ટ્રૉટ્સ્કી, લિયોન [જ. 7 નવેમ્બર (જૂના કૅલેન્ડર મુજબ 26 ઑક્ટોબર) 1879, યાનોવ્કા, યુક્રેન, રશિયા; અ. 20 ઑગસ્ટ 1940, કોયોઆકન, મૅક્સિકો] : રશિયન સામ્યવાદી વિચારક અને ક્રાંતિકારી. ખેડૂત પિતા ડેવિડ બ્રોનસ્ટાઇન અને મધ્યમવર્ગીય શિક્ષિત માતા આનાના આ સંતાનનું જન્મસમયનું નામ લ્યોવ ડેવિડોવિચ બ્રોનસ્ટાઇન હતું. શાળાનું શિક્ષણ પૂર્ણ કરવા તે નિકોલાયેવ ગયા ત્યારે ભૂગર્ભમાં પ્રવૃત્ત સમાજવાદી ચળવળ સાથે સંકળાયા અને કાર્લ માર્કસનાં લખાણોથી પરિચિત થયા. ઑડેસામાં થોડો સમય યુનિવર્સિટી-શિક્ષણ લીધા બાદ તે ફરી નિકોલાયેવ આવ્યા અને તેમણે ‘સાઉથ રશિયન વર્કર્સ યુનિયન’ સંગઠિત કર્યું. જાન્યુઆરી, 1898માં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા બદલ તેમની ધરપકડ થઈ અને સાઇબીરિયામાં સાડાચાર વર્ષ કારાવાસ અને દેશવટો ભોગવ્યો. અહીં સહક્રાંતિકારી ઍલેક્સાન્દ્રા કોકોલોવસ્કયા સાથે લગ્ન કર્યાં અને બે પુત્રીઓના પિતા થયા. ‘ટ્રૉટ્સ્કી’ એવું ઉપનામ ધારણ કરી બનાવટી પાસપોર્ટ દ્વારા તેઓ લંડન ભાગી છૂટ્યા અને ત્યાં લેનિન અને અન્ય રશિયન ક્રાંતિકારીઓ સાથે જોડાયા. પરિણામે રશિયામાં રહી ગયેલી તેમની પત્ની સાથેના લગ્નજીવનનો વિચ્છેદ થયો.
જુલાઈ, 1903માં યોજાયેલી રશિયન ડેમૉક્રૅટિક વર્કર્સ પાર્ટીની બીજી કૉંગ્રેસમાં ટ્રૉટ્સ્કીએ લઘુમતી જૂથ(મેન્શેવિક)ને લેનિન અને તેના બહુમતી જૂથ (બૉલ્શેવિક) વિરુદ્ધ સમર્થન આપ્યું.
1905માં રશિયા પરત આવી તેમણે રશિયાના ઝાર વિરુદ્ધ હડતાળ અને અન્ય પ્રકારનાં આંદોલનો શરૂ કર્યાં. આથી 1906માં તેમને ફરી જેલવાસ થયો. તે દરમિયાન તેમણે પોતાનું ઉલ્લેખનીય પુસ્તક ‘રિઝલ્ટ્સ ઍન્ડ પ્રૉસ્પેક્ટ્સ’ લખ્યું જેમાં માર્કસવાદી સિદ્ધાંતમાં તેમના મૌલિક પ્રદાન સમો ‘કાયમી ક્રાંતિ’નો વિચાર રજૂ કર્યો.
1907માં દેશવટો ભોગવતી વખતે ટ્રૉટ્સ્કી ફરી સાઇબીરિયામાં ભાગી છૂટ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં લેનિનના બૉલ્શેવિક જૂથમાં જોડાઈ રશિયાના યુદ્ધપ્રયત્નોનો વિરોધ કર્યો અને સામ્યવાદી ચિંતક બુખારિન સાથે ન્યૂયૉર્ક સિટીમાં એક રશિયન સામયિકનું સંપાદન કર્યું. 1917ની ઑક્ટોબરની સામ્યવાદી ક્રાંતિમાં ટ્રૉટ્સ્કીએ લેનિનને નિર્ણાયક પીઠબળ પૂરું પાડ્યું અને મહત્વની લશ્કરી કાર્યવહીમાં સબળ નેતૃત્વ લીધું.
ક્રાંતિ બાદ સામ્યવાદી સરકારમાં લેનિને ટ્રૉટ્સ્કીને વિદેશી બાબતોના મંત્રી નિયુક્ત કર્યા. માર્ચ, 1918માં કરવામાં આવેલ બ્રેસ્ટલિટોવસ્ક સંધિ માટેની વાટાઘાટોમાં તેમણે અગ્રણી યોગદાન આપ્યું. ત્યારબાદ તેઓ સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયા અને નવા સામ્યવાદી લશ્કરના સંગઠનમાં વિરોધ છતાં તેમણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. ટ્રૉટ્સ્કી સ્વાભાવિક રીતે જ લેનિન પછી સામ્યવાદી પક્ષ અને સરકારમાં દ્વિતીય સ્થાન ધરાવતા નેતા થઈ ગયા, પરંતુ લેનિનની બીમારી અને મૃત્યુ બાદ સ્ટેલિન અને તેના સાથીઓની વ્યવસ્થિત પજવણી, કાવતરાં અને અંગત તથા વૈચારિક હુમલાઓથી ત્રસ્ત ટ્રૉટ્સ્કીને ધીમે ધીમે પક્ષના પૉલિટ બ્યૂરો, કેન્દ્રીય સમિતિ અને છેલ્લે 1927માં પક્ષમાંથી જ દૂર કરવામાં આવ્યા. લેનિનના મૃત્યુ બાદ ટ્રૉટ્સ્કીએ નોકરશાહીની સતત વધતી પકડ, સ્ટેલિન દ્વારા સામ્યવાદી વિચારમાં લાવવામાં આવેલ વિકૃતિઓ અને પક્ષની અંદર તેમજ બહાર લોકશાહી કુંઠિત કરવાની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો.
જાન્યુઆરી, 1928માં ટ્રૉટ્સ્કી અને તેના અનુયાયીઓને સોવિયેત સંઘમાં જ અલગ અલગ સ્થળે કેદ કર્યા બાદ જાન્યુઆરી, 1929માં તેમને દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારબાદ તે તુર્કસ્તાન, ફ્રાન્સ, નૉર્વે અને છેલ્લે મૅક્સિકો – એમ અલગ અલગ સ્થળે રહ્યા. તેમના દેશનિકાલ દરમિયાન ટ્રૉટ્સ્કીએ ત્રણ ભાગમાં રશિયન ક્રાંતિનો ઇતિહાસ લખ્યો. 1940માં સ્ટેલિનના એજન્ટ દ્વારા મૅક્સિકો શહેર નજીક કોયોઆકનમાં તેમની હત્યા કરવામાં આવી.
માર્કસવાદમાં ટ્રૉટ્સ્કીનું મુખ્ય વૈચારિક પ્રદાન ‘અસમાન અને એકત્રિત વિકાસ’ અને ‘કાયમી ક્રાંતિ’ને લગતા સિદ્ધાંતો છે.
ટ્રૉટ્સ્કીના વિચારે સ્ટેલિનના ‘એક દેશમાં સમાજવાદ’(Socialism in one country)ના સિદ્ધાંતને પડકાર્યો. આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળ પર સ્ટેલિનના પ્રભાવ અને ફાસીવાદનો વિરોધ કરવા માટે ટ્રૉટ્સ્કીએ ‘ફોર્થ ઇન્ટરનેશનલ’ નામના સંગઠનની સ્થાપના કરી. ટ્રૉટ્સ્કીના મૃત્યુ બાદ આ સંગઠનમાં અને ટ્રૉટ્સ્કી-વિચારમાં માનનારા તેના અનુયાયીઓમાં ઘણી ફાટફૂટ અને મતમતાંતરો થયાં અને મોટા ભાગનાં ટ્રૉટ્સ્કીવાદી જૂથો ક્ષીણ થઈ ગયાં.
બૌદ્ધિક ક્ષમતા, વહીવટી કાર્યકુશળતા અને વક્તૃત્વશક્તિમાં ટ્રૉટ્સ્કી નિ:શંક ચડિયાતા હતા, પરંતુ રાજકીય દાવપેચ અને પક્ષના સભ્યો અને પ્રજામાં સ્વીકૃતિ મેળવવા તડજોડ ન કરવાની તેમની વૃત્તિને કારણે તેઓ આંતરિક રાજકારણમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં નિષ્ફળ ગયા. લેનિનના મૃત્યુ બાદ જો રશિયાનું સુકાન સ્ટેલિનના બદલે ટ્રૉટ્સ્કીના હાથમાં આવ્યું હોત તો વિશ્વસામ્યવાદની દિશા અને સોવિયેત રશિયાની વિદેશ અને સાંસ્કૃતિક નીતિઓ તેમજ આંતરિક લોકશાહીની સ્થિતિ કદાચ જુદી હોત.
અમિત ધોળકિયા