ટ્રાયાસિક રચના

January, 2014

ટ્રાયાસિક રચના (Triassic system) : ભૂસ્તરીય કાળગણના-ક્રમમાં મેસોઝોઇક યુગ(મધ્યજીવયુગ)નો પ્રથમ કાળગાળો. ટાયાસિક (ટ્રાયાસ) ગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરરચના એટલે ટ્રાયાસિક રચના. તેની નીચે પૅલિયોઝોઇક યુગની ઊર્ધ્વતમ પર્મિયન રચના અને ઉપર તરફ મેસોઝોઇકની જુરાસિક રચના આવેલી છે. ભૂસ્તરીય ઇતિહાસમાં આ રચનાની જમાવટ આજથી ગણતાં 22.5  કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 19.5  કરોડ વર્ષ વચ્ચેના 3 કરોડ વર્ષના ગાળામાં થયેલી છે; જોકે યુરોપના બહોળા વિસ્તારોના સંદર્ભમાં જોતાં, પર્મિયનના પ્રાચીન ભૌગોલિક સંજોગો ટ્રાયાસિકમાં પણ ચાલુ રહેલા હોવાથી ટ્રાયાસિકની નિમ્ન હદની સીમારેખાનું અર્થઘટન જરાક મુશ્કેલ બની રહે છે. તેની ઊર્ધ્વ હદ એકાએક બદલાતા સંજોગોથી નક્કી થઈ શકે છે અને જુરાસિક નીચે રહેલી (ખાસ કરીને ગ્રેટબ્રિટનમાં) રહીટિક રચના સ્પષ્ટપણે જુદી પડી આવે છે. રહીટિકનું તળ દરિયાઈ અતિક્રમણના પુરાવા પણ રજૂ કરે છે એટલું જ નહિ, ટ્રાયાસિકના જીવાવશેષો રહીટિકથી જુદા પડી આવે છે.

1834માં ફૉન આલ્બર્ટીએ ત્રણ-સ્તરીય લાક્ષણિક વિભાગ સ્વરૂપે જર્મનીમાં મળી આવતાં તેના વિશિષ્ટ વિવૃત વિસ્તાર પરથી ‘ટ્રાયાસિક’ નામ આપ્યું. પ્રાદેશિક ભેદે આ રચના જુદા જુદા નિક્ષેપરચનાપ્રકારો (facies) રજૂ કરે છે. આ રચનાના જુદા જુદા વિભાગો ખંડીય કે દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. જર્મનીનો વિશિષ્ટ વિસ્તાર તેને ત્રણ વિભાગો – નિમ્ન બન્ટર, મધ્ય મુશલકક અને ઊર્ધ્વ ક્યુપ–માં વહેંચી નાખે છે તો બ્રિટનમાં મધ્યના મુશલકકનો અભાવ વરતાય છે. તેથી  ત્યાં તો માત્ર નિમ્ન અને ઊર્ધ્વ એવા બે વિભાગો જ મળે છે અને તે સંપૂર્ણપણે ખંડીય નિક્ષેપરચના પ્રકાર રજૂ કરે છે; એટલું જ નહિ, તે મોટેભાગે જીવાવશેષ રહિત છે, જોકે ક્યાંક સરીસૃપો(reptiles)નાં પાદચિહ્નો જોવા મળે છે ખરાં. અન્યત્ર, નિમ્ન વિભાગ (બન્ટર) બિનદરિયાઈ લાલરંગી નિક્ષેપોથી, મધ્ય વિભાગ (મુશલકક) ચૂનાખડક – રેતીખડક – શેલ જેવા દરિયાઈ નિક્ષેપોથી, તો ઊર્ધ્વ વિભાગ (ક્યુપર) બિનદરિયાઈ – ખંડીય નિક્ષેપોથી રચાયેલો જોવા મળે છે. ટ્રાયાસિક સ્તરસમૂહશ્રેણી અને નિક્ષેપપ્રકારનાં લક્ષણો ઉત્તર યુરોપ, ફ્રાન્સ, સ્પેન અને ઉત્તર આફ્રિકાના ખડકોને આગવી વિશિષ્ટતા અર્પે છે, જે બધા જર્મન નિક્ષેપપ્રકારવાળા ગણાય છે. ઇંગ્લૅન્ડનો નિક્ષેપપ્રકાર તેનું આગવું લક્ષણ બની રહે છે. આલ્પાઇન નિક્ષેપપ્રકાર પૂર્ણ દરિયાઈ જીવાવશેષયુક્ત સ્તરસમૂહો રચે છે અને તેનાથી આખોય ટ્રાયાસિક કાળ રજૂ થાય છે.

દક્ષિણ એશિયાના કેટલાક નિમ્ન સ્તરો ઍમોનૉઇડવાળા છે. અન્યત્ર જ્યાં જ્યાં દરિયાઈ નિક્ષેપો છે ત્યાં ક્રિનૉઇડ્સ (એકિનોડર્મ) અને લેમેલિબ્રેન્ક તથા વિશિષ્ટ રેખાકૃતિઓવાળા ઍમોનૉઇડ-(મૃદુશરીરાદિ)ને આધારે ત્યાં ત્યાં ટ્રાયાસિક રચનાના પ્રમાણભૂત કક્ષાકીય પ્રકારો પણ પાડેલા છે. આ કાળમાં જ્યાં જ્યાં કેટલાક સમય માટે શુષ્ક આબોહવાત્મક સંજોગો પ્રવર્તેલા ત્યાં બાષ્પાયન પેદાશો તૈયાર થયેલી છે.

ટ્રાયાસિક કાળના પ્રાચીન ભૌગોલિક સંજોગો : કાર્બોનિફેરસ કાળ દરમિયાન શરૂ થયેલી અને પૅલિયોઝોઇક યુગના અંત સુધી તબક્કાવાર ચાલુ રહેલી પૃથ્વીના પટ પરની હર્સિનિયન (વેરિસ્કન) ગિરિનિર્માણક્રિયા દ્વારા તત્કાલીન ભૂસંનતિમય થાળાંઓમાંના સ્તરસમૂહોનું ઉત્થાન થયું. આમ, પૅલિયોઝોઇક યુગ પર્મિયનના અંત સાથે સમાપ્ત થયો. વર્તમાન આલ્પ્સ અને હિમાલય પર્વતસંકુલોની ઉત્તરે રહેલો વિશાળ યુરોપીય-એશિયાઈ વિસ્તાર, યુરલ  પર્વતીય વિસ્તાર, ઉત્તર અમેરિકાનો પૂર્વીય વિસ્તાર જે આ અગાઉ ભૂસંનતિમય થાળાંઓનાં ક્રિયાશીલ માળખાં હતાં તે તમામ મેસોઝોઇક યુગનાં પગરણ મંડાતાં, સ્થાયી-ર્દઢ ભૂમિભાગોમાં ફેરવાઈ ગયાં. પર્મિયનની સમાપ્તિની સાથે સાથે ભૂસંનતિઓમાં રહેલા સમુદ્રો નામશેષ થઈ ગયા. માત્ર ટેથિયન ભૂસંનતિને બાદ કરતાં અન્યત્ર, લગભગ બધે જ, ભૂમિ અને દરિયાઈ માળખું, આજે જે આકાર અને વિતરણમાં ર્દષ્ટિગોચર થાય છે, કંઈક એવું જ બની રહ્યુ. (જુઓ આકૃતિ 1)

પૃથ્વી પરની આ પ્રમાણેની ભૂપૃષ્ઠ રચનાત્મક ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ ટ્રાયાસિક(મેસોઝોઇક યુગના પ્રારંભ)નો ભૂસ્તરીય ઇતિહાસ શરૂ થાય છે. પ્રારંભમાં ખંડોની કિનારીઓ પર છીછરી દરિયાઈ સ્થિતિ હતી.

આકૃતિ 1 : ટ્રાયાસિક કાળ વખતે ભારત અને તત્કાલીન નજીકના ખંડોની સ્થિતિ (22.5થી 19.5 કરોડ વર્ષ અગાઉ).

આલ્પ્સના પશ્ચિમ છેડાથી, મધ્યપૂર્વના દેશો તેમજ હિમાલય વિસ્તારને આવરી લેતા છેક ઇન્ડોનેશિયા સુધીના વિશાળ ભૂસંનતિમય થાળામાં ટેથીઝ મહાસાગર ઘૂઘવતો હતો (જુઓ : ટેથીઝ). આ સંજોગો હેઠળ તે કાળ દરમિયાન દરિયાઈ ઉત્પત્તિજન્ય ટ્રાયાસિક ખડકસ્તરો. તત્કાલીન પૅસિફિક અને આર્કિટક મહાસાગરના કિનારાપ્રદેશોમાં રચાયા. આ દરિયાઈ નિક્ષેપપ્રકારો નજીકના ભૂમિભાગ તરફ જતાં ખંડીય પ્રકારની નિક્ષેપરચનામાં ફેરવાતા જોવા મળે છે. દક્ષિણ અમેરિકાની પશ્ચિમે એન્ડિયન ભૂસંનતિમય થાળાને બાદ કરતાં બાકીના દક્ષિણ બ્રાઝિલ, ઉત્તર અને પશ્ચિમ આર્જેન્ટિના, ઉરુગ્વે અને પરાગ્વેના વિસ્તારો ભૂમિસ્વરૂપે હતા, ત્યાં સ્થાનિક ગર્ત હતા જેમાં મુખ્યત્વે રેતીખડક ભૂમિસ્વરૂપે ખંડીય નિક્ષેપપ્રકારો રચાયા. લિબિયા અને ઇજિપ્તની સાંકડી કિનારાપટ્ટીને બાદ કરતાં બાકીનો આફ્રિકી વિસ્તાર ઉત્થાન પામેલો ખુલ્લો ભૂમિભાગ હતો, દક્ષિણ આફ્રિકામાં ખંડીય પ્રકારના શેલ અને રેતીખડકો રચાયા, જે તત્કાલીન સરીસૃપ અવશેષો માટે જાણીતા છે. માડાગાસ્કરની ઉત્તરની કિનારીઓમાં જોવા મળતા પાતળા દરિયાઈ નિક્ષેપોને બાદ કરતાં બાકીનો તેનો ભૂમિભાગ દક્ષિણ આફ્રિકાની જેમ ખંડીય ટ્રાયાસિક રચનાઓ રજૂ કરે છે. દ્વીપકલ્પીય ભારત પણ એવી જ વિસ્તૃત ખંડીય જમાવટ દર્શાવે છે જેમાં રેતીખડકો અને શેલથી બનેલી કેટલીક ગોંડવાના શ્રેણીઓનો સમાવેશ થાય છે, જેમની નિક્ષેપક્રિયા લંબાયેલા સ્થાનિક ગ્રેબન પ્રકારના ગર્તમાં (જુઓ : ગ્રેબન) થયેલી હોવાનું જણાઈ આવે છે. ઑસ્ટ્રેલિયામાં પણ, જેમ આજે છે તેમ, આફ્રિકાની માફક ખુલ્લો, ઉત્થાન પામેલો ભૂમિભાગ હતો, ત્યાં પણ સ્થાનિક થાળાં હતાં, જેમાં નદીજન્ય અને સરોવરજન્ય નિક્ષેપરચના થઈ. તેના પૂર્વ અને પશ્ચિમ કિનારાઓ પર મર્યાદિત ઉપસાગરીય પરિસ્થિતિ હેઠળ દરિયાઈ જમાવટ થયેલી. યુરેશિયાનો મધ્ય ભાગ પણ ભૂમિસ્વરૂપે હતો અને ત્યાં ક્યાંક કયાંક સ્થાનિક જળકૃત થાળાં હતાં.

ત્યારપછી જુરાસિક કાળના બદલાતા જતા સંજોગોનો પ્રારંભ થાય છે, જેમાં ટ્રાયાસિક કાળનાં ભૂસંનતિમય થાળાંની કિનારીઓ પરથી ચોમેર દરિયાઈ અતિક્રમણની શરૂઆત થાય છે અને તેમાં યુરેશિયા અને ઉત્તર અમેરિકાના વિસ્તારોના કેટલાક ભાગો દરિયાઈ અતિક્રમણની અસર હેઠળ આવતા જાય છે.

ટ્રાયાસિક કાળનાં જીવનસ્વરૂપો : પૅલિયોઝોઇક યુગના પર્મો-કાર્બોનિફેરસ કાળગાળા દરમિયાન થયેલી ભૂસંચલનજન્ય ઘટનાને પરિણામે તે વખતનાં ભૂસંનતિમય સમુદ્રી થાળાં અને ખંડીય કિનારીઓ પરના દરિયાઈ સંજોગો મર્યાદિત બની રહ્યા. સાથે સાથે જ પૅલિયોઝોઇક યુગના પરવાળાપ્રકારો, શૂળત્વચાવર્ગ, સંધિપાદ, મૃદુશરીરાદિ પ્રાણીઓ, બ્રાયોઝોઅન અને બ્રેકિયોપૉડ જેવા લાક્ષણિક દરિયાઈ પ્રાણીઅવશેષોનો મોટો ભાગ પણ વિલુપ્ત થઈ ગયો.

દરિયાઈ પ્રાણીઓના ઉત્ક્રાંતિ ઇતિહાસમાં થયેલી વિલુપ્તિની પરિસ્થિતિનું આ અર્થઘટન ટ્રાયાસિક કાળમાં જોવા મળતા અકલ્પ્ય પ્રાણી ઘટાડા પરથી કરવામાં આવેલું છે. આ જ કારણે નિમ્ન ટ્રાયાસિકમાં પરવાળાં, ફોરામિનિફર અને બ્રાયોઝોઆનો અભાવ છે અથવા નહિવત્ પ્રમાણ છે. બ્રેકિયોપૉડ, ક્રિનૉઇડ, વાદળી, શૂળત્વચા વગેરે ઓછી જાતિઓથી રજૂ થાય છે. પ્રારંભિક ટ્રાયાસિકમાં જોવા મળતાં અને પ્રાધાન્ય ભોગવતાં દરિયાઈ પ્રાણીઓ મુખ્યત્વે એમોનૉઇડનાં છે, પેલિસિપૉડ, નૉટીલૉઇડ અને ગૅસ્ટ્રોપૉડ વગેરે પણ મળે છે, પરંતુ એમોનૉઇડ જેટલાં તો નહિ જ; તે જ્યાં જ્યાં મળે છે, ત્યાં તેમની એકવિધતા તેમજ સમાંગ લક્ષણોને કારણે ટ્રાયાસિકની ખાસિયત બની રહે છે.

ટ્રાયાસિક દરિયાઈ નિક્ષેપરચનાપ્રકારના ખડકોની કાળગણના અને સહસંબંધનો આધાર મુખ્યત્વે  એમોનાઇટ્સની શ્રેણી અને વિતરણ  ઉપર રહેલો છે. ટ્રાયાસિક કાળના ખડકોમાંથી આશરે 400 જાતિ જાણી  શકાઈ છે. આ પૈકીની ઘણી જાતિઓનું દુનિયાભરમાં વિતરણ થયેલું છે; 130 જાતિઓ તો માત્ર નિમ્ન ટ્રાયાસિકમાંથી મળેલી છે. આ હકીકત સૂચવે છે કે પૅલિયોઝોઇકમાંથી બચી ગયેલા જૂથમાંથી જ તેમની ઉત્ક્રાંતિ થઈ હોવી જોઈએ. આ બધાં એમોનૉઇડ વળી પાછાં ટ્રાયાસિકના અંત વખતે ફરીને એક વાર કટોકટીમાં મુકાય છે અને એક જ જૂથ જુરાસિક માટે ટકી રહેતું જણાય છે. આ ઉપરથી સૂચવાયું છે કે ટ્રાયાસિક પછીના રહીટિક કાળ દરમિયાન મોટા પાયા પર દરિયાઈ પીછેહઠનો બીજો તબક્કો આવ્યો હોવો જોઈએ.

બીજી મહત્વની બાબત એ પણ છે કે પૅલિયોઝોઇકના અંત વખતે દરિયાઈ અપૃષ્ઠવંશીના થયેલા જૂથ-વિલોપ (mass extinction) અને તેની અસરરૂપ ટ્રાયાસિકનાં દરિયાઈ પ્રાણીઓના અવશેષોનું જુદું લક્ષણ ભૂમિ પરનાં જીવંત પ્રાણીઓ પર કોઈ અસર પાડી શકેલ નથી. પૅલિયોઝોઇકમાંથી ચાલુ રહેલાં અનુગામી ઊભયજીવી કે સરીસૃપોના ઉત્ક્રાંતિ-ઇતિહાસમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નજરે પડતો નથી; વનસ્પતિના ઉત્પત્તિવિકાસમાં તો બિલકુલ નહિ જ.

ટ્રાયાસિકના શરૂઆતના કાળનાં બંને સ્થળચર અને જલચર પૃષ્ઠવંશીઓ અંતિમ પૅલિયોઝોઇક કાળના એવા જ સમૂહો સાથે સરખાવી શકાય એવા જ છે, જોકે સમગ્ર ટ્રાયાસિક કાળ દરમિયાન માછલીઓ અને સરીસૃપોમાં સ્પષ્ટ ફેરફારો થયેલા દેખાઈ આવે છે. ટ્રાયાસિકના અંત સુધીમાં તો જુરાસિક અને ક્રિટેસિયસમાં જે જે પૃષ્ઠવંશી જીવનસ્વરૂપો પ્રાધાન્ય ભોગવવાનાં છે તેમનો ઉદભવ થઈ ચૂક્યો છે.

પ્રારંભિક મેસોઝોઇક યુગનું વનસ્પતિજીવનસ્વરૂપોનું પ્રમાણ ઓછું જણાય છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી પરથી નિર્દેશ મળે છે કે ટ્રાયાસિક કાળ મહદંશે વનસ્પતિની અછતવાળો છે. આબોહવાની પ્રતિકૂળતા આ માટે જવાબદાર લેખવામાં આવે છે. તે પૅલિયોઝોઇકનાં અનુગામી છે. ટૂંકમાં, ટ્રાયાસિકના અંતિમ ચરણ સુધી તો મેસોઝોઇક લક્ષણવાળી ભૂમિવનસ્પતિની શરૂઆત થતી નથી, અજાયબી તો એ ગણાય છે કે અંતિમ ટ્રાયાસિકથી પ્રારંભિક ક્રિટેસિયસના કાળ દરમિયાન દુનિયાભરમાં ભૂમિવનસ્પતિ એકધારી જ રહી છે. ટ્રાયાસિક કાળને અનાવૃત બીજધારી વનસ્પતિ(gymnosperm)ની ઉત્ક્રાંતિના વિશેષ વિકેન્દ્રીકરણનો કાળ ગણવામાં આવેલો છે.

આકૃતિ 2 : ટ્રાયાસિક કાળ વખતે ભારતની સ્થિતિ
(22.5થી 19.5 કરોડ વર્ષ અગાઉ).

ભારત : અંતિમ પર્મિયનના શુષ્ક અને અર્ધશુષ્ક આબોહવાત્મક સંજોગો ટ્રાયાસિક કાળમાં પણ ચાલુ રહેલા, સિવાય કે જ્યાં દરિયાઈ અતિક્રમણ થયેલું હોય અથવા ભૂમિઉત્થાન થયેલું હોય તેને પરિણામે તે મુજબના ફેરફારો થયા હોય. શુષ્ક આબોહવાત્મક ભૂમિસંજોગને કારણે દ્વીપકલ્પીય ભારતમાં દરિયાઈ ટ્રાયાસિક ખડકો જોવા મળતા નથી, પરંતુ પશ્ચિમે કાશ્મીરથી પૂર્વમાં કુમાઉં સુધીના ઉત્તર હિમાલય વિભાગમાં તે સમયના દરિયાઈ ઉત્પત્તિજન્ય ખડકો સારી રીતે જમાવટ પામેલા છે. ખડકો અને સાથે સંકળાયેલા પ્રાણીઅવશેષો પૂર્વ આલ્પ્સના ખડકો સાથે સ્પષ્ટ સામ્ય ધરાવે છે. તેમાં રહેલ સીફેલોપૉંડનું વિપુલ પ્રમાણ જે તે ઉપજાતિ દ્વારા તેના પ્રત્યેક ખડકસ્તરોને વિશેષ નામ આપવામાં મદદરૂપ થઈ પડે છે.

ટ્રાયાસિક ખડકસ્તરોનો પૂર્ણ વિકાસ દર્શાવતો ખડકછેદ હિમાલયના સ્પિટિ-કુમાઉં પટ્ટામાં વિવૃત થયેલો છે, જે લિલાંગ નદીખીણમાં વિશિષ્ટ વિવૃતિ પામેલો છે. તે શેલ અને ક્વાર્ટ્ઝઇટના આંતરસ્તરો સહિત કાળા ચૂનાખડકોથી બનેલો છે અને કુલ 1220 મીટરની જાડાઈ ધરાવે છે. એમોનાઇટ પ્રાણીઅવશેષોથી તે સમૃદ્ધ હોઈ જાણીતો છે અને કહેવાય છે કે દુનિયામાં એકસાથે એક જ સ્થાનમાં મળી શકતી અનેક ઉપજાતિઓ અહીં મળી રહે છે. આ ઉપજાતિઓ આવશ્યકપણે આલ્પ્સની ઉપજાતિઓ સાથે સામ્ય ધરાવે છે. યુરોપીય વિભાગીય જીવાવશેષો(zonal fossils)નો સમાવેશ કરતા એક જ પ્રકારના એમોનાઇટ્સ પૈકીના ઘણા (દા.ત., સીરેટાઇટ્સ ટ્રાઇનોડોસસ) અહીં મળે છે. સ્પિટિ વિસ્તારમાં લિલાંગ રચનાના ઊર્ધ્વતમ ખડકપ્રકારો જથ્થામય ચૂનાખડકો અને ડોલોમાઇટથી બનેલા છે, જે મેગાલોડોન ચૂનાખડકના નામથી ઓળખાય છે. તેમાં મેગાલોડોન લડાખેન્સિસ તેમજ અન્ય જીવાવશેષો રહેલા છે, એટલું જ નહિ, તે જુરાસિકના કિયોટો ચૂનાખડકનું તળ બનાવે છે.

આકૃતિ 3 : સ્પિટિના ટ્રાયાસિક સ્તરોનો છેદ
1. પ્રોડક્ટસ શેલ (પર્મિયન) 3. મુશલક્ક (નિમ્ન ભાગ)
2. નિમ્ન ટ્રાયાસ 4. મુશલક્ક (ઊર્ધ્વ ભાગ)

માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં પર્મિયન સમયના જે  ખડકો (લાચી શ્રેણી) મળે છે તેની ઉપર ટ્રાયાસિક સાથે સામ્ય ધરાવતા ક્વાર્ટ્ઝાઇટ અને એમોનાઇટ-મૃદુશરીરાદિ પ્રાણી-અવશેષોવાળા શેલ સ્તરો રહેલા છે. સિકિમ-તિબેટ સરહદે જે ટ્રાયાસિક ખડકો છે તે શેલથી બનેલા છે અને તેની નીચે ક્વાર્ટ્ઝાઇટ ઉપર તરફ ચૂનાખડકો છે. આ ખડકો પણ આલ્પાઇન સામ્યવાળા, એમોનાઇટની વિપુલતાવાળા છે. કાશ્મીરના પર્મિયન ખડકોની ઉપર ટ્રાયાસિક ખડકરચના મળે છે, પરંતુ સ્પિટિની સરખામણીમાં પ્રાણીઅવશેષો ઓછા છે. પંજાલ હારમાળામાં મળતા પંજાલ જ્વાળામુખી ખડકો બનવાની જે જ્વાળામુખી પ્રક્રિયા કાર્બોનિફેરસમાં શરૂ થયેલી, તે ઊર્ધ્વ ટ્રાયાસિક કાળની શરૂઆત સુધી તો ચાલુ રહેલી છે. હિમાલયની ઉત્તરે તિબેટ તરફ કુમાઉં સરહદે, સ્પિટિ-કુમાઉંના ચૂનાખડકો અને શેલને બદલે અહીં તેના જેવા દેખાવવાળા આરસપહાણ મળે છે, જે બધી રીતે આલ્પ્સના આરસપહાણ જેવા જ છે.

પાકિસ્તાન તરફના સૉલ્ટ રેન્જ હારમાળા વિસ્તારમાં ટ્રાયાસિક રચના માત્ર નિમ્ન ટ્રાયાસ અને થોડીક મધ્ય ટ્રાયાસ રચના જમાવટ પામેલી જોવા મળે છે, તે જીવાવશેષોથી તો સમૃદ્ધ છે જ. સીરેટાઇટ્સ(એમોનાઇટ)ના વિપુલ પ્રમાણને કારણે સૉલ્ટ રેન્જની નિમ્ન ટ્રાયાસ સીરેટાઇટ સ્તરો તરીકે જાણીતી બનેલી છે.

દ્વીપકલ્પીય ભારતના વિસ્તારમાં ટ્રાયાસિક રચનાના દરિયાઈ ઉત્પત્તિજન્ય ખડકો, તે માટેના અનુકૂળ સંજોગો ન હોવાથી, મળતા નથી. મધ્ય ગોંડવાના રચનાનો નદીજન્ય અને સરોવરજન્ય ખંડીય રચના-પ્રકાર મુખ્યત્વે પંચેટ શ્રેણી રૂપે રજૂ થાય છે, જે ટ્રાયાસિક વયનો છે (જુઓ, ગોંડવાના રચના કોઠો). તેમાં રહેલા પૃષ્ઠવંશી પ્રાણીઅવશેષો તેનો ખંડીય ઉત્પત્તિપ્રકાર નક્કી કરી આપે છે. દ્વીપકલ્પીય ભારત સહિત ગુજરાતમાં ટ્રાયાસિક રચનાનો તદ્દન અભાવ છે, જે ભૂસ્તરીય સંગ્રહની અપૂર્ણતાનો પુરાવો રજૂ કરે છે.

ગિરીશભાઈ પંડ્યા