ટ્રેઇલર : ટ્રૅક્ટર-ટ્રેઇલર ખેતપેદાશ તેમ જ ખેતીમાં વપરાતી જરૂરી સાધનસામગ્રીની ઝડપી હેરફેર માટે ખૂબ જ ઉપયોગી સાધન. ટ્રેઇલર લાકડાની તેમ જ લોખંડની બૉડીવાળું અને બે અથવા ચાર પૈડાંવાળું હોય છે, જેનું માપ 3.00 મી. × 1 મી. × 0.45 મી. થી 3.60 મી. × 2.18 મી. × 0.60 મી. હોય છે. તેના માપ પ્રમાણે તેની ક્ષમતા 3 ટનથી 10 ટન સુધીની હોય છે. ખેડૂતો સામાન્યત: બે પૈડાંવાળાં ટ્રેઇલર વધારે વાપરે છે, જ્યારે ચાર પૈડાંવાળાં ટ્રેઇલરો અન્ય પરિવહનમાં વધુ વપરાય છે. આ સાધનને ટ્રૅક્ટરની પાછળના ભાગમાં હડા સાથે જોડી ખેંચવામાં આવે છે.
ભારે માલસામાન પરિવહન માટે ટ્રેઇલરને ‘કિંગ પીન’ કપલિંગ વડે ટ્રૅક્ટર અથવા ટ્રકના પાછલા ભાગ સાથે જોડવામાં આવે છે. આ બે વાહનોનું જોડાણ સરળતાથી બાંધી અથવા છોડી શકાય છે. ટ્રેઇલર સ્વયં રીતે ગતિમાન (પોતાનું એન્જિન ન હોવાથી) થઈ શકતું નથી. 40-44 ટનનો ભાર ખેંચવા માટે 18.75 મીટર લાંબું ટ્રેઇલર વાપરવામાં આવે છે. આવા ટ્રેઇલરને 12થી 16 પૈડાં હોય છે.
ટ્રેઇલરનો મુખ્ય હેતુ માલપરિવહનનો હોવાથી તેના અલગ પ્રકારો હોય છે, જેવા કે, પૅસેંજર બસનું ટ્રેઇલર, રેફ્રિજરેટેડ વાન ટ્રેઇલર, મોટરકાર પરિવહન માટેનું ટ્રેઇલર, solid waste ને જુદે સ્થળેથી ભેગો કરી તેનો પ્રદૂષણ મુક્ત નિકાલ કરવા માટેનું ટ્રેઇલર, ટાંકી સાથેનું ટ્રેઇલર વગેરે.
સુરેન્દ્રપ્રતાપ શ્યામરથી શુક્લા
પ્રકાશ ભગવતી