ટ્રૂમૅન, હૅરી (જ. 8 મે 1884, લામાર, યુ.એસ.; અ. 26 ડિસેમ્બર 1972, કૅન્સાસ સિટી, યુ.એસ.) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના 33મા પ્રમુખ. 1945થી 1953 સુધી પદ પર. જ્હૉન ઍન્ડરસન અને માર્થા એલન ટ્રૂમૅનનાં ત્રણ સંતાનો પૈકીના સૌથી  મોટા પુત્ર. શરૂઆતનું શિક્ષણ ઇન્ડિપેન્ડન્સ (કૅન્સાસ) ખાતે, ર્દષ્ટિની ખામી, ઓછી ઊંચાઈ અને અનાકર્ષક દેખાવને કારણે તેમની પ્રકૃતિ  અંતર્મુખ બની. મુખ્યત્વે ઇતિહાસનાં પુસ્તકો વાંચવામાં  કિશોરાવસ્થા પસાર કરી. શરૂઆતમાં પિતાની આર્થિક મુશ્કેલીઓને કારણે તેઓ વ્યવસ્થિત કૉલેજશિક્ષણ મેળવી શક્યા નહિ, પરંતુ બાદમાં (1923થી 25) યુનિવર્સિટી ઑવ્ કૅન્સાસ સિટીમાંથી તેમણે કાયદાશાસ્ત્રની ઉપાધિ પ્રાપ્ત કરી. એક રેલવે કંપની અને બે બૅંકમાં થોડો સમય નોકરી કર્યા બાદ ટ્રૂમૅને પિતાનો કૃષિનો વ્યવસાય અપનાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ફ્રાંસમાં અમેરિકી લશ્કર વતી તોપખાનાના અધિકારી તરીકે સેવાઓ આપી (1917–18) ઘણા મહત્વના  જંગમાં ભાગ લીધો.

ટૉમસ પેન્ડગાસ્ટના નેતૃત્વ હેઠળ ચાલતા કૅન્સાસ સિટી પોલિટિકલ ઑર્ગેનાઇઝેશનના માધ્યમથી તે ડેમૉક્રૅટિક પાર્ટીના રાજકારણમાં રસ લેવા લાગ્યા. 1922માં જૅક્સન કન્ટ્રી કોર્ટના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા અને 1926માં આ જ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. નિષ્ઠા અને વહીવટી કુશળતાને કારણે તેમણે ઠીક ઠીક નામના મેળવી.

હૅરી ટ્રૂમૅન

1934માં ટ્રૂમૅન પ્રથમ વાર અમેરિકી સેનેટમાં ચૂંટાયા. સેનેટમાં તેમની પ્રથમ અવધિ દરમિયાન પ્રમુખ રૂઝવેલ્ટની ‘નવી આર્થિક નીતિ’(New Deal)નું તેમણે સમર્થન કર્યું. સેનેટની વિવિધ સમિતિઓમાં પણ તેમણે પોતાની જવાબદારીનું કુશળતાથી વહન કર્યું. આંતરરાજ્ય વ્યાપાર સમિતિના સભ્ય તરીકે તેમણે  સિવિલ ઍરોનૉટિક્સ ઍક્ટ અને ટ્રાન્સપૉર્ટ ઍક્ટની રચનામાં મહત્વનું યોગદાન કર્યું. સેનેટમાં તેમની બીજી અવધિ દરમિયાન તેમણે કરેલાં અન્વેષણો(investigations)ને કારણે તેમની રાજકીય કુનેહ ધ્યાન ખેંચી રહી. રૂઝવેલ્ટની વિદેશનીતિને પ્રબળ ટેકો આપીને તેમણે અમેરિકાને આંતરરાષ્ટ્રીય સંડોવણીથી દૂર રાખવા માગતાં નિ:સંગતાવાદી તત્વોની ટીકા કરી.

1944ની પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ઉપપ્રમુખપદના ઉમેદવાર બન્યા. સેનેટ સાથે સંકલન જાળવી શકે તેવા ઉપપ્રમુખની જરૂરિયાત ટ્રૂમૅને સંતોષી. 12 એપ્રિલ, 1945ના રૂઝવેલ્ટના મૃત્યુ બાદ પ્રમુખપદ સંભાળતા ટ્રૂમૅન પર આંતરિક અને બાહ્ય કપરા પ્રશ્નોનો પડકાર ઝીલવાની મોટી જવાબદારી આવી પડી. 1948ની ચૂંટણીઓમાં ટ્રૂમૅને લોકધારણાઓ અને વર્તમાનપત્રોની આગાહીઓ વિરુદ્ધ પ્રમુખપદ સાચવી રાખ્યું.

પ્રમુખ તરીકે ટ્રૂમૅને તેમના પુરોગામી રૂઝવેલ્ટે શરૂ કરેલી આંતરિક સુધારાની નીતિઓને વધુ વ્યાપક બનાવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કાળા  અમેરિકી સૈનિકો વિરુદ્ધ દર્શાવાતા રંગભેદ પરત્વે ધ્યાન ખેંચ્યું. 1946માં માનવઅધિકારો માટેની પ્રમુખીય સમિતિની નિમણૂક કરી રંગભેદની તીવ્રતા અને વ્યાપ ઓછાં થાય અને કાળા નાગરિકોને રોજગારીની  સમાન તક મળે તે હેતુસર ટ્રૂમૅને નક્કર પગલાં લીધાં. 1947માં તેમણે અમેરિકી જાસૂસી સંસ્થા સી.આઈ.એ.ની સ્થાપના કરી. ખેડૂતો અને કામદારોના ઉત્કર્ષ માટે અને ગરીબ વર્ગોને રહેઠાણ ઉપલબ્ધ કરાવવા માટે તેમણે પ્રગતિશીલ કાર્યક્રમો આપ્યા.

બીજા વિશ્વયુદ્ધ બાદ આકાર લેનાર આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં અમેરિકાને તેઓ સર્વોચ્ચ સ્થાન અપાવવા માગતા હતા. લશ્કરી નિર્બળતા અને જોડાણોથી દૂર રહેવાની ભૂતકાળની અમેરિકાની નીતિનું પુનરાવર્તન ન થાય તે ટ્રૂમૅનને જરૂરી લાગ્યું. તેથી તેમણે અમેરિકી સૈન્યબળ અને સંરક્ષણ બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો.

બીજા વિશ્વયુદ્ધના અંત પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ(United Nations)ની  રચનામાં તેમણે નિર્ણાયક ભાગ ભજવ્યો. જાપાન પર ઍટમ-બૉમ્બ નાખવાની તેમના વહીવટની કાર્યવહીની ઘણી ટીકા થઈ. ‘ટ્રૂમૅન સિદ્ધાંત’ના અમલીકરણથી શરૂ થયેલા શીત યુદ્ધના આરંભના તબક્કામાં તેમણે સોવિયેત સંઘ અને પૂર્વ યુરોપમાં તેના વિસ્તારવાદ વિરુદ્ધ ઘણું લડાયક વલણ અપનાવ્યું. પશ્ચિમ અને દક્ષિણ યુરોપમાં અમેરિકાના પ્રભાવક્ષેત્રના વિસ્તાર, 17 અબજ ડૉલરની ‘માર્શલ યોજના’નો અમલ, યુરોપીય આર્થિક સહકાર સંગઠનની સ્થાપના અને યુરોપમાં અમેરિકી સૈન્યની શક્તિમાં થયેલા વધારાને  કારણે 1949 બાદ રશિયા અને સામ્યવાદની આગેકૂચમાં રુકાવટ આવી. જોકે ચીનમાં સામ્યવાદ પર નિયંત્રણ મેળવી ચ્યાંગ કાંઈ–શેકની સત્તા બનાવી રાખવામાં ટ્રૂમૅન સફળ ન થયા.

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના આંતરયુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની ઔપચારિક સંમતિ મેળવ્યા બાદ ટ્રૂમૅન સરકારે દક્ષિણ કોરિયાની તરફેણમાં લશ્કરી દરમિયાનગીરી કરી. કોરિયામાં પ્રારંભિક સફળતા બાદ દૂર પૂર્વ(Far East)ના અમેરિકી લશ્કરના સર્વોચ્ચ વડા જનરલ ડગ્લાસ મૅકઆર્થરે ટ્રૂમૅનની નીતિ સામ્યવાદના નિયંત્રણને બદલે તેની નાબૂદીની હોવી જોઈએ એવું સૂચવી દક્ષિણ કોરિયામાં ચીન પર સીધા હુમલાની પ્રબળ હિમાયત કરી; પરંતુ આમ કરવાથી અમેરિકી લશ્કર એશિયામાં જ રોકાઈ રહેશે અને યુરોપમાંથી રશિયાને ખાળી નહિ શકાય તેવું ટ્રૂમૅનને લાગતાં તેમણે આ સૂચન નકારી કાઢ્યું અને મૅકઆર્થરને પદ પરથી દૂર કર્યા.

ટ્રૂમૅન અને મૅકઆર્થર વચ્ચેના આ વિવાદની ટ્રૂમૅનની જાહેર પ્રતિષ્ઠા પર ઘણી પ્રતિકૂળ અસર થઈ અને વિદેશનીતિમાં તેમણે મેળવેલી સિદ્ધિઓ ઢંકાઈ ગઈ. તેમના વહીવટ સામે પક્ષની અંદર અને બહાર વધતા અસંતોષને બળ મળ્યું. સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ફુગાવો અને આલોચકો માટે ઘણી કઠોર ભાષા વાપરવાની ટ્રૂમૅનની વૃત્તિને કારણે તેમની લોકપ્રિયતા સતત ઘટતી ગઈ. ફરી વાર ચૂંટણી ન લડવાનો તેમણે નિર્ણય લીધો. 1953માં ટ્રૂમૅને અને તેમની ડેમૉક્રૅટિક પાર્ટીએ સત્તા આઇઝેનહોવરને સોંપી.

ટ્રૂમૅને અમેરિકી વિદેશનીતિને  નિશ્ચિત દિશા આપી તથા તેનું સફળ સંચાલન કરીને અમેરિકાને આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં તેનું વાજબી સ્થાન અપાવ્યું. માનવઅધિકારો અને સમાનતા સ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસોથી આ આદર્શોને અમેરિકાના જાહેર જીવનમાં વજન મળ્યું. ટ્રૂમૅનના કાર્યકાળ દરમિયાન કૉંગ્રેસ પર પ્રમુખના આધિપત્ય અને મજબૂત પ્રમુખની પ્રણાલિકા વધુ વેગવાન બની.

નિવૃત્તિ બાદ ટ્રૂમૅને પોતાના વતન પાછા ફરીને તેમણે ‘નૅશનલ આર્કાઇવ્ઝના ભાગરૂપ એવા ટ્રૂમૅન લાઇબ્રેરી તરીકે જાણીતા’ એક સમૃદ્ધ ગ્રંથાલયની 1957માં સ્થાપના  પણ કરી. પોતાનાં સંસ્મરણોના ત્રણ ગ્રંથો ‘ઇયર ઑવ્ ડીસિશન્સ’ (1955); ‘ઇયર્સ ઑવ્ ટ્રાયલ ઍન્ડ હોપ’ (1956) અને ‘મિ. સિટીઝન’ (1960) પ્રગટ કર્યા હતા.

અમિત ધોળકિયા