ઠગપ્રથા : સંગઠિત ટોળીના સ્વરૂપમાં કોઈ માલદાર વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરીને પ્રવાસ દરમિયાન માર્ગમાં તેને મારી નાખીને તેની માલમિલકત લૂંટવાની પ્રથા. લાંબા પ્રવાસ દરમિયાન કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તે વ્યક્તિને ગળે ફાંસો આપીને મારી નાખ્યા પછી તેનો માલ લૂંટી લેવાની આ ઠગપ્રથા ભારતમાં લાંબા સમયથી અસ્તિત્વમાં હતી. તેરમી સદીમાં  પણ તેના ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. પરંતુ અઢારમી સદીના અંતથી કેન્દ્રીય રાજકીય શાસનવ્યવસ્થાના અભાવને લીધે ઠગ લોકોનો ઉપદ્રવ મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં હતો. અંગ્રેજોને 1799માં શ્રીરંગપટ્ટમના પતન પછી પ્રથમ વાર ઠગોના સંગઠનના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો હતો. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ ઠગોનો ભોગ બનતા હતા.

આ ઠગપ્રથાને નષ્ટ કરવાનું કાર્ય એટલા માટે કપરું હતું કે અપરાધની આ પ્રવૃત્તિ ગુપ્ત રાખવામાં આવતી હતી. રોજિંદા જીવનમાં સમાજ-સ્વીકૃત વ્યવસાય કરનારામાંથી કેટલાક વારસાગત રીતે ગુનેગારીનો આ વ્યવસાય કરતા હતા. કાળી, દુર્ગા કે ભવાનીમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર ઠગ લોકોની ટોળકીઓનું સંગઠન કક્ષા-ક્રમના માળખા પ્રમાણે રચાયેલું હતું. વળી લૂંટેલા માલના હિસ્સાની વહેંચણી પણ ટોળકીમાં સ્થાન અને કાર્ય મુજબ નક્કી કરવામાં આવતી. લૂંટનો ખાસ ભાગ કાળીમાતા માટે અલગ રાખવામાં આવતો. આ ગુનો કરતાં પહેલાં કાળીમાતાની તેમજ ગુના માટેનાં બે સાધનો રૂમાલ અને નાની કોદાળીની પણ પૂજા કરવામાં આવતી. ઠગ લોકોમાં એવી માન્યતા હતી કે તેમનો વ્યવસાય કાળીમાતાના આશીર્વાદથી જ ઉદભવ્યો છે !

પોતાની ગુનાહિત પ્રવૃત્તિ માટે ઠગ લોકોએ ખાસ પદ્ધતિ અપનાવી હતી. અરાજકતાના સમયમાં રક્ષણ માટે સમૂહમાં મુસાફરી કરવી હિતાવહ હોવાથી ઠગ લોકો સમૃદ્ધ વ્યક્તિની મુસાફરી અંગેની માહિતી એકઠી કરીને કોઈને શંકા પેદા ન થાય તે માટે સમૂહમાં બળદગાડાં કે ગધેડાં સાથે રાખીને મુસાફરી કરતા. તેઓ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા અને બાર વર્ષ નીચેનાં બાળકોને પણ સાથે રાખીને નિર્દોષ પ્રવાસીઓનો વિશ્વાસ સંપાદન કરી લેતા. ગુના માટે પોતાના સ્થળથી 45 કિમી. કરતાં વધારે દૂરના અંતરે મુખ્ય રસ્તાથી દૂર એકાંત સ્થળે કે ગાઢ જંગલમાં પોચી જમીનવાળું સ્થળ પસંદ કરીને ભોગ બનનાર વ્યક્તિને રૂમાલથી ગળે ફાંસો આપી તેના શબને ત્યાં દાટીને તેનો માલ બળદગાડામાં કે ગધેડા પર નાખીને સામાન્ય પ્રવાસીની જેમ આગળ મુસાફરી કરતા અને રસ્તામાં બીજી વ્યક્તિઓનો પણ વિશ્વાસ સંપાદન કરીને તેમની પણ એ જ વલે કરતા.

1828માં લૉર્ડ વિલિયમ બૅન્ટિંક ગવર્નર-જનરલ તરીકે ભારતમાં આવ્યા તે પહેલાં આ ગુનો નાબૂદ કરવો મુશ્કેલ હતો, કારણ કે ભારતના બધા વિસ્તારો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું ન હતું. સ્થાનિક જમીનદારો કે અમલદારો પણ પરોક્ષ રીતે ઠગ લોકોને મદદ કરતા હતા. કેટલાક ઠગ તો ગ્વાલિયર જેવા રાજ્યને ખંડણી પણ ભરતા હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. દૂરના વિસ્તારો  સુધી તેમની ટોળકીઓ ફેલાયેલી હોવાથી તેમને પકડવાનું કાર્ય પણ મુશ્કેલીભર્યું હતું; પરંતુ બૅન્ટિંકે તેમને ડામવા માટે 1829–30થી નર્મદાપ્રદેશના વિસ્તારોમાં પગલાં લેવાની શરૂઆત કરી. ઉપરાંત આખા દેશમાં બ્રિટિશ અધિકારીઓને આ અંગે માહિતી એકઠી કરવાની સૂચના આપી. ઠગોની નાબૂદી માટે સર વિલિયમ સ્લીમનના નેતૃત્વ હેઠળ એક ખાસ વિભાગ રચવામાં આવ્યો. આ કાર્યમાં સ્લીમનને થૉર્નટન અને મીડો ટેલર જેવા અધિકારીઓનો સહકાર મળ્યો. તેમણે ઠગ લોકો વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરીને લશ્કરની મદદથી તેમની સામૂહિક ધરપકડ કરી અને ખાસ અદાલતો સ્થાપીને તેમના પર મુકદ્દમો ચલાવ્યો. તે માટે 1836માં એક અધિનિયમ (regulation) પસાર કરવામાં આવ્યો, જે મુજબ ઠગ લોકો સાથે સંબંધ રાખનારાઓને પણ ગુનેગાર ગણવામાં આવ્યા. એક અહેવાલ મુજબ છ વર્ષના ગાળા (1830–1836) દરમિયાન 1500 જેટલા ઠગોને ફાંસી આપવામાં આવી, કેટલાકને આજીવન કેદની સજા કરવામાં આવી, જ્યારે બાકીનાને જબલપુરની જેલના સુધારણાગૃહમાં રાખવામાં આવ્યા. 1852 સુધીમાં ઠગપ્રથાને લગભગ નાબૂદ કરવામાં આવી.

યતીન્દ્ર દીક્ષિત