ટ્રેકાઇટ : બહિસ્સ્ફુટિત અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. કણરચના ઉત્પત્તિસ્થિતિના સંજોગો મુજબ સૂક્ષ્મ સ્ફટિકમય/સૂક્ષ્મ દાણાદાર/ અર્ધસ્ફટિકમય. બહિસ્સ્ફુટિત લાવામાંથી બનેલો, આવશ્યકપણે આલ્કલી ફેલ્સ્પારયુક્ત, ગૌણ ખનિજોમાં બાયૉટાઇટ, હૉર્ન બ્લેન્ડ રીબેકાઇટ કે ઑગાઇટ એજીરીનના બંધારણવાળો તેમજ સોડિપ્લેજિયોક્લેઝ ઓછી માત્રામાં હોય એવો જ્વાળામુખીજન્ય, સબઍસિડિક અગ્નિકૃત ખડકપ્રકાર. તે 10 % કે તેથી ઓછા ક્વાર્ટ્ઝ પ્રમાણવાળા સંતૃપ્ત પ્રકારથી માંડીને ફેલ્સ્પેથોઇડધારક અસંતૃપ્ત પ્રકાર સુધીના ગાળાના બંધારણવાળો હોઈ શકે છે. સોડિ-પોટાસિક પ્રકારના સેનિડિન કે આલ્બાઇટ જેવું ફેલ્સ્પાર તેનો પ્રધાન ખનિજ ઘટક બની રહે છે. આ પ્રકારના ખડકોમાં કાચમય કણરચના ભાગ્યે જ જોવા મળે છે અથવા તો નથી હોતી. ટ્રેકાઇટ ખડકનું એક આગવું, વિશિષ્ટ લક્ષણ એ છે કે તેના લાવાપ્રવાહોના ઘનીભવન દરમિયાન ફેલ્સ્પાર ખનિજોની પટ્ટીઓનાં જૂથ સમાંતર ગોઠવાતાં જાય છે, અર્થાત્, ફેલ્સ્પારના સ્ફટિકો સમાંતર/લગભગ સમાંતર ગોઠવણી પામેલા હોય છે. આ પ્રકારની કણરચના ટ્રેકાઇટિક કણરચના કહેવાય છે. આ ખડકોમાં મહાસ્ફટિકો મળતા હોવા છતાં તેની કણરચના પોર્ફિરિટિક ગણાતી નથી.

વધુ પ્રમાણમાં નેફેલિનધારક અસંતૃપ્ત ટ્રેકાઇટને ફોનોલાઇટ તરીકે અને લ્યુસાઇટનું વધુ પ્રમાણ હોય તો લ્યુસિટોફાયર તરીકે ઓળખાવાય છે; તેમ છતાં તેમાં નોસિયન, સોડાલાઇટ, હોયેન (હોયનોફાયર) વગેરે પણ હોઈ શકે છે. આવા અસંતૃપ્ત ટ્રેકાઇટ પ્રકારોમાં સામાન્યપણે જોવા મળતું લોહમૅગ્નેશિયમ ખનિજઘટક એજીરીન ઓગાઇટ હોય છે, પરંતુ સોડિક ઍમ્ફિબોલ અને મેલેનાઇટ ગાર્નેટ કે ફ્લોગોપાઇટ અબરખ પણ મળે છે.

ટ્રેકાઇટ ખડકપ્રકારોનું બંધારણ તેને સમકક્ષ અંત:કૃત પ્રકાર સાયનાઇટને મળતું આવે છે :

સોડિક પરંતુ ફેલ્સ્પેથોઇડ ખનિજવિહીન ટ્રેકાઇટ માટે કીરેટોફાયર પર્યાય હવે ઓછો ઉપયોગમાં લેવાય છે અને ક્વાર્ટ્ઝ કીરેટોફાયરને સોડિક ર્હાયોલાઇટમાં અથવા કવાર્ટ્ઝ ટ્રેકાઇટમાં મુકાય છે; તેમાં લોહ-મૅગ્નેશિયમયુક્ત ખનિજનું પ્રમાણ લગભગ હોતું નથી. બાયૉટાઇટ ટ્રેકાઇટને ડોમાઇટ (ફ્રાન્સના Puy-de-Dome સ્થાનમાં ખડકપ્રાપ્તિને કારણે) કહે છે. અંતર્ભેદિત ખડક પ્રકારના સ્વરૂપે મળતા ફોનોલાઇટ માટે વપરાતું ટિંગ્વાઇટ નામ પણ હવે કાલગ્રસ્ત(obsolete) બન્યું છે. ટ્રેકીફોનોલાઇટ કે ફોનોલિટિક ટ્રેકાઇટ એવા પ્રકારો છે, જેમાં ફેલ્સ્પેથોઇડ ખનિજોનું પ્રમાણ અતિ અલ્પ માત્રામાં હોય.

ક્વાર્ટ્ઝના વધતા જતા પ્રમાણ સાથે ટ્રેકાઇટ, ર્હાયોલાઇટની કક્ષામાં ફેરવાઈ જાય છે. એ જ રીતે ફેલ્સ્પેથોઇડ અને ફેલ્સ્પાર ગુણોત્તરના વધવા સાથે તેમજ કૅલ્શિક પ્લેજિયોક્લેઝ વધવા સાથે ટ્રેકાઇટ આલ્કલી બેસાલ્ટમાં પરિવર્તિત થાય છે. ટ્રેકાઇટ અને ફોનોલાઇટ-લ્યુસિટોફાયર એ સાયનાઇટ અને ફેલ્સ્પેથોઇડ સાયનાઇટના સમકક્ષ જ્વાળામુખી-પ્રકારો છે. ઘેરા રંગવાળા ટ્રેકાઇટને અમુક લેમ્પ્રોફાયર્સના જ્વાળામુખીના સમકક્ષ પ્રકાર તરીકે ઘટાવી શકાય.

ગિરીશભાઈ પંડ્યા