ટ્રૅગાકાન્થ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ એસ્ટ્રેગેલસ ગમીફેર અને તેની બીજી જાતિઓના પ્રકાંડમાંથી મળતો ગુંદર. વાણિજ્યમાં તે પર્શિયન ટ્રૅગાકાન્થ તરીકે ઓળખાય છે. તે ઈરાન અને ઉત્તર સીરિયામાંથી મળે છે. સ્મર્ના ટ્રૅગાકાન્થ તુર્કસ્તાનમાં મળે છે.

ગુંદર આશરે 3 સેમી. લાંબી, 1 સેમી. પહોળી અને 2 મિમી. જાડી પાતળી, ચપટી, વક્ર પટ્ટી જેવા આકારમાં મળે છે. તે અર્ધપારદર્શક, સફેદ કે સહેજ પીળા રંગનો હોય છે. તેના ઉપર આડી અને ઊભી કટકો (ridges) હોય છે. તેને વાસ કે સ્વાદ હોતાં નથી. પાણી સાથે ફૂલી ઘટ્ટ દ્રાવણ બનાવે છે. મંદ આયોડિનના દ્રાવણ સાથે ગુંદર ઉપરના સ્ટાર્ચના કારણે વાદળી ટપકાં દેખાય છે. આલ્કલાઇન દ્રાવણો અને હાઇડ્રોજન પૅરૉક્સાઇડ દ્રાવ્ય પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે.

ટ્રૅગાકાન્થમાં ટ્રૅગાકાન્થીન અને બેસોરીન નામના પૉલિસેકેરાઇડ હોય છે.

ટ્રૅગાકાન્થ શામક છે. અવિલેય પદાર્થને નિલમ્બિત કરવા માટેના નિલમ્બિતકારક (suspending agent), પાયસીકારક (emulsifying agent) તરીકે ટીકડી તથા ગોળીના બંધક (binding agent) તરીકે તથા કૅલિકો પ્રિન્ટિંગ અને મીઠાઈની બનાવટોમાં તેમજ રેચક તરીકે તે વપરાય છે. તે આઇસક્રીમ અને ટૂથપેસ્ટમાં તેમજ સાબુની પતરી (chips) કે પાઉડર ઉપરના પડ માટે વપરાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ