ટ્રૅજેડી : બહુધા પરાક્રમી પાત્રોના જીવનના શોકપ્રધાન તથા ભયવાહી પ્રસંગો ગંભીર તથા ઉદાત્ત શૈલીમાં આલેખતું ગ્રીક નાટ્યસ્વરૂપ. ગ્રીક શબ્દ tragos (goat) અને acidein (to sing) પરથી બનેલા tragoidia (goat song) પરથી ‘ટ્રૅજેડી’ શબ્દ ઊતરી આવ્યો છે; શાબ્દિક અર્થ થાય અજ-ગીત. ટ્રૅજેડીનો સૌપ્રથમ શબ્દપ્રયોગ ગ્રીકોએ ઈ. સ. પૂ. 5માં કર્યો. આ શબ્દ તથા બકરા જેવા પ્રાણીના સહસંબંધ વિશે કેટલાંક અનુમાનો થયાં છે. ફળદ્રૂપતા તથા ધાન્યસૃષ્ટિના આરાધ્યદેવ ડાઇનિસસના માનમાં ઊજવાતા ઉત્સવ પ્રસંગે એ દેવને પ્રિય પ્રાણી બકરાનો વધ કરાતો. વળી આ પ્રસંગે કોરસ બકરાના કે અર્ધમાનવ અર્ધ-અજ(satyr)ના સ્વાંગમાં નૃત્ય રજૂ કરતું. પ્રારંભિક નાટ્યસ્પર્ધામાં વિજયી નાટ્યલેખકને ઇનામ રૂપે બકરું અપાતું અથવા નાટ્યભજવણીમાં બકરાના ચામડાની વેશભૂષા સજવામાં આવતી એવો પણ ઉલ્લેખ છે.
દેખીતી રીતે જ ગ્રીક પ્રજાનો આ લોકોત્સવ ધાર્મિક ક્રિયાકાંડ રૂપે જ ઊજવાતો અને આ ઉજવણીમાં સદીઓ સુધી કોરસ-નૃત્ય પ્રધાનતત્વ બની રહ્યું. આ ક્રિયાકાંડમાં બહુધા ધર્મગુરુનો પાઠ અદા કરવા એક પાત્ર ઉમેરાયું હશે; તેના પરિણામે એ પાત્ર અને નૃત્યકારો એટલે કે કોરસ વચ્ચે સંવાદનું તત્વ અને કાળક્રમે કથાતત્વ પણ ઉમેરાયું. એમ મનાય છે કે એકિલસે આ સંવાદતત્વની નાટ્યમયતા પારખીને સર્વપ્રથમ બીજા એક કથક પાત્રને દાખલ કર્યું અને આમ ટ્રૅજેડીનું નાટ્યસ્વરૂપ પહેલવહેલું પ્રયોજવાનો યશ એકિલસને નામે નોંધાય છે.
આ પ્રકારનાં ટ્રૅજેડી નાટકો ભજવવા માટે સ્થાનિક સરકારી કે વહીવટી તંત્ર તરફથી આયોજન ગોઠવાતું અને સમગ્ર સમુદાય તેમાં ઊમટી પડતો. નાની રકમની પ્રવેશ-ફી જેમને પરવડે તેમ ન હોય તેમને રાજ્ય તરફથી રકમ અપાતી. ટ્રૅજેડીમાં દંતકથાઓ, પુરાણકથાઓ તથા ઇતિહાસમાં પ્રતાપી પાત્રોની કથા વણી લેવાતી એટલે ગ્રીક પ્રજાસમુદાયને આ વિષયસામગ્રી સુપરિચિત, સુગમ અને આસ્વાદ્ય લાગતી.
ઈ. સ. પૂ.ની પાંચમી સદીની ટ્રૅજેડીનાં લક્ષણો તારવીને ઍરિસ્ટોટલે ‘પોએટિક્સ’(ઈ. સ. પૂ. ચોથી સદી)માં ચર્ચા કરી છે.
પોએટિક્સ : ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલે ટ્રૅજેડીની વ્યાખ્યા આ રીતે આપી છે : ટ્રૅજેડી વિચારપ્રેરક (serious), પરિપૂર્ણ (complete) અને અમુક પ્રમાણમાં ગૌરવશીલ (magnitude) હોય તેવા કાર્યતત્વ(action)નું અનુકરણ છે અને તે દરેક પ્રકારની કલાત્મક આલંકારિકતાવાળી ભાષામાં વૃત્તાંત (narration) રૂપે નહિ પણ કાર્ય (action) રૂપે તથા દયા (pity) અને ભીતિ (fear) જન્માવે તેવા પ્રસંગો વડે આલેખાવું જોઈએ, જેથી ક્ષુબ્ધ લાગણીનું વિશોધન કે વિરેચન (catharsis) થાય. આ વ્યાખ્યા પ્રમાણે તેમાં છ ઘટકો આવશ્યક છે તે વસ્તુ (plot), પાત્ર, શૈલી (diction), વિચારગાંભીર્ય (thought), ર્દશ્યાત્મકતા (spectacle) અને માધુર્ય (melody).
આ સૌમાં ઍરિસ્ટોટલે વસ્તુ કે કાર્યતત્વને એટલે કે પ્રસંગોના માળખાને ટ્રૅજેડીનું પ્રાણતત્વ લેખ્યું છે; કાર્યતત્વ વગર ટ્રૅજેડીનું પ્રાણતત્વ સંભવે નહિ. એમાંથી જ કાર્યતત્વની એકતા(unity of action)નો આગ્રહ જન્મ્યો છે. ટ્રૅજેડીનું કાર્યતત્વ સામાન્ય રીતે એક દિવસ પૂરતું સીમિત રહેવું જોઈએ એવો ‘પોએટિક્સ’માં આગ્રહ રખાયો છે. પાછળથી ઇટાલિયન રિનેસન્સ દરમિયાન, ઍરિસ્ટોટલના કાર્યતત્વની એકતા પરથી, સમયલક્ષી એકતા (unity of time) તથા સ્થળલક્ષી એકતા(unity of place)નો ખ્યાલ તારવી સૌપ્રથમ કૅસલવેટ્રોએ 1570માં ત્રિવિધ એકતાનો નાટ્યસિદ્ધાંત પ્રચલિત કર્યો.
ટ્રૅજેડીનો નાયક સદગુણી, ચારિત્ર્યશીલ, વાસ્ત્તવલક્ષી અને સુસંગત વર્તનવાળો હોવો જોઈએ. તેના પ્રારબ્ધનો પલટો ચડતીથી પડતી તરફનો હોવો જોઈએ અને તે માટે નાયકનો કોઈ સ્વભાવદોષ (flaw) કે નિર્ણયચૂક કારણભૂત ઠરે. નાયકમાં સ્વભાવદોષ ન હોય તો તેણે વેઠવી પડતી આપત્તિ અને વેદના સમૂળગી એકપક્ષી બની પ્રેક્ષકને જીવન વિશે હતોત્સાહ કરી નાખે અને માનવીય સ્વત્વ વિશેનાં તેનાં શ્રદ્ધા અને વિશ્વાસ હચમચી ઊઠે. ઍરિસ્ટોટલે તેમાં દયા ને ભીતિના વિશોધન દ્વારા ચિત્તશુદ્ધિ થાય એવો આગ્રહ રાખ્યો તે આ કારણે.
ગ્રીક ટ્રૅજેડીમાં કૉમેડીનો પૂરેપૂરો અભાવ હતો; પરંતુ ગ્રીક ટ્રૅજેડીકારોએ કંઈક જુદી રીતે કૉમેડી-પ્રયોગ કર્યો છે ખરો. ઍથેન્સની તત્કાલીન નાટ્યસ્પર્ધામાં ચાર નાટકોનો કૃતિબંધ (tetralogy) રજૂ કરવાનો રહેતો. એટલે ગ્રીક ટ્રૅજેડીકાર ત્રણ ટ્રૅજેડી અને એક સૅટર-પ્લે રજૂ કરતા. આ ચોથી કૃતિ એક પ્રકારની હાસ્યજનક વિડંબના (burlesque) રૂપે રજૂ થતી. ટ્રૅજેડીની દયા તથા ભીતિ દ્વારા થતા ચિત્તક્ષોભ પછી પ્રેક્ષકોને આ હાસ્યાસ્વાદ ખૂબ જચતો.
ગ્રીક ટ્રેજેડીનો સર્વોત્તમ ઉન્મેષ જોવા મળ્યો ગ્રીસની સમર્થ સર્જક-ત્રિપુટી એકિલસ (ઈ. સ. પૂ. 525–456), સૉફક્લીઝ (ઈ. સ. પૂ. 496–406) તથા યુરિપિડીઝ(ઈ. સ. પૂ. 480–406)માં. એકિલસે આશરે 90 નાટકો લખ્યાં હતાં. પણ તેમાંથી જે 7 બચવા પામ્યાં છે તે આ – ‘સપ્લાયન્ટસ’, ‘પર્શિયન્સ’, ‘સેવન અગેન્સ્ટ થીબ્ઝ’, ‘પ્રોમિથિયસ બાઉન્ડ’ તથા ઑરિસ્ટ્રિયન નાટ્યત્રયી, જેમાં ‘ઍગમેમનન’નો સમાવેશ થાય છે. એકિલસનાં નાટકો માનવચિત્તનાં ઊંડાં અન્વેષક લેખાય છે. આ મહાન ટ્રૅજેડીકારે ટ્રૅજેડીનો પ્રધાન સૂર નિશ્ચિત કરી આપવા ઉપરાંત એ નાટ્યરૂપનો એક એવો આદર્શ સ્થાપ્યો જે આજે 25 સદી પછી પણ પ્રભાવક રહ્યો છે. વીસમી સદીમાં પણ તેમની ‘ઑરેસ્ટ્રિયા’ સૌથી મહાન બૌદ્ધિકતાલક્ષી કૃતિ લેખાઈ છે. એની સામગ્રીમાંથી જ ટી.એસ. એલિયેટે ‘ધ ફૅમિલી રીયુનિયન’ (1939) તથા ઝ્યાં પૉલ સાર્ત્રે ‘ધ ફ્લાઇઝ’(1943)માં સાંપ્રત પ્રસ્તુતતા તારવી છે.
સૉફક્લીઝની મહાનતા છે અણીશુદ્ધ કલાકાર તરીકેની. તેમનો લેખનકાળ લગભગ આખી પાંચમી સદી પર્યંત પથરાયેલો રહ્યો. તેમનું છેલ્લું નાટક ‘ઇડિપસ ઍટ કૉલોનસ’ તેમણે 90 વર્ષની વયે લખ્યું હોવાનું ગણાય છે. તેમણે લખેલાં મનાતાં 125 નાટકોમાંથી કેવળ 7 ટ્રૅજેડી બચવા પામી છે. તેમના સમયમાં યોજાતી ટ્રૅજેડી નાટકોની સ્પર્ધામાં તેમને 20 વખત પારિતોષિક મળ્યાં હતાં અને તેમાં તેમણે ક્યારેય બીજા ક્રમથી ઊતરતું પારિતોષિક મેળવ્યું ન હતું.
તેમનું સૌથી મહાન નાટક ‘ઇડિપસ ધ કિંગ’ તેમની સમગ્ર નાટ્યસિદ્ધિના નમૂનારૂપ છે. એમાં ટ્રૅજેડીને લગતા તમામ પાયાના પ્રશ્નો એવી અસામાન્ય નાટ્યકુનેહથી ગૂંથી લેવાયા છે કે જાણે એ કૃતિમાં ટ્રૅજેડીના સ્વરૂપની વ્યાખ્યા આપવાની ન હોય ! એક સદી પછી ઍરિસ્ટોટલે ‘પૉએટિક્સ’માં ટ્રૅજેડીની વ્યાખ્યા બાંધતી વખતે ‘ઇડિપસ’નું જ વિગતે વિશ્લેષણ કર્યું છે. વાસ્તવમાં આ એક સીમાસ્તંભરૂપ ગ્રીક ટ્રૅજેડી છે અને તેનાથી એ નાટ્યસ્વરૂપનો નમૂનો પ્રસ્થાપિત થાય છે.
તેમની અન્ય કૃતિઓ તે ‘ઍન્ટિગૉન’, ‘ઇલેક્ટ્રા’, ‘ઍજેક્સ’, ‘ટ્રેકિની’, ‘ફિલોક્ટેટિસ’ અને ‘ઇડિપસ ઍટ કૉલોનસ’.
યુરિપિડીઝનો નાટ્યફાલ પણ ઓછો નથી. તેમણે લખેલી મનાતી 80 કે 90 ટ્રૅજેડી પૈકી 18 કૃતિઓ બચી જવા પામી છે તેમાં ‘એલ્કેસ્ટિમ’, ‘મીડિયા’, ‘હિપોલિટસ’, ‘ટ્રોજન વિમેન’, ‘ઑરેસ્ટસ’, ‘બૅક્સ’, ‘ઍન્ડ્રોમેકી’, ‘ઇલેક્ટ્રા’ જેવી રચનાઓ મુખ્ય છે.
ઈ. સ. પૂ. 400 સુધીમાં ગ્રીક ટ્રૅજેડીનું સત્વ ખૂટી ગયું જણાય છે; પરંતુ આશરે સોએક વર્ષના ગાળા દરમિયાન જે ટ્રૅજેડી રચનાઓ લખાઈ તે અવશ્ય અનન્ય રહી છે.
રોમન ટ્રૅજેડી : રોમન ટ્રૅજેડીમાં સેનેકાની કૃતિઓ સિવાય પ્રમાણમાં કોઈ નોંધપાત્ર રચના જોવા મળતી નથી. સેનેકા(ઈ. સ. પૂ. 4–ઈ. સ. 65)એ 9 ટ્રૅજેડી લખી છે અને તેમણે ગ્રીક ટ્રૅજેડીની સામગ્રી જ અપનાવી છે પરંતુ તેમની કૃતિઓમાં ગ્રીક ટ્રૅજેડી જેવી પાત્ર તથા ઘટના પરત્વેની કર્તાની સંવેદનશીલતાની ઊણપ અનુભવાય છે. તેમની શૈલીમાં લાગણીનો ઉદ્રેક, સનસનાટી, આડંબરી વાક્છટા તથા આલંકારિકતાનો પ્રભાવ હોવાથી તેમની ટ્રૅજેડી મનને ક્ષુબ્ધ કરતો મેલોડ્રામા બને છે. સેનેકાની કૃતિઓનું ઐતિહાસિક મહત્વ હોય તો તે એ કે ઇંગ્લૅન્ડમાં એલિઝાબૅથન યુગની ટ્રૅજેડી ક્લાસિકલ ગ્રીક ટ્રૅજેડીથી તદ્દન ઊલટા પ્રકારની આ સેનેકાની ટ્રૅજેડીનો આદર્શ સ્વીકારીને પાંગરી.
સેનેકા પછી ખાસ્સાં લગભગ દોઢેક હજાર વર્ષો સુધી કોઈ પણ દેશમાં કોઈ પ્રકારની ટ્રૅજેડીરચના જોવા મળતી નથી. બિઝૅન્ટાઇન સંસ્કૃતિનાં 1000 વર્ષ દરમિયાન એકેય નાટક લખાયું નહિ એ હકીકત ખરેખર વિસ્મયકારક છે. કદાચ બિઝૅન્ટાઇન ગ્રીકોની નાટ્યરુચિ દેવળનાં ક્રિયાકાંડ તથા ઉપાસનાવિધિ નિમિત્તે સંતોષાતી રહી એટલું અનુમાન થઈ શકે.
રોમન ટ્રૅજેડીમાં એટલે કે સેનેકાની શૈલીમાં ગ્રીક ટ્રૅજેડીનાં ગાંભીર્ય, ગરિમા અને સત્વશીલતા જળવાયાં નહિ કે કોઈ નવો પ્રાણસંચાર તેમાં પ્રગટી શક્યો નહિ એટલે ટ્રૅજેડી સ્વરૂપના સાતત્ય માટે છેક ઇંગ્લિશ ટ્રૅજેડી સુધી રાહ જોવી પડે છે. આમ, ટ્રૅજેડી સાહિત્યના ઇતિહાસમાં ગ્રીક ટ્રૅજેડી તથા ઍલિઝાબેથન ટ્રૅજેડીના બે યશસ્વી યુગ વચ્ચે અનેક સદીઓનો કાળખંડ પથરાયેલો જણાય છે.
મધ્યયુગીન સાહિત્યમાં ક્લાસિકલ નાટક કે ઍરિસ્ટોટલના સિદ્ધાંતો વિશે લેશ પણ જાણકારી ન હતી. એક રીતે જોવા જઈએ તો એક મહાન સનાતન ટ્રૅજેડી ‘પૅશન ઍન્ડ ડેથ ઑવ્ ક્રાઇસ્ટ’ તો વાસ્તવ જીવનમાં જ ભજવાઈ ચૂકી હતી. ક્રાઇસ્ટના જીવન પર આધારિત ધર્મબોધક ‘મિસ્ટરી પ્લે’માંથી ધર્મનિરપેક્ષ એટલે કે સંસારજીવનના નાટકનો ઉદભવ થયો. એ રીતે એલિઝાબેથન યુગમાં ટ્રૅજેડીનો આવિષ્કાર થયો એની સાથે સેનેકાની શૈલીમાંથી પાંચ અંકના બાહ્યાકારનો તથા આડંબરી શૈલીનો નમૂનો મળી રહ્યો.
એલિઝાબેથન યુગની ઇંગ્લિશ ટ્રૅજેડી : આનું સૌથી પહેલવહેલું અને મહત્વનું ર્દષ્ટાંત તે ટૉમસ સૅકવિલ તથા ટૉમસ નૉર્ટને લખેલી નાટ્યરચના ‘ગૉરબોડક’ (1561). બહુધા તે એલિઝાબેથન યુગની સર્વપ્રથમ ટ્રૅજેડી લેખાય છે. રાજ્યના વ્યવસ્થિત વહીવટ વિશે તે એક પ્રકારનું નીતિબોધક નાટક (morality play) પણ લેખાય છે.
સેનેકાના નમૂના પરથી લગભગ બે પ્રકારની ટ્રૅજેડીનો જન્મ થયો એમ ગણાય છે. એક પ્રકાર તે ક્લાસિકલ સિદ્ધાંતોને ચુસ્ત રીતે અનુસરીને લખાયેલ એકૅડેમિક નાટક, તેમાં ગ્રીક તથા રોમન શૈલીમાં જોવા મળતા કોરસનો પણ ઘણી વાર ઉપયોગ થતો. બીજો વિશેષ મહત્ત્વનો પ્રકાર તે ‘રિવેન્જ ટ્રૅજેડી’. આ પ્રકારનું મહત્વનું ઉદાહરણ તે ટૉમસ કીડે લખેલી ‘સ્પૅનિશ ટ્રૅજેડી’ (આ. 1586). માર્લોનું ‘જ્યૂ ઑવ્ માલ્ટા’ (આ. 1592) તેમજ શેક્સપિયરનાં ‘ટિટસ ઍન્ડ્રોનિક્સ’ (1594) અને ‘હૅમ્લેટ’ (આ. 1603–04) આ પરંપરા અને શૈલીમાં લખાયાં છે. આ પ્રકારમાં બીજી અનેક કૃતિઓનો ઉલ્લેખ થઈ શકે.
સોળમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ 1640 સુધી આંગ્લ નાટ્યકારોએ ક્લાસિકલ પરંપરા તથા નિયમો તરફ ઓછું લક્ષ આપ્યું અને પોતપોતાની વ્યક્તિગત જરૂરત મુજબ ટ્રૅજેડીના નાટ્યક્રમમાં ફેરફાર કરી લીધો. એ ફેરફારનું મુખ્ય લક્ષણ તે પદ્યની સાથે ગદ્યનો પ્રયોગ અને ટ્રૅજિક નાટ્યવસ્તુમાં કૉમિક પાત્રો–પ્રસંગોનો ઉપયોગ. હકીકતમાં આ સમયગાળામાં લખાયેલી સંખ્યાબંધ ટ્રૅજેડીમાં સ્વરૂપ તથા નાટ્યબંધ વિશે ગણનાપાત્ર ફેરફારો જોવા મળે છે. કેટલીક ઉલ્લેખનીય ટ્રૅજેડીઓનો આ પ્રમાણે સાલવાર ઉલ્લેખ કરી શકાય : માર્લોનું ‘મૉરાલિટી’ની પ્રથાનો વિનિયોગ કરીને લખાયેલ ‘ડૉ. ફૉસ્ટસ’ (આ. 1588); ‘ડૉમેસ્ટિક’ ટ્રૅજેડીનો સૌથી પ્રારંભિક નમૂનો ગણાતી અનામી લેખકની રચના ‘આર્ડન ઑવ્ ફૅવરશૅમ’ (આ. 1592); શેક્સપિયરની કેટલીક મુખ્ય નાટ્યરચનાઓ ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ (આ. 1595), ‘ઑથેલો’ (1604), ‘કિંગ લિયર’ (1606), ‘મૅકબેથ’ (આ. 1606), ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’ (આ. 1606–7) તથા ‘કૉરિયોલેનસ’ (આ. 1608); જ્યોર્જ પીલ રચિત ‘ડેવિડ ઍન્ડ બેથસાબ’ (1599); ટૉમસ હેવુડની ‘અ વૂમન કિલ્ડ વિથ કાઇન્ડનેસ’ (1603); બેન જૉન્સનની ક્લાસિકલ આદર્શ પર રચાયેલી ટ્રૅજેડી રચના ‘સેનીનસ’ (1603) અને ‘કૅટિલીન’ (1611); વેબસ્ટરની રચનાઓ ‘ધ વાઇટ ડેવિલ’ (આ. 1608), ‘ઍપિયસ ઍન્ડ બર્જિનિયા’ (આ. 1609) અને ‘ધ ડચેસ ઑવ્ માલ્ફી’ (આ. 1613–14), બ્યૂમાટ અને ફ્લેચર રચિત ‘ધ મેડ’ઝ ટ્રૅજેડી’ અને એ જ લેખકજોડીએ લખેલી સંખ્યાબંધ કૃતિઓ; મૅસિંજરકૃત ‘ધ રોમન ઍક્ટર’ (1626) તેમજ જૉન ફૉર્ડકૃત ‘ધ બ્રોકન હાર્ટ’ (1633) તથા ‘‘ઇટ’સ પિટી શી’ઝ અ હોર’’ (1633).
સ્પૅનિશ ટ્રૅજેડી : લગભગ આ જ અરસામાં સોળમી સદીના ઉત્તરાર્ધમાં ટ્રૅજેડીનો સ્પેનમાં પણ પ્રાદુર્ભાવ થયો. એમાં અગ્રણી ટ્રૅજેડી-લેખકો હતા લોપ દ વેગા (1526–1635), મોલિન (1571–1648) તથા કૅલ્ડ્રોન (1600–1681).
ફ્રેન્ચ ટ્રૅજેડી : ઇંગ્લૅન્ડ અને સ્પેનમાં ટ્રૅજેડીનું મહત્વ ઓછું થવા લાગ્યું એ જ અરસામાં આ નાટ્યસ્વરૂપ ફ્રાન્સમાં વિકસવા માંડ્યું. તેના સમર્થ પુરસ્કર્તા હતા કૉર્નીલ અને રૅસિન. તેમની ટ્રૅજેડીરચનાઓ પરંપરાગત ‘હિરોઇક’ શૈલીમાં લખાયેલી છે; એટલે કે આ બંને નામી સર્જકોએ ક્લાસિકલ નાટ્યબંધ પ્રમાણે જ ટ્રૅજેડીનું સ્વરૂપ અપનાવ્યું.
સત્તરમી સદી : સત્તરમી સદીના ઉત્તરાર્ધનાં થોડાં વર્ષો દરમિયાન ઇંગ્લૅન્ડમાં ટ્રૅજેડીનો પુન:સંચાર થાય છે. આ ગાળામાં મુખ્યત્વે ‘હિરોઇક’ શૈલીમાં લખાયેલી કૃતિઓમાં ડ્રાયડનની ‘ઑલ ફૉર લવ’ (1678) તથા મિલ્ટનની ‘સૅમ્સન ઍગોનિસ્ટસ’ (1671), ટૉમસ ઑટવેની ‘વેનિસ પ્રિઝર્વ્ડ’ (1682) તથા ટૉમસ સધર્નની ‘ધ ફેટલ મૅરેજ’ મુખ્ય છે.
1700 પછી ગણનાપાત્ર ટ્રૅજેડીઓ ભાગ્યે જ લખાઈ છે. ટ્રૅજેડીની નિમ્ન કક્ષા તથા પદ્યનાટકની પડતી – એ બે ઘટના વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોવાનો સંભવ છે. અઢારમી સદીમાં નાટ્યલેખકો કૌટુંબિક જીવન વિશે કે મધ્યમવર્ગી સંસાર વિશે ટ્રૅજેડી લખવા તરફ વળ્યા અને ગદ્ય તેમજ પદ્યનો પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ પદ્યનાટકને ભાગ્યે જ સફળતા સાંપડી. ઓગણીસમી સદીના નાટ્યલેખકો માટે પણ આમ જ બન્યું. નાટ્યગત ગદ્ય બહુધા અર્થસાધક બની રહેતું પણ પદ્યનો નાટ્યપ્રયોગ ઇંગ્લૅન્ડના એલિઝાબેથન કે જેકોબિયન બ્લૅન્ક વર્સની મથામણપૂર્વક ‘પૅરડી’ કે ઇરાદાપૂર્વકના અનુકરણ જેવો બની રહેતો. જેમ્સ શેરિડન નૉલ્સ (1784–1862) જેવા પ્રતિભાસંપન્ન નાટ્યકારમાં તેમજ કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ અને સ્વિનબર્ન જેવા નામી કવિઓનાં નાટકોમાં આ દોષો તરી આવે છે.
અલબત્ત, અઢારમી તથા ઓગણીસમી સદી દરમિયાન યુરોપભરમાં સંખ્યાબંધ નાટ્યકારો ટ્રૅજેડીની ફૉર્મ્યુલા વિશે પ્રયોગો કરતા રહ્યા. એમાં ઓછીવત્તી સિદ્ધિ અને સફળતા મેળવનારા લેખકોમાં નિકૉલેસ રૉ, લિલો, ઍડિસન, કૅટો, જૉન્સન (‘ઇરિન’, 1794), એડવર્ડ મૂર, લેસિંગ, અલફિયરી, સિલર, ક્લીસ્ત, શેલી (‘સેન્સી’ લખાયું 1818 પણ સૌપ્રથમ ભજવાયું 1886), વિક્ટર હ્યૂગો તથા બુચનર ઉલ્લેખનીય છે.
ઓગણીસમી સદીના અંતભાગમાં સ્કૅન્ડિનેવિયાના બે નાટ્યકારોએ ટ્રૅજેડીના સ્વરૂપ તેમજ વિષયવસ્તુ વિશે તદ્દન વણકલ્પી ક્રાંતિ સર્જી. તેમની કૃતિઓમાં જે ટ્રૅજેડી હતી તે રોગગ્રસ્તતાની, માનસિક ધૂનીપણાની, ગાંડપણ અને ઉન્માદની તેમજ વધતેઓછે અંશે રોગિષ્ઠ મનોવલણ તથા લાગણીતંત્રની. તેમના ટ્રૅજિક ર્દષ્ટિકોણમાં નજરે પડતો સમાજ માનસિક રીતે અને આધ્યાત્મિક બાબતમાં ભ્રષ્ટ તથા અવનત થયેલો રોગી પ્રકૃતિનો માનવસમૂહ જણાય છે. તેમની કૃતિઓમાં તેમણે છતી કરેલી આવી બધી હકીકતો ભાગ્યે જ કોઈને જચે કે સહજસ્વીકાર્ય બની રહે. પરંતુ એટલું તો ચોક્કસ કે તેમની ટ્રૅજિક રચનાઓ આ અગાઉ લખાયેલી તમામ ટ્રૅજેડી કરતાં તદ્દન ભિન્ન સ્વરૂપની હતી તેમજ ક્લાસિકલ અને ઍરિસ્ટોટલના સિદ્ધાંતો સાથે ખાસ્સો ભેદ ધરાવતી હતી. ટ્રેજિક ર્દષ્ટિકોણથી લખાયેલી તેમની મુખ્ય કૃતિઓમાં સ્ટ્રિનબર્ગની ‘ધ ફાધર’ (1887) તથા ‘મિસ જૂલી’ (1889) તેમજ ઇબ્સનની ‘અ ડૉલ્સ હાઉસ’ (1879), ‘બ્રાન્ડ’ (1885), ‘હેડા ગેબ્લર’ (1891) તથા ‘જૉન ગ્રૅબિયલ બર્કમૅન’ (1879) ખૂબ ખ્યાતિ પામી છે.
ત્યાર પછી સંખ્યાબંધ નાટ્યકારોએ ટ્રૅજેડીના વિવિધ પ્રકારો, અથવા કહો કે ટ્રૅજિક સૂર, ભાવાર્થ અને ઉદ્દેશ ધરાવતાં વિવિધ પ્રકારનાં ગંભીર નાટકોની અનેક રીતે અજમાયશ કરી છે. ગણનાપાત્ર નાટ્યકારો અને કૃતિઓમાં સિંજની ‘રાઇડર્સ ટુ ધ સી’ (1904) અને ‘ડીર ડ્રે ઑવ્ ધ સૉરોઝ’ (1910), ગ્રેનવિલ બાર્કરની ‘વૅસ્ટ’ (1907), યુજિન ઓ ’નીલની ‘એમ્પરર જોન્સ’ (1920) અને ‘ઑલ ગૉડ્ઝ ચિલન’ (1924), ઓ કેઝીની ‘જૂનો ઍન્ડ ધ પેકૉક’ (1924), લૉર્કાની ‘બ્લડ બેડિંગ’ (1933), ‘યેરમા’ (1934) અને ‘ધ હાઉસ ઑવ્ બરનાર્ડા આલ્બા’ (1945), ટી.એસ એલિયટની ‘મર્ડર ઇન ધ કેથીડ્રલ’ (1935), મૅક્સવેલ ઍન્ડરસનની ‘વિન્ટરસેટ’ (1935), ક્લિફૉર્ડ ઓડેટની ‘ગોલ્ડન બૉય’ (1937), ઍનૂઈની ‘ઍન્ટિગોન’ (1944), ટેનેસી વિલિયમની ‘ઍ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ (1947), આર્થર મિલરની ‘ડેથ ઑવ્ અ સેલ્સમૅન’ (1948) અને ‘ઍ વ્યૂ ફ્રૉમ ધ બ્રિજ’ (1955), જૉન આર્ડનની ‘સાર્જન્ટ મસગ્રેવ્ઝ ડાન્સ’ (1959) તથા જૉન મૅક ગ્રેથની ‘ઇવેન્ટ્સ વાઇલ ગાર્ડિંગ ધ બૉફોર્સ ગન’ (1960) ઉલ્લેખનીય છે.
ટ્રૅજેડીને પણ બીજાં ક્લાસ્વરૂપોની જેમ માનવચિત્તની અભિવ્યક્તિ તથા પ્રતિછબી તરીકે તેમજ સમગ્ર માનવજાતિ વિશેના માનવના પોતાના ખ્યાલો અને કોઈ પણ સમાજમાં તેનાં સ્થાન તથા ભૂમિકા અંગેના ર્દષ્ટિબિંદુ તરીકે લેખવામાં આવે તો ટ્રૅજેડીની વિભાવના સોળમી સદી કરતાં ઘણી બદલાઈ ગઈ છે. ટ્રૅજેડી કે ટ્રૅજેડીને મળતી આવતી રચનાઓના વ્યાપ અને સૂર વિસ્તૃત બન્યા છે. ટ્રૅજેડીમાં હવે રાજા કે રાણી કે રાજકુંવર નહિ, પણ કોઈ જનેતા, કોઈ રખડુ ભિખારી, કોઈ ખેડૂત કે કોઈ સેલ્સમૅન જેવા સાધારણ માનવીઓનાં શોક, દુ:ખ તથા સંકટ–વિટંબણા જોવા–વાંચવા મળે છે.
વીસમી સદીની રંગભૂમિ પર જે બે પ્રભાવક પરિબળો સક્રિય બન્યાં છે તે છે ‘થિયેટર ઑવ્ ધ ઍબ્સર્ડ’ તથા ‘થિયેટર ઑવ્ સાઇલન્સ’. પ્રતિભાસંપન્ન આધુનિક ટ્રૅજેડીકારો માનવીની હાલતની ખિન્નતા તથા કમનસીબી આલેખવામાં અલ્પોક્તિનો ઉપયોગ કરવા વિશેષ ઉત્સુક રહે છે, તે એટલે સુધી કે ક્યારેક તો એ વિશે એક શબ્દેય કહેવાતોબોલાતો નથી. એ શૈલીભેદની સ્પષ્ટતા ખાતર ર્દષ્ટાંત જોઈએ : એક બાજુ છે ઑથેલોની ભપકાદાર, વાચાળ, અતિસભાન અને ખૂબ હૃદયદ્રાવક વિદાયવાણી; બીજી બાજુ છે પિન્ટરના ‘કૅરટેકર’માં ડૅવિસના પાત્ર માટે ભાંગીતૂટી વાણીમાં સાવ નહિ જેવા શબ્દોમાં પ્રયોજાયેલું સમાપન – આ વિદાયના પ્રસંગમાં છેવટે લાંબા સમય માટે મૌન પથરાઈ જાય છે. આમ વાણીવિલાસથી માંડીને વાણીવિહીનતા કે મૌન સુધી જે પંથ કપાયો છે તેમાં ટ્રૅજેડીના સ્વરૂપ અને હાર્દનું પરિવર્તન જોવા મળે છે.
ગ્રીકથી માંડીને આધુનિક ટ્રૅજિક રચનાઓ વિશે સમયાંતરે થતા રહેલા ફેરફારનો આલેખ કંઈક આવો જોવાય છે : ટ્રૅજેડીનો સુવર્ણયુગ તે ગ્રીક ટ્રૅજેડી. ગ્રીસમાં આ સ્વરૂપનો ઉદભવ તો થયો પણ તેનાં સર્વોચ્ચ સીમાચિહ્ન પણ સ્થપાયાં. ત્યારબાદ મધ્યયુગના સાહિત્યમાં એવી માન્યતા અને પ્રથા પ્રચલિત રહી કે કોઈ પ્રતાપી કે ઊંચા મોભાની વ્યક્તિ દૈવયોગે અથવા પોતાના કોઈ દોષના કારણે હાનિ કે કષ્ટ પામે તેની વૃત્તાંતકથા તે ટ્રૅજેડી. ચૉસરની ‘‘મંક’સ ટેલ’’ તથા લિડગેટની ‘ફૉલ ઑવ્ પ્રિન્સિઝ’ તેના નમૂનારૂપ ર્દષ્ટાંત છે. તે પછી રિનેસન્સ દરમિયાન ટ્રૅજેડી પરત્વે ક્લાસિકલ સિદ્ધાંતો, સેનેકાની વિલક્ષણ લોહીભીની ટ્રૅજિક રચનાઓ તથા મધ્યયુગીન વ્યાખ્યાવિભાવના જેવી બાબતોની અસર ઝિલાઈ હતી. અલબત્ત સોળમી સદીમાં એલિઝાબેથન યુગની અંગ્રેજી ટ્રૅજિક રચનાઓમાં એ સ્વરૂપની નિશ્ચિતતાને બદલે ટ્રૅજેડી તથા કૉમેડીના પ્રકારોનું તેમજ ગદ્ય અને પદ્ય શૈલીની લખાવટનું સતત મિશ્રણ થતું રહ્યું. જોકે શેક્સપિયરની ‘કિંગ લિયર’ તથા ‘હૅમ્લેટ’ જેવી રચનાઓ કાવ્યશક્તિ તથા નાટ્યસામર્થ્ય –એમ ઉભય ર્દષ્ટિએ અનન્ય ટ્રૅજેડી બની છે.
બીજી બાજુ કૉર્નિલ તથા રૅસિન જેવા સર્જકોની રચનારૂપ ફ્રાન્સની રિનેસન્સ ટ્રૅજેડીમાં ટ્રૅજેડીગત સાતત્ય કે એ એકતાના ક્લાસિકલ ‘નિયમો’નું ચુસ્ત પાલન થયું છે.
આધુનિક યુગમાં તો ટ્રૅજેડીલેખકોએ ટ્રૅજેડીનાં પાત્રો, શૈલી તથા વિષય – એમ સર્વાંશે બધા પ્રકારે પૂરેપૂરી છૂટ લઈ આમૂલ ફેરફાર કર્યા. ગ્રીક ટ્રૅજેડીમાં સાંપ્રત પરિબળોનું જ પ્રતિબિંબ ઝિલાયું છે અને એમાં દેવ કે વિધાતા રૂપે સર્વસત્તાધીશ નિયામક બળ નાયક પાત્રનાં સમગ્ર જીવન તથા કાર્યોનું ચાલકબળ બની રહે છે. છતાં એ રચનાઓમાં પાત્રનું સ્વત્વ કે માનવીય ગૌરવ હણાતું નથી. એ પ્રકારની ઉદાત્ત વિષય-માવજત ઉપરાંત સમગ્ર નાટ્યસૃષ્ટિને સાદ્યંત કવિતાનો સંસ્પર્શ થયેલો હોવાથી ટ્રૅજેડીગત નિષ્ઠુરતા કે કઠોરતા કઠતી નથી; ઊલટું પ્રેક્ષકચિત્ત હળવાશ કે મોકળાશ અનુભવે છે.
આધુનિક ટ્રૅજિક રચનાઓમાં પણ દેખીતી રીતે જ અનેક પ્રકારનાં પરિબળોનો પ્રતિઘોષ ઝિલાયો છે. ઈશ્વરના અસ્તિત્વને પડકારવાની અને નકારવાની મનોવૃત્તિ, માણસની શક્તિ વિશે અતિ ઊંચો મદાર, ઘેરી હતાશા, ઉત્કટ વેદના અને ઉગ્ર આક્રોશ, યુદ્ધની તારાજી તથા ભયાનક પીડા, વિજ્ઞાનની રાક્ષસી શક્તિ, દારુણ ગરીબી, ભૂખમરો તથા બીમારી, આર્થિક અસમાનતા, મનોવૈજ્ઞાનિક વિશ્ર્લેષણનું વલણ તથા ઉગ્ર રાજકીય સભાનતા જેવા વિવિધ વિષયોની કરુણગર્ભ રચનાઓ ટ્રૅજેડીના નામે ઓળખાતી થઈ. આ સઘળી નાટ્યસામગ્રીની કેવળ ગદ્યાત્મક માવજત થતી હોવાથી ભાવકના ચિત્તતંત્રને વિષયગત માનવગૌરવનો હ્રાસ કઠ્યા વગર રહેતો નથી. આ ટ્રૅજિક રચનાઓના અંતે તે મનોવ્યથા પામી અકથ્ય ગૂંગળામણ કે મૂંઝવણ અનુભવે છે.
સારો કે નરસો પણ ગ્રીક ટ્રૅજેડી કરતાં આ આધુનિક રચનાનો અનુભવ તદ્દન ઊલટો છે. સાહિત્ય પ્રત્યે સામાન્ય ભાવકની કદાચ ભાગ્યે જ આવી અપેક્ષા હોય. ગ્રીક ટ્રૅજેડી 2500 વર્ષો પછી પણ વિશ્વસાહિત્યમાં શાશ્વત પ્રભાવ ભોગવી રહી છે. એ શાશ્વતતા તે તેમાંના માનવીય ગૌરવની તથા સૌંદર્યબોધની જીવનને સહ્ય બનાવતા રસાયણની. ટ્રૅજેડી તરીકે ઓળખાવાતી આધુનિક રચનાઓ ઍબ્સર્ડ, ઇમ્પ્રેશનિસ્ટ, સરરિયાલિસ્ટિક, સાઇલન્ટ થિયેટર જેવાં વિવિધનામી લેબલનો સથવારો પામી હોવા છતાં તે કેવળ સીમિત ભાવકવર્ગને અને, તે પણ મર્યાદિત સમય પૂરતી જ, આકર્ષતી રહી છે. ગ્રીક અને આધુનિક ટ્રૅજેડી વચ્ચે આ જ તાત્ત્વિક તફાવત છે. સાંપ્રતતાને યથાતથ ઝીલવી એ સર્જનાત્મક પ્રવૃત્તિની યથાર્થતા તો ખરી જ; પણ સાંપ્રતતામાંથી શાશ્વતતાનો આસ્વાદ અને પ્રતિઘોષ પ્રગટે એટલી એ સર્જનાત્મક કૃતિઓની સિદ્ધિ અને મહાનતા. ગ્રીક ટ્રૅજેડીમાં મુખ્યત્વે એની મહાન નાટ્યત્રિપુટીમાં એ અવશ્ય સિદ્ધ થયું છે.
મહેશ ચોકસી