ડચ ભાષા અને સાહિત્ય : નેધરલૅન્ડ્ઝની ભાષા. ડચ ભાષા બોલનાર સમજનાર જનસંખ્યા બે કરોડથી વિશેષ છે. નેધરલૅન્ડ્ઝમાં રાષ્ટ્રીય સીમાડાના ગણ્યાગાંઠ્યા વિસ્તારોને બાદ કરતાં ડચ ભાષા બોલાય છે. દક્ષિણ આફ્રિકામાં ડચ સત્તાધીશોએ સ્થાપેલ સંસ્થાનોમાં 30 લાખથી વધુ આફ્રિકાવાસીઓ માતૃભાષા તરીકે ડચ ભાષામાં વિચાર-વિનિમય કરે છે. આ ભાષામાં ડચ, જર્મન, ફ્રેન્ચ અને આફ્રિકન મૂળના અનેકવિધ લોકો પોતાનો વ્યવહાર ચલાવે છે. ફ્લેમિશ ડચ ભાષાની બોલી છે. બેલ્જિયમમાં બોલાતી ફ્લૅમિશને કેટલાક સ્વતંત્ર ભાષા તરીકે ગણાવે છે. ડચ ભાષાની છાંટવાળી અનેક મિશ્ર ભાષાઓ ઇન્ડોનેશિયા અને દક્ષિણ અમેરિકાના સુરિનેમ પ્રદેશમાં સાંભળવા મળે છે.

નેધરલૅન્ડ્ઝના ડચ ભાષા બોલતા રહેવાસીઓ મૂળ જર્મન કુળના છે. જર્મન ભાષાની જેમ ડચ ભાષા પશ્ચિમ જર્મનીની ભાષા છે. તેનું સૌથી વધુ નિકટનું ભાષા-જૂથ ‘લો જર્મન’ છે. નેધરલૅન્ડ્ઝ અને બેલ્જિયમમાં ડચ ભાષા એકસરખી રીતે લખાય છે, જેમ અંગ્રેજી ભાષાનું લિખિત સ્વરૂપ અમેરિકા અને ગ્રેટબ્રિટનમાં જુદું પડતું નથી તેમ. જોકે બોલીઓ તરીકે ડચ ભાષાનાં વિવિધ સ્વરૂપો છે. બારમી સદીના અંત પહેલાંના ડચ ભાષામાં લખાયેલ દસ્તાવેજો પ્રાપ્ત થયેલ નથી. જોકે ડચ ભાષાનાં કેટલાંક નામો અને છૂટાછવાયા શબ્દો લૅટિન દસ્તાવેજોમાં વપરાયેલાં મળી આવે છે. ડચ ભાષાના સૌથી જૂનાં લખાણ ઈ. સ.ની તેરમી સદીના મધ્યકાલીન સમયથી ઉપલબ્ધ બને છે. સાહિત્યસર્જનની પ્રવૃત્તિ પંદરમી સદીમાં ફ્લૅંડર્સ અને પાછળથી બૅબન્ટમાં જોવા મળે છે. હોલૅન્ડ તરીકે ઓળખાતા વિસ્તારની બોલીનું વર્ચસ ઉત્તરના ભાગમાં પંદરમી સદીથી અસરકારક રીતે વધતું ગયું. સત્તરમી અને અઢારમી સદીમાં ડચ ભાષાએ નેધરલૅન્ડ્ઝની પ્રમાણભૂત સાહિત્યિક ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરી લીધું. ઓગણીસમી સદીમાં આ પ્રમાણભૂત ડચ ભાષા અન્ય બોલીઓને બાજુ પર રાખી, સાહિત્યનું ખેડાણ કરતી ગઈ; એટલું જ નહિ, પરંતુ વધારે સુસંસ્કૃત પ્રજાના વર્ગોમાં તેનો ઉપયોગ વધતો ગયો. પડોશની ફ્રેંચ, જર્મન, અંગ્રેજી વગેરે ભાષાઓનો આધુનિક ડચ ભાષાનું વિશિષ્ટ સ્વરૂપ ઘડવામાં મહત્વનો ફાળો છે.

વસ્તીની સંખ્યાનું પ્રમાણ ઓછું હોવા છતાં ડચ ભાષામાં વિપુલ સાહિત્ય ફૂલ્યુંફાલ્યું છે. વ્યાપાર-વાણિજ્યના ક્ષેત્રે સાંપડેલી સફળતા તથા પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની ડચ પ્રજાની ઇચ્છાશક્તિને કારણે ડચ ભાષાએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડચ ભાષા રોમન લિપિનો ઉપયોગ કરે છે. ડચ ભાષાએ અંગ્રેજી ભાષાને કેટલાક શબ્દો  આપ્યા છે. દા.ત., બ્રાન્ડી, કૂકી, ફ્રેઇટ, લૅન્ડસ્કેપ, ક્રૂઝર, ડૉક, સ્પૂક, યૉટ, કોલસ્લો વગેરે.

ડચ ભાષાનો ‘લો જર્મન’ ભાષા સાથેનો સંબંધ દર્શાવતા જેમના તેમ જતન કરીને જાળવી રાખેલ કેટલાક શબ્દો :

ડચ અંગ્રેજી જર્મન
Peper Pepper Pfeffer
Krib Crib Krippe
tand tooth Zahn
eten eat essen
vader father vater
breken break brechen
brug bridge briicke

ડચ ભાષામાંનો ઉચ્ચાર  deeg અને oogની જેમ થાય છે, જ્યારે જર્મન ભાષા સંયુક્તસ્વર (dipthongs) ei, ai અને au ને Teig અને Augeની જેમ જાળવી રાખે છે.

ડચ ભાષામાં ધ્વનિવિચાર અને વ્યાકરણ :

ધ્વનિવિચાર : સ્વર : આ, ઇ, ઈ, એ, ઍ, ઉ, ઓ.

વ્યંજન : સ્ફોટક : ક, ગ, ત, દ, પ, બ.

ઘર્ષક : ખ, સ, ઝ, ફ, વ, હ.

અનુનાસિક : મ, ન.

અર્ધસ્વર : ય, વ,

કંપક : ર

પાર્શ્ચિક : લ.

સ્વરચિહ્ન એક પછી એક એમ બે વાર લખવાથી દીર્ઘ સ્વર થાય છે. અન્ય કેટલાક સ્વરોના સંયોગથી જુદા જુદા ધ્વનિ ઉદભવે છે. euનો ઉચ્ચાર ઍ, eeuનો ઉચ્ચાર ઍવ, ieનો ઉચ્ચાર ઈ થાય છે.

વ્યાકરણ : નામ : ડચ ભાષામાં નામનાં ત્રણ લિંગ અને બે વચન – એકવચન અને બહુવચન – છે.

વિભક્તિઓ માત્ર ચાર હોય છે : પ્રથમા, દ્વિતીયા, ચતુર્થી અને ષષ્ઠી.

વિશેષણ : જર્મન અને અંગ્રેજી ભાષાની જેમ ડચ ભાષામાં પણ નિશ્ચિત અને અનિશ્ચિત પ્રકારનાં વિશેષણો હોય છે.

સર્વનામ પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ એકવચન અને બહુવચનનાં બને છે.

ક્રિયાપદ : ક્રિયાપદો કાં તો સૌમ્ય અથવા તીવ્ર હોય છે. સૌમ્ય ક્રિયાપદો નિયમિત હોય છે, જ્યારે તીવ્ર ક્રિયાપદોમાં સ્વરવિકાર થાય છે. કેટલાંક કાળવાચક ક્રિયાપદોની મદદમાં સહાયકારક (auxiliaries) ક્રિયાપદો વપરાય છે.

લિખિત ડચ ભાષા અને બોલાતી ભાષા વચ્ચે તફાવત હોય છે.

ડચ સાહિત્ય : દસમી સદીના ‘વાક્તૅડંક સામ ફ્રૅગ્મેન્ટ્સ’ને ડચ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણે છે. હૅન્રિક વૉન વૅલ્ડૅકનું નામ મધ્યકાલીન સમયના આદ્ય કવિ તરીકે વિખ્યાત છે. ભક્તિના ઊભરાવાળી કવિતાના સર્જક તે વૅલ્ડૅક. વર્જિલના ‘ઇનીડ’ અને અન્ય કેટલાંક ઊર્મિગીતોને ડચમાં ઉતાર્યા બાદ તેમણે લિમ્બર્ગ બોલીમાં એક સંતની જીવનકથા નિમિત્તે ‘સર્વેટિયસ’ લખ્યું. તે પછી ફ્રાન્સના નમૂનાઓને અનુસરતી પ્રેમશૌર્યની કથાઓ ડચમાં આલેખાઈ. ગોત્ગેફે પૌરસ્ત્ય વિષયો અને કેલ્ટિક ઇતિહાસની ગાથાઓમાં રાજા આર્થરની વાતો ઉપરાંત ‘પાર્લમેન્ટ ઑવ્ ટ્રૉય’ લખ્યાં. જૅકબ વાન મૅર્લન્ટે વીરરસિક સાહિત્યની સામે ‘ધ ફ્લાવર ઑવ્ નેચર’ અને ‘ધ મિરર ઑવ્ હિસ્ટરી’માં ડચ સાહિત્યની આગવી પ્રતિભા ઊભી કરી. નેધરલૅન્ડ્ઝના મધ્યકાલીન રહસ્યવાદી ગદ્યલેખક રાયબ્રૉકે ‘ધી અડૉર્નમેન્ટ ઑવ્ સ્પિરિચ્યુઅલ મૅરેજ’ રચ્યું, જેમાં આત્મા ઈશ્વરની શોધમાં નીકળે છે. તેમનું લખાણ મહદંશે પાદરીઓને બોધ આપવા માટેનું હતું. બાઇબલની કથાઓ, દંતકથાઓ અને બોધાત્મક ટૂંકાં કથાનકો આ સમયમાં પ્રચલિત થયાં. સૌથી જૂનાં ગીતો જર્મન પરંપરાનાં છે. ચૌદમી સદીનાં ડચ નાટકો બિનસાંપ્રદાયિક છે, જે યુરોપમાં કદાચ સર્વપ્રથમ હશે. નેધરલૅન્ડ્ઝમાં નાટકનો પ્રારંભ મૂક અભિનય, ગીત અને લોકકલ્યાણની પ્રવૃત્તિ કરતાં દેવળોને આભારી છે. બિનસાંપ્રદાયિક ઉત્સવો નિમિત્તે ભજવાતાં નાટકો પર ધર્મગુરુનું નહિ પરંતુ જાહેર પ્રજાનું વર્ચસ હતું. દેવળો કે પાદરીઓના નિવાસસ્થાનની  બહાર ઊભા કરવામાં આવતા રંગભૂમિ અને હરતાફરતા રંગમંચો અને નાટક–કાવ્યની સ્પર્ધાઓ પણ ત્યાં યોજવામાં આવતી. ઇટાલી અને ફ્રાન્સ પછી નવો પ્રબોધકાળ (renaissance) નેધરલૅન્ડ્ઝમાં શરૂ થયો હતો. મધ્યકાલીન પ્રેમશૌર્ય અને લોકગીતોના નમૂના આપણને ‘ચૅપબુક્સ’માં મળે છે. શબ્દાળુતા દાખવતું પદ્ય, ધર્મસુધારણાનો ઉત્સાહભેર પ્રચાર કરતાં લખાણો, સૈનિકોનાં કૂચકદમનાં ગીતો, સૉનેટનો પ્રથમ પ્રયોગ, અભ્યાસલેખો, ડચ ભાષાનું પ્રથમ વ્યાકરણ – આ બધાંયમાં નવા યુગનો ઉદ્રેક વરતાય છે. લ્યૂથરના પ્રૉટેસ્ટન્ટ મતની સામે થનાર કૅથલિક કવયિત્રી આના બિજન્સે તીક્ષ્ણ કટાક્ષકાવ્યની રચના ડચ ભાષામાં કરી હતી. જોકે આ સમય દરમિયાન ડચ સાહિત્યમાં યુરોપના  જૂના શિષ્ટ ગ્રંથોના પડઘા ઓડ, સૉનેટ અને ભાષાંતરમાં સંભળાય છે. કવિ–ચિત્રકાર કારેલ વાન મેન્ડર પાંડિત્યભર્યું ગદ્ય માતૃભાષામાં લખે છે. ઇરેસ્મસના  લૅટિન ગદ્યનું પ્રભુત્વ એક સૈકા સુધી અકબંધ રહે છે. પૅટ્રાર્કશાઈ સૉનેટનો સંગ્રહ લંડનમાં દેશવટો ભોગવતા વાન દર નૂટે પ્રસિદ્ધ કર્યો. આ યુગના બે મહાન ઉદારમતવાદીઓ એટલે સ્પીગેલ અને કૂર્નહર્ટ. મૉન્ટૅન અને બાઇબલની અસર નીચે તેમણે સામાજિક વિતંડાવાદથી પર રહીને સાચા અર્થમાં ખ્રિસ્તી નીતિબોધને સક્ષમ રીતે રજૂ કર્યો. કૂર્નહર્ટ અને તેમના અનુગામીઓએ ડચ ભાષામાં બાઇબલનું ભાષાંતર કર્યું. તેથી પ્રમાણભૂત ડચ ભાષાનો પાયો તૈયાર થયો. સ્પીગેલ  જૂના અને નવા યુગના સંધિકાળના મહાન લેખક ગણાય છે. તેમણે ‘ન્યૂ યર સૉંગ્ઝ’ અને ‘સૉંગ્ઝ ઑન ધ લૉર્ડ પ્રેયર’ લખ્યાં. મધ્યકાલીન પરંપરાના વસ્તુનું નવી શૈલીમાં નિરૂપણ ચાલુ રાખ્યું. વિખ્યાત માનવતાવાદી ડેનિયલે લૅટિનમાં નાટકો અને ડચમાં અન્ય લખાણો કર્યાં. કવિ, નાટ્યકાર અને ચિત્રકાર બ્રેડરોએ સામાન્ય મનુષ્યના જીવન ઉપર લોકગીત, ફારસ, કૉમેડી વગેરે લખ્યાં. કવિ વૉન્ડેલ 54 વર્ષની ઉંમરે કૅથલિક ચર્ચમાં જોડાયા. તેમણે ‘આદમ ઇન એક્ઝાઇલ’માં વ્યક્ત કરેલ અભિપ્રાય તેમની નિર્ભયતા સૂચવે છે. પ્રતિસુધારણા(anti-reformation)ની ચળવળના તેઓ મુખ્ય  પ્રવર્તક હતા. હૂફટ ઇટાલીમાંથી સૉનેટ–નાટકો અને ગદ્યમાં લખેલા પત્રો લાવ્યા. તેમનું ઘર કલાકારો માટેનું મિલનસ્થાન હતું જ્યાં રોમરની પ્રતિભાસંપન્ન પુત્રીઓએ પણ પોતાની આગવી છાપ ઊભી કરી હતી. આમાં એના વિશ્યર નીતિશાસ્ત્રની કવયિત્રી હતી. હાયજન્સે અંગ્રેજ કવિ જ્હૉન ડનનાં કાવ્યોનો અનુવાદ ડચ ભાષામાં કર્યો. આ સમયના સાંપ્રદાયિક કવિઓ વીલ, રેવિયસ, ડર્ક વગેરે હતા; જ્યારે લાયકન અને ફ્લેમિંગ ઊર્મિકવિતાના ક્ષેત્રે વિશેષ જાણીતા હતા. અન્ય સર્જકોમાં કવિ હર્બર્ટ પૂટ, નિબંધકાર એલિઝાબેથ બેકર અને પત્રોના લેખક તરીકે આજીડેકનનું નામ ગણાવી શકાય. આ ઉપરાંત નૂતન પ્રશિષ્ટવાદ(neoclassicism)ની સામે પ્રતિઘોષ કરનાર અગત્યના કવિઓ એટફન, ફેઇથ, બેલામી અને સ્ટેરિંગ હતા.

ઓગણીસમી સદીમાં ડચ સાહિત્ય કૌતુકપ્રિય (romantic) બન્યું. સુપ્રસિદ્ધ નવલકથાકાર જૅકબે કાવ્ય, નાટક, વિવેચન ઉપરાંત શેક્સપિયર અને બાયરનની કૃતિઓનાં ભાષાંતર આપ્યાં છે. ઇતિહાસકાર બ્રિન્ક અને પોટગીટરે સાહિત્યના જ્યોતિર્ધર તરીકે કાર્ય કર્યું. કાશિયન્સે ‘ધ લાયન ઑવ્ ફ્લૅન્ડર્સ’ (1853–57) જેવી કૃતિ દ્વારા રાષ્ટ્રીય ચેતના જગાડી. બીટ્સ નીપલહાઉટ અને કૉનરેડ જાણીતા સાહિત્યકારો હતા. કૉનરેડનું નામ તો યુરોપમાં વિવેચક અને નિબંધકાર તરીકે જાણીતું હતું. ડેકરકૃત ‘મૅક્સ હેવલાર’(1860)ની ગણના ડચ ઈસ્ટ ઇન્ડીઝ કંપની ઉપરના સચોટ કટાક્ષ તરીકે થાય છે. ‘ધ ન્યૂ ગાઇડ’ (1885) પત્ર નવા સાહિત્યને પ્રેરક બળ પૂરું પાડે છે. આ સમયના મુખ્ય સર્જકોમાં ક્લૂસ, વર્વે, લુડવિક અને ઇડનનાં નામ ગણાવી શકાય. આ બધાંયમાં ગૉર્ટર મોટા ગજાના કવિ હતા. 1880ના ડચ લેખકો સવિશેષ વ્યક્તિવાદી હતા. ન્યાય અને કરુણાના ગણાતા કવિ શૉકની કવિતા દલિતપીડિતલક્ષી હતી. હોજરમાન્સે આમજનતાને સ્પર્શતાં નાટકો લખ્યાં, જ્યારે કેરિડોએ ઍમ્સ્ટરડૅમ પર નવલકથાઓ લખી. ઇમાન્ટસ, ડૉમ અને ઑગસ્ટા, શૅન્ડેલ અને કૂપરસ વાસ્તવવાદી નવલકથાકારો ગણાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંના કવિઓમાં હોલ્સ્ટ, બ્લૉમ અને ઇક પ્રસિદ્ધ છે, જ્યારે માર્સમૅન ‘ફ્રીવર્સ’ના પ્રચારક અને ‘વાઇટાલિસ્ટ’ આંદોલનના સબળ પ્રતિનિધિ હતા. નિરાશાવાદી સ્લૉર હોફ ભ્રમનિરસન દર્શાવતી કવિતા રચે છે. બ્રાક અને પેરોનના તંત્રીપદ નીચે ‘ફોરમ’ (1932) સામયિક પ્રસિદ્ધ થતું હતું. વીસમી સદીની મધ્યમાં વેસ્ટ ડિક, બોર્ડવિક અને હેલમાનની નોંધ લેવી ઘટે. નાઝીઓના આક્રમણ બાદ ડચમાં સાહિત્યની સ્વતંત્રતા પર તરાપ  પડી. 1945 પછી રોમેન, રેમીઓ, કેમ્પર્ટ વૉર્મન્ડ વગેરે નવા કવિઓ આવ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના નવલકથાકારોમાં અન્ના બ્લેમન અને વીન હતા. ફ્રીડરિશીએ આત્મકથા નિમિત્તે પોતાની સ્મરણકથા લખી છે. સાયમનના લખાણમાં તીવ્ર કટાક્ષ પ્રેરતું હાસ્ય હોય છે. આધુનિક ડચ સાહિત્ય પર અસ્તિત્વવાદની અસર છે. વિલેમ અને રીવ નિરાશાપ્રેરતું સ્વની પરખ દર્શાવતું સાહિત્ય રચી આપે છે. 1930 પછી ડચ અને ફ્લેમિશ સાહિત્ય એક જ સંસ્કૃતિનાં દ્યોતક બની રહ્યાં છે.

વિ. પ્ર. ત્રિવેદી