ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ

January, 2014

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ : વ્યાપારી બૅંકો પાસેથી સરકાર દ્વારા ફરજિયાતપણે મંગાવાતાં ઉછીનાં નાણાંની અનામતોની પહોંચ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940ના જુલાઈ માસમાં સૌપ્રથમ વાર ટ્રેઝરી ડિપૉઝિટ રસીદો ઇંગ્લૅન્ડમાં અસ્તિત્વમાં આવી હતી અને ત્યારે તેના પરના વ્યાજનું ધોરણ 1.5 % હતું. રોકડ નાણાંની કટોકટીના સમયમાં બૅંકો આ રસીદોનાં નાણાં વટાવી શકતી. 1945 સુધીમાં ઇંગ્લૅન્ડમાં તેની રકમ 180 કરોડ પાઉન્ડ સુધી પહોંચી હતી, પરંતુ પછીથી ધીમે ધીમે તે ટ્રેઝરી બિલોનું સ્વરૂપ ધારણ કરતી ગઈ. 1962 સુધીમાં તો તે ત્યાંના વ્યાપારી બૅંકોના સરવૈયામાંથી નીકળી ગઈ હતી. અત્યારે કોઈ દેશમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી.

શ્રીકૃષ્ણ ગોપીનાથ દેવભાનકર