ટોળું (crowd) : સમાન લક્ષ્ય કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ. ટોળામાં જોડાયેલી વ્યક્તિઓએ થોડા સમય માટે પરસ્પર તાદાત્મ્ય સાધ્યું હોય છે અને તે સમાન આવેગો અનુભવતી હોય છે. મોટેભાગે ટોળામાં જોડાયેલા લોકો એકબીજાની નજીક હોય છે અને સમાન વિષય પ્રત્યે ઉત્સુકતા કે નિસબત ધરાવતા હોય છે. આવાં ટોળાં જાતજાતનાં હોય છે. રેલવેમાં આવનજાવન કરતા પ્રવાસીઓની ટોળીઓ, રાજકીય સભા, ભક્તોનું વૃંદ, રોગચાળાના ભયથી નાસભાગ કરતા લોકો, ચૂંટણી જીતેલા નેતાના ટેકામાં કિકિયારીઓ પાડતા અનુયાયીઓ, મનોરંજક કાર્યક્રમનો શ્રોતાગણ, યાત્રાળુઓનો સંઘ, દેખાવો કરતા કામદારો વગેરે.
મોટાભાગનાં ટોળાંમાં આ લક્ષણો જોવા મળે છે : (1) ટોળામાં વ્યક્તિ પોતાની મરજીથી જોડાય છે. ટોળું કુદરતી રીતે બને છે. કૃત્રિમ રીતે રચાયેલા ટોળામાં કુદરતી ટોળા જેવું સ્વાભાવિક વર્તન જોવા મળતું નથી. (2) વિવિધ વ્યક્તિઓને સમાન વિષય કે પ્રવૃત્તિમાં રસ પડવાથી તે ટોળામાં ભેગી થાય છે. (3) મહદંશે ટોળું ગતિશીલ અને ઠીકઠીક પરિવર્તનશીલ હોય છે. તેનાં કદ, ઘટકો અને પ્રવૃત્તિઓમાં ફેરફાર થતો રહે છે. (4) ટોળું મહદંશે અસંગઠિત હોય છે. (5) ટોળાના અસ્તિત્વનો આધાર તેમાં જોડાયેલાંની પરસ્પર થતી ઉત્તેજના ઉપર હોય છે. (6) ટોળામાં વ્યક્તિઓ ભૌતિક રીતે ને માનસિક રીતે એકબીજીની નજીક હોય છે. (7) ટોળું લાંબા સમય સુધી ટકતું નથી. તે ભેગું થાય, વિકસે અને વિખેરાઈ જાય છે.
સામાન્યપણે સારણી 1માં બતાવ્યા પ્રમાણે ટોળાના પ્રકારો દર્શાવી શકાય : આ વર્ગીકરણ સંપૂર્ણ નથી. બીજા ર્દષ્ટિકોણ પ્રમાણે જુદા પ્રકારો પણ પડી શકે. ટોળાનું લક્ષ્ય બદલાતાં તેનો પ્રકાર પણ બદલાય છે; દા. ત., નેતાના સમર્થનમાં નીકળેલું સરઘસ આગળ જતાં વિનાશક ટોળું બની શકે. જુદા જુદા દેશોમાં વિરોધ વ્યક્ત કરવા માટે ટોળું મૌન રૅલી, ધરણાં, પિકેટિંગ વગેરે વિવિધ અભિવ્યક્તિની રીતોનો ઉપયોગ કરે છે. રાજકીય પક્ષને સમર્થન આપવા ભેગું થયેલું ટોળું લૂંટફાટિયું બની જવાના દાખલા નોંધાયા છે. જો સામેનું ટોળું પ્રતિઆક્રમણ કરે તો આક્રમક ટોળું ભયભીત ટોળું બની જાય. રમતનો પ્રેક્ષકગણ પોતાના માનીતા ખેલાડીઓની અણધારી હારને લીધે વિનાશક ટોળું બની શકે. આમ ટોળાનાં સ્વરૂપ અને પ્રકારમાં ઠીક ઠીક તરલતા હોય છે.
શરૂઆતમાં બબ્બે કે ત્રણ-ત્રણ વ્યક્તિઓ ભેગી થાય છે. સરખી રુચિને લીધે તે એકબીજીની પાસે આવે છે તેથી લગભગ વર્તુળ આકારનું નાનું ટોળું બને છે. તીવ્ર જિજ્ઞાસા અને પ્રેરણા ધરાવતા સક્રિય માણસો ટોળાના કેન્દ્રમાં ધસતા જાય છે. મધ્યમ રુચિવાળા લોકો કેન્દ્રની આસપાસ રહે છે. ઉપલકિયા રસ ધરાવતા માણસો ટોળામાં સૌથી છેલ્લે જોડાય છે અને ટોળાની બહારની સીમા પર રહે છે. જો એ ટોળાની પ્રવૃત્તિમાં વધારે ને વધારે લોકોને રસ પડતો જાય, તો જે લોકો શરૂઆતમાં ટોળાની સીમા પર હતા તેઓ પછીથી કંઈ જ કર્યા વિના ટોળાની મધ્યમાં આવી જાય છે કારણ કે તેમની બહારની બાજુએ નવા નવા લોકો ભેગા થતા રહે છે.
જ્યારે ઉપલકિયા ર્દષ્ટિવાળા લોકોને ટોળાના બનાવોમાં કે તેની પ્રવૃત્તિઓમાં રસ પડતો નથી ત્યારે તેઓ સૌથી પ્રથમ તેને છોડીને જાય છે. પછી મધ્યમ રુચિવાળા લોકો થોડા સમય બાદ ટોળાનો ત્યાગ કરે છે. સૌથી છેલ્લે, ટોળાનાં કાર્યોમાં સૌથી તીવ્ર રસ ધરાવનારા લોકો વિદાય થાય છે.
ટોળાની સીમા ખુલ્લી કે બંધ હોઈ શકે. ખુલ્લી સીમાવાળા ટોળામાં સરળતાથી દાખલ થઈ શકાય અને સરળતાથી બહાર જઈ શકાય. બંધ સીમાવાળા ટોળામાં પ્રવેશવું કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. જ્યારે ખુલ્લી સીમાવાળાં બે ટોળાં એકબીજાની તદ્દન પાસે આવે ત્યારે એ બે ટોળાંનું વિચિત્ર મિશ્રણ થાય. પછી કાં તો એક ટોળું બીજામાં સંપૂર્ણ ભળી જાય, કાં તો બંને ટોળાં પરસ્પર આક્રમણ કરે, કાં તો બંને ટોળાં વેરવિખેર થઈ જાય. સભા, સરઘસ વગેરેના આયોજકોને પોતાના ટોળાને વેરવિખેર થતું રોક્વા માટે તેની સ્પષ્ટ સીમા આંકવા પ્રયત્ન કરવો પડે છે.
ટોળામાં ભેગા થતા લોકોની સંખ્યા ચારથી માંડીને લાખો સુધીની હોઈ શકે. જ્યારે કંઈક અવનવું બને ત્યારે તે જોવા માટે ક્ષણભરમાં ટોળું ભેગું થઈ આશરે સોની સંખ્યા સુધી વધીને સ્થિર થાય છે. જોકે ટોળું અમુક કદથી મોટું થાય તો તેની અસરમાં ખાસ કોઈ ફેર પડતો નથી. નાના ટોળામાં આ મર્યાદા 4ની છે; મોટા ટોળામાં લગભગ દસ હજારની ગણી શકાય. પશ્ચિમના દેશોનાં સંશોધનો સૂચવે છે કે જો ટોળાના એક ટકા જેટલા લોકો નવું વર્તન શરૂ કરે તો બાકીના લોકો તેમનું અનુકરણ કરે છે.
દૂરથી ટોળું એકસરખું – સમરૂપ દેખાય છે. ઝીણવટથી જોઈએ તો તેમાં રહેલા વિભાગો સ્પષ્ટ થાય છે. એ દરેક વિભાગના લોકોનાં વિચાર, વાણી અને વર્તન જુદાં હોય છે. મૈત્રી, સગપણ, સમાન રુચિ, આદર્શો કે વ્યવસાયને આધારે વિભાગો પડેલા હોય છે. ટોળાના જુદા જુદા વિભાગના લોકો જુદું જુદું વર્તન કરતા હોય છે. કેટલાક ભાષણ સાંભળે, કેટલાક અંગત વાતો કરે, કેટલાક ખાણીપીણી કરે, કેટલાક લોકો મજાક-મશ્કરી કરે છે, જ્યારે કેટલાક લોકો સૂત્રો પોકારે છે. જે ટોળામાં વિભાગોના વર્તનમાં ભિન્નતા વધારે હોય તે ટોળું માનસિક રીતે વિષમરૂપ ગણાય.
માનસિક રીતે સમરૂપ ટોળું
લગભગ બધા સભ્યોનું ધ્યાન એક જ દિશા અને પ્રવૃત્તિમાં કેન્દ્રિત છે. ધ્રુવીકરણનો ઊંચો આંક |
માનસિક રીતે વિષમરૂપ ટોળું
વિવિધ સભ્યોનું ધ્યાન વિવિધ દિશાઓ અને પ્રવૃત્તિઓમાં વિભાજિત છે. ધ્રુવીકરણનો નીચો આંક |
આકૃતિ 1 : માનસિક રીતે સમરૂપ અને વિષમરૂપ ટોળાં
ટોળાની માનસિક એકતા કે સમરૂપતા માપવા માટે ધ્રુવીકરણની રીત ઉપયોગી છે. આ પદ્ધતિમાં સારા કૅમેરાથી ફોટો પાડી ટોળાનો દરેક સભ્ય કઈ દિશામાં જુએ છે તે નોંધવામાં આવે છે; પછી ધ્રુવીકરણનો આંક કાઢવામાં આવે છે.
સમરૂપ ટોળામાં આ આંક એકની નજીક હોય છે. વિષમરૂપ ટોળામાં એનું મૂલ્ય બહુ જ ઓછું (શૂન્યની નજીક) હોય છે (આકૃતિ 1).
સમય પસાર થાય તેમ આ આંક વધતો જાય, તો ટોળું ઘનિષ્ઠ બને છે; જો આંક ઘટે તો ટોળું ટૂંક સમયમાં વિખેરાઈ જાય છે.
મોટાભાગનાં ટોળાંમાં બધી જાતના લોકો ભેગા થાય છે. શિક્ષિતો, અશિક્ષિતો, કાનૂન પાળનારા નાગરિકો, સંભવિત ગુનેગારો, નોકરિયાતો, બેકારો, રખડુઓ, દુકાનદારો, મજૂરો વગેરે. અમેરિકન સંશોધન દર્શાવે છે કે દેખાવો કરતા ટોળામાં લઘુમતીઓ અને દેશના મુખ્ય પ્રવાહથી દૂર રહેનારા લોકો વધારે હોય છે. હુલ્લડિયા ટોળામાં મધ્ય વયના, ઓછી બુદ્ધિના, ઓછું ભણેલા માણસો અને બિનકુશળ મજૂરો વધારે હોય છે. બ્રાઉન જણાવે છે કે સૌથી પહેલાં નેતાથી અંજાઈને સંમોહિત થનારા લોકો અને કાયદાની પરવા નહિ કરનારા લોકો ટોળામાં ભળે છે. પછી અનામીપણાને લીધે સલામતી લાગવાથી સાવચેત લોકો દાખલ થાય છે. પછી બહુમતીથી દોરવાઈ જનારા લોકો ભળે છે. છેલ્લે, દૂર નિષ્ક્રિય રહીને ટોળાની પ્રવૃત્તિને મનોરંજન તરીકે માણનારા લોકો ભળે છે.
ઘણી વાર ટોળાના બધા સભ્યો એકસાથે ગતિમાં હોય છે. લશ્કરની કૂચમાં હોય છે એમ તેમની ઝડપ સરખી હોય અથવા રાહદારીઓની જેમ વધતીઓછી હોઈ શકે.
જેમ જેમ વસ્તી અને ટોળાની ગીચતા વધતી જાય તેમતેમ ટોળાની ગતિને અંકુશમાં લેવા માટે વાહનવ્યવહાર-નિયંત્રણ અને સ્ટૅગરિંગ જેવા નવા નવા ઉપાયો લેવા પડે છે. ટોળાની ગતિને આસપાસની પરિસ્થિતિ સાથે બંધબેસતી કરવી પણ જરૂરી બની છે. ટોળાં ભેગાં થઈ શકે એવાં પ્રદર્શનગૃહો, નાટ્યગૃહો, સભાનાં મેદાનો અને હૉલ, મોટી કચેરીઓ, બહુમાળી મકાનો અને રમતનાં સ્ટેડિયમો જેવાં જાહેર સ્થળોની રચના અને બાંધણી કે પ્રવેશ અને નિર્ગમન (exit) સરળતાથી થાય અને ટોળાની ગતિ અવરોધાય નહિ એ રીતે કરવી પડે છે. સામાન્ય સંજોગોમાં તેમજ આગ અને અકસ્માત જેવાં જોખમી સંજોગોમાં બહાર જવા માંગતાં ટોળાં રઘવાયાં ન બને એવું પૂર્વઆયોજન જરૂરી બને છે.
હવે તો કમ્પ્યૂટર દ્વારા અનુકરણ(સિમ્યુલેશન)ની મદદથી એકત્રિત ટોળું કઈ રીતે વિવિધ દિશામાં ગતિ કરી શકે તે તપાસી ટોળાની અવરજવર માટેની સૌથી સરળ અને સલામત પદ્ધતિ વિકસાવવામાં આવે છે.
શહેરોમાં વાહનચાલકો પણ ટોળાની જેમ વર્તતા હોય છે. ક્રૉસિંગ પાસે ખડકાયેલો વાહનોનો જમેલો એક આધુનિક ટોળું જ છે. તેના ચાલકો ‘ટોળાના મનોવિજ્ઞાન’ પ્રમાણે જ વર્તે છે, ઊલટું, તેઓ વધુ આક્રમક, સ્વાર્થી, અસહકારી અને બીજાના હિત પ્રત્યે બેપરવા બને છે. ઝડપી વાહનને લીધે જવાબદારીમાંથી છટકવાનું સરળ બને છે, તેથી વાહનોના ટોળાનું વૈજ્ઞાનિક નિયંત્રણ જરૂરી બને છે.
ટોળાની ગતિનું નિયમન કરવું પડે છે. એક જ સાંકડા સ્થળે ધસારો ન થાય તે માટે લોકોને જોવા–સાંભળવા માટે લાઉડસ્પીકર કે ટી.વી. જેવી ઠેરઠેર વ્યવસ્થા થાય છે.
વિચારશીલ સુશિક્ષિત સંસ્કારી માણસ એકલો હોય ત્યાં સુધી તાર્કિક રીતે વર્તે છે, પણ તે જેવો ટોળામાં ભળે કે તરત ઉશ્કેરાટમાં તણાઈ જઈ ઉંમર, મોભા અને હોદ્દાને ન છાજે એવાં કાર્યો કરી બેસે છે. આનાં કારણો વિવિધ વૈજ્ઞાનિકો વિવિધ રીતે આપે છે.
લ બોંનો મત : ફ્રેન્ચ વિચારક લ બોં કહે છે કે શરૂમાં વ્યક્તિ કુતૂહલથી ટોળામાં ભળે છે. ભેગા થવાથી તેમના વિચારોમાં એકતા આવે છે અને આખરે ટોળાનું સમૂહમન વિકસે છે. તેથી પોતાના અંગત વિચારોને વ્યક્તિ છોડી દે છે અને ટોળાનાં વિચાર, વાણી, વર્તનને અપનાવી લે છે. બીજા લોકોનાં મુખભાવો, ઉદગારો અને ચેષ્ટાઓનું વ્યક્તિ અનુકરણ કરે છે. પરસ્પર ઉત્તેજનાને લીધે આવેગશીલતા ચેપી રોગની જેમ ફેલાય છે. બીજા લોકો નજીક હોવાથી કોઈ એક વ્યક્તિની જવાબદારી ન હોવાથી અને સાર્વત્રિકતા તેમજ અજેયતાનો ભ્રમ ફેલાવાથી ટોળાનો સભ્ય સામાજિક અને નૈતિક નિયંત્રણો ફગાવી દે છે અને ક્ષણિક ઊભરાને વશ થાય છે.
આ મત પ્રમાણે ટોળામાં જોડાતી વ્યક્તિ ટોળાના નેતા સાથે તેમજ બીજા સભ્યો સાથે ગાઢ તાદાત્મ્ય સાધે છે તેથી તેના કામપ્રેરણા સંબંધી અજ્ઞાત મનોવ્યાપારો બહાર આવે છે. તે પોતાના અધિઅહમ્(ego)ને ત્યજી દે છે અને નેતાને વશ થાય છે. તેના સભાન વ્યક્તિત્વનું બાષ્પીભવન થાય છે, તેની અભાન ચિંતાઓ અને પૂર્વગ્રહો પ્રકટે છે.
હતાશા આક્રમણને જન્મ આપે છે. ટોળાનું આક્રમક વર્તન પણ ટોળાના સભ્યોની હતાશાઓમાંથી ઉદભવે છે. જેમ ટોળાના સભ્યોની નિષ્ફળતાઓ અને અપમાનિત થયાની લાગણી વધારે તીવ્ર, તેમ ટોળું વધારે હિંસક બને છે અને હતાશા ઉપજાવનાર પર હુમલો કરે છે.
ટોળું માણસને આક્રમક બનાવતું નથી. પણ પહેલેથી જે લોકો આક્રમક, ધમાલિયા. આવેગશીલ અને સમાજવિરોધી હોય તેઓ સમાન રુચિને કારણે ટોળામાં ભેગા થાય છે અને આક્રમણપ્રવૃત્તિ કરે છે. એટલે ટોળાને લીધે સંસ્કારી વ્યક્તિનું વર્તન વિકૃત બનવાનો સવાલ જ નથી.
સમાજશાસ્ત્રી ટર્નર અને કિલિયનના મતે ટોળું એક જૂથ છે. આંતરક્રિયાને લીધે તેમાં વિચાર, વાણી અને ક્રિયાનાં નવાં ધોરણો વિકસે છે. નવાં વિકસતાં ધોરણો ટોળાના સભ્યો પર દબાણ લાવે છે કે ટોળામાં અમુક જ રીતે વિચારવું, બોલવું અને વર્તવું જોઈએ; ટોળાની વિરુદ્ધમાં ન જવાય. ટોળાના જુસ્સાવાળા સભ્યો ટોળાના ધોરણને અનુરૂપ વર્તે છે, બીજા સભ્યો તેમને ટેકો આપે છે. ટોળાના સભ્યો પોતાના વર્તનને વિકૃત માનતા નથી પણ યોગ્ય અને જરૂરી ગણે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે