ઠાસરા : ખેડા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ઠાવરા રબારીએ આ ગામ વસાવ્યું હોવાથી તેનું નામ ‘ઠાસરા’ પડ્યું એમ કહેવાય છે. આ તાલુકો 22°–33´ થી 22°–53´ ઉ. અ. અને 72°–46´થી 73°–10´ પૂ. રે. વચ્ચે ઉષ્ણકટિબંધમાં આવ્યો છે. તેની પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, પશ્ચિમે નડિયાદ અને કપડવંજ તાલુકાઓ, ઉત્તર દિશાએ વાડાસિનોર તાલુકો અને દક્ષિણે આણંદ જિલ્લો આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 659 ચોકિમી. છે. ઠાસરા શહેરનું ક્ષેત્રફળ 14.41 ચોકિમી છે. તાલુકામાં 3 શહેરો અને 92 ગામો આવેલાં છે. ઉપરાંત, ત્રણ ઉજ્જડ ગામો છે. તાલુકાનો કુલ વિસ્તાર 66,353 હેક્ટર છે, જેમાંથી 50,139 હેક્ટરમાં ખેતી થાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

આ તાલુકાની આબોહવા વિષમ છે. તેનું સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે અને 26° સે. છે. કેટલાક દિવસો દરમિયાન આ તાપમાન 46° સે. થાય છે. જાન્યુઆરી માસમાં તેનું સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29° સે. અને 14° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 781.3 મિમી છે.

મહી નદી આ તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકાનાં દસેક ગામો આ નદી ઉપર વસેલાં છે. બીજી નદી શેઢી સાંકડા પટવાળી અને ઊંચા કાંઠાવાળી છે. તે ઠાસરાથી 1.6 કિમી. દૂર વહે છે, જ્યારે મહી 4.8 કિમી. દૂર છે.

આ તાલુકાના કેટલાક ભાગમાં ડેક્કન ટ્રૅપ તથા બેસાલ્ટ ખડકો જોવામાં આવે છે. તાલુકાની મધ્યભાગની જમીન ગોરાડુ અને ખૂબ ફળદ્રૂપ છે. તાલુકાનો ઉત્તર તથા પશ્ચિમ તરફનો ભાગ ‘માળ’ તરીકે ઓળખાય છે, જે ઊંચાણવાળો છે. ઠાસરામાં પથ્થરની ખાણો છે.

આ તાલુકામાં કોતરો, શહેરના કાંઠે તથા રસ્તાની બંને બાજુએ ‘સામાજિક વનીકરણ’ નીચે ઝડપથી  ઊગે તેવાં વૃક્ષો વવાયાં છે. બાવળ, ગાંડો બાવળ, મહુડો, ખાખરો, કેરડો, વડ, લીમડો, ખીજડો, બોરડી, સાગ, આંબલી, આંબો આદિ વૃક્ષો છૂટાંછવાયાં જોવા મળે છે.

આ તાલુકામાં નીલગાય, શિયાળ અને સસલાં તથા ગાય, ભેંસ, ડુક્કર, ગધેડાં, ઘેટાં, બકરાં જેવાં પાળેલાં પ્રાણીઓ છે. ગાય અને બળદ કાંકરેજી કે થરી ઓલાદનાં અને ભેંસ મહેસાણી  ઓલાદની જોવા મળે છે.

બૉક્સાઇટ, ચૂનાખડકો, બેન્ટોનાઇટ, બાંધકામના અન્ય પથ્થર વગેરે મળે છે.

તાલુકામાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી અને કઠોળ જેવા ખાદ્યપાકો થાય છે. વરિયાળી, તમાકુ, કપાસ, મગફળી, એરંડા, તલ, ઘાસ વગેરે તાલુકાના મુખ્ય રોકડિયા પાકો છે. નહેરો, કૂવા અને તળાવો દ્વારા 33 % થી 37 % (20થી 22 હજાર હેક્ટર) જમીનને સિંચાઈનો લાભ મળે છે.

આ તાલુકામાં 28 કિમી.ની બ્રૉડગેજ રેલવે છે. આણંદથી ગોધરા જતી રેલવે ઉપર પાંચ સ્ટેશનો આવ્યાં છે. તાલુકામાં અંદાજે 500 કિમી.ના પાકા રસ્તા છે. ઠાસરા તથા ડાકોર એસ.ટી. બસ દ્વારા ખેડા, વડોદરા અને પંચમહાલનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલાં છે.

તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને એક કૉલેજ છે. ગ્રામપુસ્તકાલયો અને તાલુકા પુસ્તકાલય પણ છે.

ઠાસરામાં એક પુરાણી મસ્જિદ, વાઘરીઓના ઠાસરિયા દેવ તથા અન્ય ચાર દેવાલયો છે. મહેમદાવાદમાં છે તે પ્રકારનો ભમરિયો કૂવો ઠાસરાથી ત્રણ કિમી. દૂર છે.

શિવપ્રસાદ રાજગોર