ટ્રાઇકોમોનાસનો રોગ : ટ્રાઇકોમોનાસ વજાઇનાલિસ (T. vaginalis) નામના એકકોષી પરોપજીવીથી સ્ત્રીઓની યોનિ(vagina)માં થતો શોથજન્ય રોગ. તેને ટ્રાઇકોમોનલ યોનિશોથ (trichomonal vaginitis) કહે છે. માણસના મોટા આંતરડાના અંધાંત્ર (caecum) નામના ભાગમાં જોવા મળતો ટી. હોમિનિસ નામનો પરોપજીવી એ જુદો જ સજીવ છે અને તે માણસમાં કોઈ રોગ કરતો નથી, એવું મનાય છે. આ જ રીતે ટી. ઇલૉન્ગેટા નામનો આ જ જૂથનો એક સજીવ મોંની બખોલમાં રહે છે. તે પણ કોઈ રોગ સાથે સંબંધિત ગણાતો નથી. ટી. વજાઇનાલિસ ક્યારેક પુરુષોની મૂત્રાશયનળી(urethra)માં તથા પુર:સ્થ (prostate) ગ્રંથિમાં પણ જોવા મળે છે. તેથી આવા પુરુષોને આ રોગના ચેપધારકો (carriers) ગણવામાં આવે છે. સામાન્ય રીતે ગર્ભધારણના જીવનગાળા-(reproductive period)માં જ્યારે પણ યોનિની અમ્લતા pH4 જેટલી હોય ત્યારે તેનો વિકાર જોવા મળે છે. ટી. વજાઇનાલિસ 27 × 18 માઇક્રોન કદનો 5 તંતુકો(flagella)વાળો ચલનશીલ (motile) સજીવ છે. તેમાંનો એક તંતુક ઘણો લાંબો અને સજીવના પશ્ચ છેડાથી પણ વધુ લાંબો હોય છે. તેના પશ્ચ છેડે ગડી પડેલી કલા(undulating membrane)વાળું એક નાનું પ્રવર્ધન (projection) હોય છે. તેના શરીર પર તંતુકો હોવાથી તેને તંતુકકાયી (trichomonas) સજીવ કહે છે.
આ ચેપવાળી સ્ત્રીઓ પૈકી લગભગ અર્ધી જેટલી સ્ત્રીઓમાં કોઈ લક્ષણો હોતાં નથી. અન્ય દર્દીઓને દુર્ગંધવાળો પીળો પાતળો મલાઈ જેવો બહિ:સ્રાવ થાય છે. આવા પીળા રંગના પ્રવાહીના પડવાને ‘પાણી પડવું’ અથવા પીતપ્રદર (yellow discharge) કહે છે. તે સમયે બળતરા અને ખૂજલી થાય છે. ઘણી વખત પેશાબમાં બળતરા રહે છે. પુરુષોમાં થતો ચેપ કોઈ લક્ષણો કરતો નથી પરંતુ ક્યારેક તેમને પણ પેશાબ કર્યા પછી થોડી બળતરા થાય છે. તેમના શિશ્નના મુકટ (glans penis) પર સોજો આવે છે. તેને શિશ્નમુકટશોથ (balanoposthitis) કહે છે. બહિ:સ્રાવને સૂક્ષ્મદર્શક વડે તપાસવાથી નિદાન કરી શકાય છે. આ એક સંભોગ-સંક્રામક (sexually transmitted) રોગ હોવાથી શારીરિક સંબંધ બંધાય ત્યારે તે ફેલાય છે. માટે સ્ત્રી અને પુરુષ(લૈંગિક વ્યવહારના બંને ભાગીદારો)ને એક સાથે મેટ્રોનિડેઝોલ નામની દવા વડે સારવાર અપાય છે. મેટ્રોનિડેઝોલને સાત દિવસની માત્રામાં વહેંચીને અથવા એક જ મોટી માત્રામાં આપીને તેની સારવાર કરાય છે.
શિલીન નં. શુક્લ