનેતા તરીકે નિવૃત્તિ લીધી હતી; પરંતુ વર્ષ 2000માં નિર્મિત ‘હૅટ્રિક’ ચલચિત્રમાં તેમણે અભિનય કર્યો હતો.
પોતાની માતાના નામે તેમણે ‘બ્રાયના પ્રૉડ્ક્શન્સ’ નામની ફિલ્મ કંપનીની સ્થાપના કરી છે. તેના આશ્રયે અત્યાર સુધી બે ચલચિત્રોનું નિર્માણ થયું છે, જેમાંથી ‘ધ ઇન્ડિયન ફાઇટર’ લોકપ્રિય બન્યું છે. ‘ધ રૅગમન્સ સન’ શીર્ષક હેઠળ તાજેતરમાં જ તેમનું આત્મચરિત્ર પ્રસિદ્ધ થયું છે. એમનો પુત્ર માઇકલ ડગ્લાસ પણ એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે