ઠંડું યુદ્ધ (Cold War) : 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારપછી સામ્યવાદી અને બિનસામ્યવાદી રાષ્ટ્રજૂથો વચ્ચે ઊભો થયેલો તીવ્ર સ્પર્ધાત્મક સંઘર્ષ. બીજા વિશ્વયુદ્ધના અંતે એક તરફ અણુયુદ્ધના ભયને લીધે સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેની સાથી સત્તાઓ તથા બીજી બાજુએ સોવિયેત સંઘ અને અન્ય સામ્યવાદી દેશો વચ્ચે જે વ્યૂહાત્મક (પ્રચારાત્મક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે) તીવ્ર તંગદિલીભર્યો સંઘર્ષ વિકસ્યો તેનો ઉલ્લેખ આ શબ્દપ્રયોગથી થાય છે. હકીકતમાં તે વિશાળ પાયા પરના વાસ્તવિક યુદ્ધમાં ન પરિણમ્યું. ‘ઠંડું યુદ્ધ’ શબ્દપ્રયોગ પ્રથમ 1947માં યુ.એસ.ના પ્રમુખના સલાહકાર બર્નાર્ડ બરૂકે કર્યો હતો.
જૂન, 1941માં જર્મનીએ સોવિયેત સંઘ પર આક્રમણ કર્યું ત્યારથી સોવિયેત સંઘ અને પશ્ચિમના સાથી દેશો (અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ તથા અન્ય લોકશાહી દેશો) વચ્ચે લશ્કરી જોડાણ અમલમાં હતું. ફેબ્રુઆરી, 1945ની યાલ્ટા પરિષદ ટાણે પશ્ચિમી સાથી દેશો અને સોવિયેત સંઘ વચ્ચે યુદ્ધકાલીન એકતા અને સદભાવનાનાં દર્શન થયાં; પરંતુ સોવિયેત સેનાઓ દ્વારા જર્મન કબજામાંથી મુક્ત કરાયેલા પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી સરકારો લાદવાના સોવિયેત સંઘના પ્રયાસોની આસપાસ ઠંડું યુદ્ધ કેન્દ્રિત થયું હતું. પશ્ચિમી સત્તાઓનો એવો આગ્રહ હતો કે નાઝી અંકુશથી મુક્ત થયેલા પૂર્વ યુરોપના દેશોના લોકોને સ્વનિર્ણયનો હક મળવો જોઈએ, પરંતુ પૂર્વ યુરોપના દેશોમાં સોવિયેત સંઘની નીતિ-પ્રવૃત્તિ તેની વિરુદ્ધની હતી. આને કારણે અમેરિકા અને સાથી યુરોપીય સત્તાઓના મનમાં એવી દહેશત ઘર કરી ગઈ કે પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી શાસન સ્થાપ્યા પછી સોવિયેત સંઘ પશ્ચિમ યુરોપને પણ સામ્યવાદી રંગે રંગવાનો પ્રયત્ન કરશે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના આક્રમણને લીધે સોવિયેત સંઘને પારાવાર નુકસાન વેઠવું પડ્યું હતું. આથી સોવિયેત સંઘ પૂર્વ યુરોપના દેશોને સંભવિત જર્મન આક્રમણ સામેની ઢાલ તરીકે ગણતું હતું. પોલૅન્ડ, બલ્ગેરિયા, હંગેરી અને રુમાનિયામાં સોવિયેત પગલાં વિરુદ્ધના અમેરિકન વાંધાઓ સોવિયેત સંઘની નજરમાં પ્રભાવના વિસ્તાર અંગેની યુદ્ધકાલીન સમજૂતીના ભંગ સમાન હતા. આથી સોવિયેત સંઘે તેની વગ હેઠળના પૂર્વ યુરોપના દેશોને રાજકીય, લશ્કરી, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે પશ્ચિમ યુરોપ અને અમેરિકાથી સંપૂર્ણ અલગ રાખવાની નીતિ અખત્યાર કરી. પશ્ચિમી સત્તાઓએ સોવિયેત સંઘની આ નીતિને લોખંડી દીવાલ (Iron Curtain) તરીકે ઓળખાવી હતી.
રાજકીય વ્યૂહાત્મક અને લશ્કરી મતભેદોને વૈચારિક વાઘા પહેરાવીને ઘેરા બનાવવામાં આવ્યા. માર્કસવાદી લેનિનવાદી સોવિયેત નેતાઓ એવું માનતા હતા કે આખરે મૂડીવાદી પ્રથા સોવિયેત પ્રથાનો નાશ કરશે, જ્યારે અમેરિકામાં સામ્યવાદ પ્રત્યેના દીર્ઘકાલીન સંદેહ અને અણગમાને લીધે એવો મત પ્રવર્તતો હતો કે વિસ્તારવાદી નીતિઓને અનુસરતો સોવિયેત સંઘ વિશ્વવિજય કરીને રહેશે.
વચગાળાના સમયમાં જર્મની ઉપરાંત ડાર્ડનલ્સની સામુદ્રધુની જેવાં અન્ય વ્યૂહાત્મક સ્થાનોનો કબજો લેવા માટેની સ્પર્ધા શરૂ થઈ. ગ્રીસ અને તુર્કી પરના સોવિયેત દબાણને લીધે માર્ચ, 1947માં અમેરિકન પ્રમુખ હૅરી એસ. ટ્રૂમૅનને જાહેર કરવું પડ્યું હતું કે સામ્યવાદી આક્રમણનો સામનો કરવા માટે અમેરિકા કોઈ પણ મુક્ત દેશને લશ્કરી અને આર્થિક મદદ પૂરી પાડશે. પશ્ચિમ યુરોપના દેશોનાં યુદ્ધ પછીનાં નબળાં અર્થતંત્રોને ટેકો પૂરો પાડવાના આશયથી જૂન, 1947માં અમેરિકાએ માર્શલ-યોજના જાહેર કરી. આની વિરુદ્ધ સોવિયેત સંઘે પણ કેટલાંક પગલાં લીધાં.
1948માં પશ્ચિમી સાથી સત્તાઓએ જર્મનીના તેમના કબજા નીચેના વિસ્તારો એક કરવાની યોજના જાહેર કરી તથા જર્મન ફેડરલ રિપબ્લિક(પશ્ચિમ જર્મની)ની સ્થાપનાની જાહેરાત કરી. વળતા પગલા તરીકે સોવિયેત સંઘે અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સના અંકુશ હેઠળના પશ્ચિમ બર્લિન સાથેના પશ્ચિમી સત્તાઓના રેલવે-વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો. 11 મહિનાના આ બર્લિનના ઘેરા દરમિયાન માલવાહક વિમાનો દ્વારા સાથી સત્તાઓએ પશ્ચિમ બર્લિનને અનાજ તથા જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડ્યો. છેવટે મે, 1949માં સોવિયેત સંઘે આ ઘેરો ઉઠાવી લીધો. જર્મનીનો રશિયાના અંકુશ હેઠળનો વિસ્તાર સામ્યવાદી શાસન ધરાવતું ‘જર્મન ડેમૉક્રૅટિક રિપબ્લિક’ (પૂર્વ જર્મની) બન્યું.
1949માં અમેરિકા સહિતની સાથી સત્તાઓએ યુરોપમાં રશિયન વિસ્તરણને અટકાવવાના હેતુસર ‘નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’ (NATO) નામનું લશ્કરી જોડાણ સાધ્યું. 1949માં સોવિયેત સંઘે પણ ‘કાઉન્સિલ ફૉર મ્યુચ્યુઅલ ઇકૉનૉમિક આસિસ્ટન્સ’(COME CON)ની રચના કરી. આ સંગઠનની રચના પાછળનો હેતુ સૉવિયેત નેતૃત્વ નીચે સામ્યવાદશાસિત દેશોને એક કરવાનો હતો. ઑગસ્ટ, 1949માં અમેરિકાની અણુ-ઇજારાશાહીનો અંત આવ્યો હતો, કારણ કે સોવિયેત રશિયાએ પોતાના પ્રથમ અણુબૉમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું અને તેની સાથે જ બંને સત્તાજૂથો વચ્ચે પરસ્પરના ભય અને અવિશ્વાસમાં વધારો થયો. 1949ના આખરી તબક્કામાં ચીનમાં માઓત્સે-તુંગનાં દળોએ ચાંગકાઇ-શેકનાં રાષ્ટ્રવાદી દળોને ચીનની મુખ્ય ભૂમિ પરથી હાંકી કાઢ્યાં. આ ઘટનાએ ઠંડા યુદ્ધના વાતાવરણમાં નવા પરિમાણનો ઉમેરો કર્યો.
ઠંડા યુદ્ધનો પ્રથમ તબક્કો 26 જૂન, 1950ના રોજ દક્ષિણ કોરિયા પરના ઉત્તર કોરિયાના આક્રમણ સાથે પૂરો થયો. શરૂઆતની પશ્ચિમી દળોની પીછેહઠ, ઉત્તર કોરિયાના પક્ષે ચીની દળોની સંઘર્ષમાં સામેલગીરી તથા યુદ્ધનો અંત લાવવાની અમેરિકન વહીવટી તંત્રની નિષ્ફળતાએ અમેરિકન માનસમાં વૈમનસ્યની લાગણી એટલી હદે ર્દઢ કરી કે તેને લીધે કોઈ પણ સામ્યવાદી સરકાર સાથે સામાન્ય સંબંધો અશક્ય બની ગયા.
આ પડકારોને પહોંચી વળવા માટે બંને સત્તાજૂથોએ પોતાની વ્યૂહરચનાઓ ઘડી. અમેરિકન વ્યૂહરચના સીમિતીકરણની નીતિ (containment policy) તરીકે ઓળખાઈ. અમેરિકન મુત્સદ્દી અને સોવિયેત નિષ્ણાત જ્યૉર્જ કેનાને આ શબ્દપ્રયોગ સૌપ્રથમ વાર કર્યો. કેનાનની દલીલ એવી હતી કે સોવિયેત સંઘ દબાણના પ્રત્યેક પગલાનો યોગ્ય પ્રતિભાવ આપવાની અમેરિકાની વ્યૂહરચનાનીતિ સોવિયેત વિસ્તારવાદને આગળ વધતો રોકી શકશે. સોવિયત સંઘની નજરમાં અમેરિકાની આવી નીતિ તેને અટૂલું પાડવાના અને સોવિયેત પ્રથાને નબળી પાડવાના એક વધુ પગલા તરીકે ઊપસી આવી. ક્રેમલિને અમેરિકન સીમિતીકરણ નીતિ વિરુદ્ધ વળતો પ્રહાર કરવાની વ્યૂહરચના અપનાવી.
1950ના દાયકા દરમિયાન અમેરિકન નીતિના ઘડવૈયા જ્હૉન ફૉસ્ટર ડલેસે આક્રમક નીતિ અપનાવી. આનો હેતુ અગ્નિ અને પશ્ચિમ એશિયામાં નવાં લશ્કરી જોડાણો રચીને વધુ લશ્કરી સામર્થ્ય દ્વારા સામ્યવાદીઓને વધુ લાભ લેતાં અટકાવવાનો હતો. 1954માં અમેરિકા તથા અન્ય સાત રાષ્ટ્રોએ ‘ધ સાઉથ-ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’ (SEATO) પર હસ્તાક્ષર કર્યા. એવી જ રીતે ‘સેન્ટ્રલ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’(CTO)ની પણ રચના કરવામાં આવી. આ સંધિઓ દ્વારા સામ્યવાદી ભાંગફોડ કે આક્રમણનો ભય ધરાવતા કોઈ પણ દેશને આર્થિક અને લશ્કરી મદદ પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
1953માં જૉસેફ સ્ટાલિનના મૃત્યુ બાદ બે સત્તાજૂથોના સંબંધમાં થોડો સુધારો થયો. કોરિયા તથા હિંદી ચીન(Indochina)ના યુદ્ધનો અંત આણવામાં આવ્યો તથા સોવિયેત અને પશ્ચિમી નેતાઓ વચ્ચેની પ્રથમ શિખર પરિષદ જિનીવા ખાતે યોજાઈ (1955). પરંતુ આનાથી માત્ર તંગદિલીમાં થોડો ઘટાડો થયો અને ઉપલક શાંતિ વરતાઈ. 1956માં નિકિતા ખ્રુશ્ચેવે રશિયામાં પોતાની સત્તા ર્દઢ કર્યા પછી બે વ્યૂહરચનાઓ અપનાવી. આરબ જગત અને ત્રીજા વિશ્વના દેશો જેવા કે ઘાના, ઇજિપ્ત, ભારત અને ઇન્ડોનેશિયાને પ્રભાવિત કરવાના આશયથી અમેરિકા સાથે આર્થિક અને લશ્કરી સ્પર્ધા શરૂ કરી. આ વ્યૂહરચના અન્વયે ‘સાંસ્થાનિક ક્રાંતિ’ કે ‘રાષ્ટ્રીય મુક્તિયુદ્ધો’ને સોવિયેત સંઘે સમર્થન આપ્યું. સોવિયેત સંઘ દ્વારા વિકસાવવામાં આવેલ આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્ર (ICBM) પર આધારિત બીજી વ્યૂહરચનાનો હેતુ પશ્ચિમી સત્તાઓને વિભાજિત કરવાનો હતો. 1955માં પશ્ચિમ જર્મનીને પુન: શસ્ત્રસજ્જ કરવાના પશ્ચિમી દેશોના નિર્ણયની વિરુદ્ધ વૉર્સો સંધિ સંગઠન (Warsaw Treaty Organisation) રચવામાં આવ્યું. પરિણામે અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે સત્તાસંઘર્ષનો એક નવો દોર શરૂ થયો, જે વધારે જોખમી હતો કારણ કે બંને સત્તા હવે અણુશસ્ત્રોથી સજ્જ હતી. 1962ની ક્યૂબાની કટોકટીએ વિશ્વને આ જોખમથી પૂરતા પ્રમાણમાં સજાગ કર્યું.
1963ની ‘અણુપરીક્ષણપ્રતિબંધક સંધિ’ (Nuclear test ban treaty) ઠંડા યુદ્ધમાં વળાંકરૂપ બની રહી. અમેરિકા, સોવિયેત સંઘ તથા બ્રિટન વાતાવરણ, અવકાશ અને દરિયાઈ અણુશસ્ત્રોનું પરીક્ષણ ન કરવા સંમત થયાં. અમેરિકા તથા રશિયાએ આકસ્મિક અણુયુદ્ધની શક્યતા ઘટાડવા માટે સીધા સંપર્ક(hot line)ની વ્યવસ્થા અપનાવી.
ઠંડા યુદ્ધમાં આવેલ ઓટ પછી પણ મહાસત્તાઓ વચ્ચેની વૈચારિક સ્પર્ધા કે પ્રભાવ વધારવા માટેની સ્પર્ધા ચાલુ જ રહી. 1970ના દાયકા દરમિયાન વિયેટનામ યુદ્ધ ચાલુ રહ્યું. આમ છતાં, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે શાંતિના જુસ્સામાં વાટાઘાટોનો દોર ચાલુ રહ્યો. 1972માં અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સને ચીનની મુલાકાત લીધી અને એ રીતે અમેરિકાએ ચીનને રાજદ્વારી સ્વીકૃતિ આપી. જોકે અમેરિકાના ચીન સાથેના પૂર્ણ કક્ષાના રાજદ્વારી સંબંધો તો 1979માં સ્થપાયા. અમેરિકા તથા રશિયા વચ્ચે 1972 તથા 1974ની વ્યૂહાત્મક શસ્ત્રનિયંત્રણ સંધિઓએ (Strategic Arms Limitation Talks–SALT–I-II) શસ્ત્રસ્પર્ધાને મંદ પાડી. 1976ની હેલસિન્કી સમજૂતી દ્વારા સોવિયેત સંઘે 1945માં પૂર્વ યુરોપમાં જે કંઈ હાંસલ કર્યું હતું તેને માન્યતા મળી.
1970ના દાયકાના ઉત્તરાર્ધમાં ફરી એક વાર બે સત્તાજૂથો વચ્ચે તંગદિલી ઊભી થઈ. 1979માં અમેરિકા તથા સોવિયેત સંઘ વચ્ચે થયેલી વ્યૂહાત્મક શસ્ત્રનિયંત્રણ સંધિ–2(SALT–2)ને અમેરિકન સેનેટે માન્યતા આપવાનો ઇનકાર કર્યો. અમેરિકાના મનમાં એવો ડર હતો કે આ સંધિ દ્વારા સોવિયેત સંઘ પ્રથમ (અણુ) પ્રહારની શક્તિ હાંસલ કરી લેશે. 1979માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાં સશસ્ત્ર દરમિયાનગીરી કરી. પરિણામે ઠંડા યુદ્ધનું વૈમનસ્ય ફરી શરૂ થશે એવો ભય ઊભો થયો. અમેરિકાએ આના પ્રતિભાવ રૂપે પોતાના સંરક્ષણખર્ચમાં વધારો કર્યો; પરંતુ 1987માં સોવિયેત નેતા મિખાઇલ ગોર્બાચોવ અને અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગન વચ્ચે પ્રક્ષેપાસ્ત્ર ઘટાડવા અંગે થયેલી સમજૂતીને લીધે આ તંગદિલી ઘટવા પામી.
1988 અને 1989 દરમિયાન સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાંનાં પોતાનાં દળો પાછાં ખેંચી લીધાં. ઉપરાંત, 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં સોવિયત સંઘે પૂર્વ યુરોપમાંનાં પોતાનાં પરંપરાગત લશ્કરી દળોમાં ઘટાડો કર્યો. સોવિયેત સંઘમાં ગોર્બાચોવે લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વાતાવરણ સર્જ્યું. તેણે પૂર્વ યુરોપમાં પણ આવી નીતિના અનુસરણ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. 1989માં અનેક પૂર્વ-યુરોપિયન દેશોમાંથી સામ્યવાદી શાસનનો અંત આવ્યો. 1990માં જર્મનીનું એકીકરણ થયું. સાથોસાથ સોવિયેત સંઘનું વિઘટન થયું. આ ઘટનાએ ઘણા લોકોને એમ માનવા પ્રેર્યા કે હવે ઠંડા યુદ્ધનો અંત આવ્યો છે.
નવનીત દવે