ઠારણ પદ્ધતિઓ : નીચા તાપમાનવાળી સપાટીની સાથે સંતૃપ્ત વરાળ સંપર્કમાં આવે ત્યારે ઠારણ ઉદ્ભવે છે. ઠારક એક અગત્યનું અને બહોળા વપરાશવાળું ઉષ્મા-વિનિમાયક (exchanger) છે. તેમાં અનન્ય લક્ષણવાળી ઉષ્મા-પારેષણની યંત્રરચના અસ્તિત્વ ધરાવે છે. વરાળના સંતૃપ્ત તાપમાન કરતાં ઓછા તાપમાનવાળી સપાટી ઉપર જો વરાળ અથડાય તો તેનું તાત્કાલિક ઠારણ થાય છે. બે પ્રકારની ઠારણ-પદ્ધતિઓ અસ્તિત્વ ધરાવે છે : (अ) બુંદ પ્રકારનું ઠારણ, (आ) ફિલ્મ ઠારણ.
(अ) બુંદ પ્રકારનું ઠારણ (dropwise condensation) : આ પ્રકારના ઠારણમાં ઠંડી સપાટી ઉપર ભેજ બુંદના રૂપે નિર્માણ થાય છે. આ બુંદ મોટાં થતાં જાય છે અને છેવટે, આ બુંદ ગુરુત્વાકર્ષણની મદદથી અને વરાળના દ્બાણથી સપાટી ઉપરથી દૂર થાય છે.
(आ) ફિલ્મ-ઠારણ (film condensation) : આ પ્રકારના ઠારણમાં ઠંડી સપાટીને સંઘનિત (condensate) પાતળા સ્તર રૂપે આવરી લે છે. આ સ્તરની જાડાઈ ધીમે ધીમે વધતી જાય છે અને પછી ગુરુત્વાકર્ષણ અને વરાળના દબાણથી તે સપાટી ઉપરથી દૂર થાય છે.
દરેક પ્રકારના ઠારણમાં, ઠારણની જે ઉષ્મા છૂટી પડે છે તે વરાળથી ઠંડી સપાટી તરફ વહે છે.
બુંદ પ્રકારનું ઠારણ અસ્થિર છે અને તે ઠારકની ડિઝાઇન માટે વ્યવહારમાં વપરાતું નથી. જો ઠંડી સપાટી સ્વચ્છ ને ચળકતી હોય અથવા ખરબચડી હોય તો ફિલ્મ-ઠારણ થાય છે, પણ જો સપાટીને ભીની થતાં રોકે એવા પદાર્થ વડે તે દૂષિત હોય તો બુંદ પ્રકારનું ઠારણ થાય છે. ઘણી વાર બંને પ્રકારનાં ઠારણ એકસાથે સપાટી ઉપર થાય છે. આને મિશ્રઠારણ (mixed condensation) કહે છે. નર્સટે ફિલ્મ-ઠારણનો સાદો સિદ્ધાંત વિકસાવ્યો છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ