ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 45માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ.
ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી. જોકે વર્ષ 2015માં ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને ટ્રમ્પે જે કૉલેજો, હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેમનાં બોર્ડને ટ્રમ્પના એકૅડમિક રેકૉર્ડ જાહેર ન કરવાની અને જાહેર કરશે તો કાયદેસર પગલાં લેવાની ધમકી આપી. પરિણામે અમેરિકા સહિત જગતમાં ટ્રમ્પની શૈક્ષણિક ઉપાધિઓ સામે પ્રશ્નાર્થ છે.
2016માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સામે અતિ પાતળી બહુમતી સાથે વિજય મેળવ્યો. 20 જાન્યુઆરી, 2017ના રોજ અમેરિકાનાં 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે શપથ લીધા. ટ્રમ્પનો રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યકાળ અમેરિકામાં ઊથલપાથલનો ગાળો પુરવાર થયો.
પોતાના કાર્યકાળના પહેલા અઠવાડિયા દરમિયાન ઓબામાકેર નામની સામાજિક સુરક્ષા યોજનાને રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવાની યોજના અને ડિઝાઇન પ્રક્રિયા શરૂ કરી.જાન્યુઆરી, 2017માં અમેરિકા ટ્રાન્સ-પૅસિફિક ભાગીદારીમાંથી બહાર નીકળી ગયો, જે 12 પૅસિફિક રિમ દેશો વચ્ચે પ્રાદેશિક વેપાર સમજૂતી છે, જે ઓબામા વહીવટીતંત્રની મોટી ઉપલબ્ધિ હતી.
જાન્યુઆરી અને માર્ચ, 2018માં સોલર પૅનલ અને વૉશિંગ મશીનની આયાત દરમાં તીવ્ર વધારો કર્યો, જેનો ઉદ્દેશ ચીન અને દક્ષિણ કોરિયામાંથી આયાતને ઘટાડવાનો હતો તેમજ કેટલાક દેશોમાંથી ઍલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પરના દરમાં મોટો વધારો કર્યો, જેની અસર કૅનેડા, યુરોપિયન યુનિયન સહિત અમેરિકાના મોટા ભાગના સાથીદાર દેશોને થઈ.જૂન, 2017માં જી7ની ક્યુબેકમાં આયોજિત બેઠક અધવચ્ચે છોડીને નીકળી ગયા અને અન્ય દેશો સાથે વેપારી અંસમતિએ વધારે ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું.
મે, 2018માં 2015ની ઈરાન અને અન્ય પાંચ મહાસત્તાઓ વચ્ચે થયેલી સમજૂતીમાંથી ખસી જવાની જાહેરાત કરી, જેમાં ઈરાનના યુરેનિયમને સમૃદ્ધ કરવાની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાની સમજૂતી થઈ હતી. એટલું જ નહીં ટ્રમ્પના આદેશ પર જાન્યુઆરી, 2020માં ઈરાનના સર્વોચ્ચ સુરક્ષા અને જાસૂસી અધિકારીની ડ્રૉન હુમલામાં હત્યા થઈ, જેના પગલે ઈરાને પણ આ સમજૂતીના ભંગની જાહેરાત કરી. ઑગસ્ટ, 2019માં સીઆઇએના અધિકારીએ અમેરિકન ઇન્ટેલિજન્સ કમ્યુનિટીના ઇન્સ્પેક્ટર જનરલ માઇકલ એટકિન્સન સામે ફરિયાદ દાખલ કરી કે, યુક્રેનના નવા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીને ફોન કરીને ટ્રમ્પે વર્ષ 2020ની અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પ તરફથી હસ્તક્ષેપ કરવા જણાવ્યું. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે કોવિડ-19ની મહામારીની અને વાઇરસથી જાનહાનિની વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ)ની ચેતવણીની જાહેરમાં હાંસી ઉડાવી, જેના પગલે અમેરિકા મહાસંકટમાં મુકાઈ ગયું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડિસેમ્બર, 2019માં કોવિડ-19ની મહામારી જાહેરાત કરી. જાન્યુઆરી, 2020ની મધ્યમાં અમેરિકામાં પહેલા કેસનું નિદાન થયું. પણ ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂઆતના મહિનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત ડબલ્યુએચઓની તમામ ભલામણોની અવગણના કરી. પરિણામે એકલા અમેરિકામાં કોવિડ-19માં આશરે 11 લાખથી વધારે નાગરિકોના મૃત્યુ થયાં. શરૂઆતમાં વાઇરસની વાત સાંભળીને હાંસી ઉડાવનાર ટ્રમ્પ પોતે ઑક્ટોબર, 2020માં કોરોનાનો ભોગ બન્યાં અને શ્વાસોશ્વાસમાં મુશ્કેલી અનુભવતાં હૉસ્પિટલમાં ભરતી થઈને સારવાર લેવી પડી.
જૂન, 2018માં સિંગાપોરમાં ટ્રમ્પે ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ સાથે શિખર સંમેલનમાં વાટાઘાટો કરી. મે, 2017માં ટ્રમ્પ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બન્યા, જેમણે પોતાની પ્રથમ વિદેશી પ્રવાસમાં જેરૂસલેમમાં પશ્ચિમી દીવાલની મુલાકાત લીધી. એટલું જ નહીં દુનિયાના દેશોના વિરોધ વચ્ચે મે, 2018માં જેરૂસલેમમાં અમેરિકાનું રાજદૂતાવાસ શરૂ કર્યું.
19 ડિસેમ્બર, 2019ના રોજ તેમની સામે અમેરિકન સંસદે સફળતાપૂર્વક મહાભિયોગ અભિયાન ચલાવ્યું, જે અમેરિકામાં ઇતિહાસમાં બિલ ક્લિન્ટન (1998) અને એન્ડ્રૂ જેક્શન (1868) પછી ત્રીજી વાર થયું. ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે બે વાર મહાભિયોગનો સામનો કર્યો. .
ઘોસ્ટરાઇટર્સનો ઉપયોગ કરીને ટ્રમ્પે બિઝનેસ, ફાઇનાન્શિયલ કે રાજકીય મુદ્દાઓ પર તેમના નામે 19 પુસ્તકો લખ્યાં, જેમાં પ્રથમ પુસ્તક ‘ધ આર્ટ ઑફ ડીલ’ હતું, જે વર્ષ 1987માં ન્યૂયૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર બન્યું હતું.
કેયૂર કોટક