ટ્રેગસ : એકદળી વર્ગના તૃણાદિ (Poaceae) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ, જેનું વિતરણ મુખ્યત્વે આફ્રિકાના ઉષ્ણ પ્રદેશોમાં, ભારતમાં અને વિશ્વના અન્ય ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. વાંદરિયા ઘાસ (Tragus biflorus schult. Syn. T. racemosus Hook. F.) તરીકે ઓળખાતી આ પ્રજાતિ 15 સેમી. સુધી ઊંચે વધે છે. તૃણ ભૂપ્રસારી અને ચોમાસા દરમિયાન ઝડપથી વિકસે છે. તે રેતાળ ખુલ્લા પટમાં થાય છે. તેની શૂકિકા(spickelet)ના તુષનિપત્રો (glumes) પ્રાણીઓની રુવાંટી કે મનુષ્યનાં કપડાં સાથે જલદી ચોંટી જાય છે.

વર્ષા ઋતુમાં પુષ્પો બેસતાં પહેલાં પ્રાણીઓ તેને સારા પ્રમાણમાં ચરી જાય છે. તે પોષક હોવાનું કહેવાય છે; પરંતુ ચારા તરીકેની તેની ઉપયોગિતા તેની ટૂંકી વૃદ્ધિ અને સખત કંટકમય પુષ્પવિન્યાસને લીધે ઓછી છે. તેનો બંધક (binder) તરીકે ઉપયોગ થાય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ