ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને સંવર્ધન કરવા માટે આવાં સંગઠનો રચે છે; દા.ત., સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કામદારો, શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, બાંધકામ તથા હૉટેલ વ્યવસાયમાં કામ કરતા કામદારો વગેરે.
ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે પશ્ચિમના દેશોમાં મોટા પાયા પરના ઉત્પાદનને અનુલક્ષીને કારખાનાં સ્થાપવાની પ્રથા શરૂ થઈ અને સમય જતાં વિશ્વના અન્ય ભાગોમાં પણ તે શરૂ થઈ. આ પદ્ધતિમાં શ્રમિકોનું આર્થિક શોષણ થતું. કારખાનાંના માલિકો મજૂરોને ઓછું વેતન આપીને તેમની પાસેથી વધુ કામ લેતા. કામના સ્થળે શ્રમિકો માટે પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવતી ન હતી. તેમાંથી મુક્ત થવાના એક ઉપાય તરીકે ઔદ્યોગિક ક્ષેત્રમાં મજૂર-સંગઠનોનો ઉદય થયો. માલિકોની શોષણનીતિ સામે અસરકારક લડત સંઘશક્તિ દ્વારા જ આપી શકાશે એવું શ્રમિક-વર્ગને પ્રતીત થયું; દા.ત., ઓછા વેતન સામે મજૂરો ભેગા મળીને સામૂહિક સોદાશક્તિ દ્વારા લડત આપી વેતનધારાની માગણી કરે તો માલિકોને તેના પર વિચારણા કરવી પડે અને જો શ્રમિકોની આ માગણી ન સંતોષાય તો માલિકો પર દબાણ લાવવાના ઉપાય તરીકે હડતાળ જેવાં ઉગ્ર પગલાં લઈ શ્રમિકો દ્વારા વેતનવધારો મેળવી શકાય. આમ પોતાની માગણીઓ માલિકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા માટે રચાયેલું સંગઠન તેનું નામ ટ્રેડ યુનિયન.
ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીમાં અને અમેરિકામાં ઓગણીસમી સદીમાં ટ્રેડ યુનિયનોની શરૂઆત થઈ હતી. ભારતમાં સૌથી પહેલું ટ્રેડ યુનિયન 1890માં મુંબઈમાં એમ. એન. લોખંડેના નેતૃત્વ હેઠળ રચાયું હતું.
ટ્રેડ યુનિયનોની સ્થાપનાના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે ગણાવી શકાય : (1) પોતાના સભ્યોનાં વેતનધોરણોમાં તથા કામના સ્થળે પ્રાથમિક સુવિધાઓમાં સુધારો કરવો; દા.ત., પીવાનું પાણી, હવાઉજાસ, સ્વચ્છતા વગેરે. (2) માલિકો દ્વારા થતા અન્યાયની સામે સ્વમાનપૂર્વક લડત આપવાનું સામૂહિક બળ કામદાર વર્ગને પૂરું પાડવું. (3) કામદારો અને કર્મચારીઓના મનમાં રહેલી ભય અને અસલામતીની લાગણી દૂર કરી તેમનામાં ગૌરવભેર જીવવા માટેની ભાવના જગાવવી. (4) કામદારો અને કર્મચારીઓમાં શિસ્ત અને નિષ્ઠા જેવા ગુણોનું સંવર્ધન કરવું. (5) કામદારો અને કર્મચારીઓનો નૈતિક જુસ્સો વધે તે હેતુથી તેમના કલ્યાણ માટે તથા તેમના કુટુંબના સભ્યોના કલ્યાણ માટે વિવિધ પ્રકારની કલ્યાણયોજનાઓ ઘડવી તથા અમલમાં મૂકવી. (6) ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારો અને કર્મચારીઓની ભાગીદારી માટેની યોજનાઓ અસરકારક રીતે અમલમાં મુકાય તે માટે પ્રયત્નશીલ રહેવું.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન(ILO)ના પ્રયત્નોથી હવે લગભગ બધા જ દેશોમાં મજૂર-સંગઠનોને કાયદાનું રક્ષણ અને સરકારનું નૈતિક પીઠબળ મળ્યાં છે. તેને પરિણામે મજૂર-સંગઠનોની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે માલિકો પોતાના શ્રમિકોની સામે કિન્નાખોરીનાં પગલાં લઈ શકતા નથી. જે ઔદ્યોગિક એકમોમાં એક કરતાં વધુ સંગઠનો હોય ત્યાં વધુ સભ્યપદ ધરાવતા મજૂરમંડળને કાયદેસર માન્યતા આપવા માટે ધારાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. કેટલાક દેશોમાં મજૂરમંડળો રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં હોય છે અને ચૂંટણી દ્વારા દેશની સંસદ કે પ્રાંતીય ધારાસભાઓમાં પોતાના પ્રતિનિધિઓ મોકલતા હોય છે. પોલૅન્ડના મજૂર-નેતા લેચ વાલેસા 1990માં દેશના પ્રમુખપદે ચૂંટાયા હતા. 1983માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. દક્ષિણ અમેરિકા તથા આફ્રિકાના કેટલાક દેશોમાં પણ મજૂર-નેતાઓ દેશનું સર્વોચ્ચ રાજકીય સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વી. વી. ગિરિ પણ મજૂર-નેતા હતા. ગુજરાતના મજૂર-નેતા ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા.
હાલ વિશ્વમાં બે મોટાં મજૂરમંડળો છે : (1) વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ (WFTU) (સ્થાપના 1945), (2) ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ (ICFTU) (સ્થાપના : 1949). ભારતમાં મજૂરમંડળો રાજકીય પક્ષોના નેજા હેઠળ કામ કરે છે; દા.ત., ‘ઇન્ટુક’ (INTUC) રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે, ‘આઇટુક (AITUC) સામ્યવાદી પક્ષ સાથે, યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (UTUC) માકર્સવાદી સામ્યવાદી પક્ષ સાથે, હિંદ મજદૂર સભા (HMS) સમાજવાદી પક્ષ સાથે અને ભારતીય શ્રમ સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે.
મહાત્મા ગાંધીની પ્રેરણાથી અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરવામાં આવી હતી, જેણે સીધાં પગલાંને બદલે પરસ્પરની સમજૂતી દ્વારા મજૂરોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અભિગમ અપનાવ્યો છે અને તેટલે અંશે તે ગાંધીપરંપરાનું એક આદર્શ શ્રમ સંગઠન ગણાય છે.
અનિલ સોનેજી