ટ્રેજન (જ. 18 સપ્ટેમ્બર 53, ઇટાલિકા; અ. 8 ઑગસ્ટ 117, સેલિનસ) : રોમન શહેનશાહ અને કુશળ વહીવટકર્તા. તેનો જન્મ પ્રથમ સદીમાં રોમના તાબા હેઠળના સ્પેનમાં થયો હતો. શહેનશાહ નેર્વાએ તેને ઈ. સ. 97માં દત્તક લીધો હતો. તેની લશ્કરી અને વહીવટી કારકિર્દી જ્વલંત હતી. શહેનશાહ નેર્વાએ ઈ. સ. 98માં તેને સીઝરની પદવી આપી. ઈ. સ. 98માં નેર્વાના મૃત્યુ પછી તે રોમન સમ્રાટ બન્યો.
તેણે આક્રમક વિસ્તારવાદી રાજનીતિ અપનાવીને ઈ. સ. 101–106 દરમિયાન ડૅન્યૂબની ખીણમાં આવેલ ડેસિયા જીતી લીધું હતું. ઈ. સ. 113–117 દરમિયાન પાર્થિયા (ઈરાન) ઉપર ચડાઈ કરીને તેની રાજધાની જીતી લઈને ઈરાની અખાત સુધી તેણે રોમન ધ્વજ ફરકાવ્યો હતો. આ ઉપરાંત તેણે નાબાટિયન આરબોને જીતીને તેમના પ્રદેશને રોમન પ્રાંત બનાવ્યો. તે જ રીતે આર્મેનિયનોને હરાવી આર્મિનિયાને રોમન પ્રાંત બનાવ્યો હતો. કેસિયાનો ખજાનો કબજે કર્યો અને ત્યાંની સોનાની ખાણોની આવક થતાં તેના સમયમાં રાજ્યની સમૃદ્ધિમાં ઘણો વધારો થયો હતો.
અસરકારક અને કુશળ વહીવટકર્તા તરીકે તેણે લોકો પરના કરવેરા ઘટાડ્યા હતા અને ગરીબોને આર્થિક રાહત આપી હતી.
તેણે મોટા પાયા ઉપર જાહેર બાંધકામની પ્રવૃત્તિ હાથ ધરીને નવા રસ્તા બંધાવ્યા હતા અને બંદરો ઉપર સગવડો વધારી હતી. ડેસિયા ઉપર પોતાની જીતની સ્મૃતિમાં રોમમાં તેણે એક સ્મારક સ્તંભ ઊભો કર્યો હતો અને બેનેવેન્ટુમ ખાતે કમાન ઊભી કરી હતી. તેણે લોકચાહના મેળવી હતી. વળી સેનેટ સાથેનો તેનો સંબંધ સુમેળભર્યો હતો.
ટ્રેજનના મૃત્યુ પછી પાર્થિયનોએ તેમનો બધો પ્રદેશ પાછો જીતી લીધો હતો. તેના અનુગામી શહેનશાહ હેડ્રિયનના વખતમાં ડેસિયા સિવાયનો પૂર્વ તરફનો બધો પ્રદેશ ગુમાવાયો હતો.
શિવપ્રસાદ રાજગોર