ટોળાં અવાજ ઘોંઘાટ (1990) : આધુનિક ગુજરાતી કવિતાના અગ્રેસર કવિ લાભશંકર ઠાકરનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથ તરીકેનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ કાલક્રમ અનુસાર લાભશંકરના કાવ્યગ્રંથોમાં પાંચમો છે. એમાં એક બાલકાવ્ય સમેત કુલ 30 રચનાઓ છે, જેમાં ‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી’ જેવી ગીતરચના ને ‘કોરું કટ છે’ જેવી છંદોબદ્ધ રચના પણ સમાવિષ્ટ છે. આ સંગ્રહમાં લાભશંકરનાં આગવા લયકર્મ તેમજ ભાષાકર્મને, એમના જીવન અને કાવ્ય વિશેનાં લાક્ષણિક દર્શન-મંતવ્યને રજૂ કરતી અરૂઢ રચનાઓ ધ્યાન ખેંચે છે.

પરંપરાનો – એના સમસ્ત પ્રકારો અને આવિષ્કારો સમેત – અનાદર કરવાનું, નકાર સુણાવી દેવાનું, વિડંબના અને વિનોદ દ્વારા વિરોધ કરવાનું વલણ લાભશંકરમાં વિશેષભાવે સળંગસૂત્ર રહ્યું છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં તેમનો પ્રબળ વિદ્રોહમૂલક સંસ્કાર જોવા મળે છે. સંસ્કાર-સંક્રમણ સધાયું છે ભાષા દ્વારા, કર્તા કહે તેવી ‘વર્બલ ગેમ’ના આટાપાટામાં – દાવપેચમાં.

‘ટોળાં’ સાથે ‘ઘોંઘાટ’ આવી લાગે છે અને ભીડમાં એકાન્તનું સંરક્ષણ કરતા સર્જકનો ‘અવાજ’ સાંભળવો હોય તો એમની કૃતિમાં આવિર્ભાવ પામેલી સંસ્કારભાષા તેમજ ભાષાસંલગ્ન સંસ્કારભાતો પ્રત્યે અકુતોભય પ્રવર્તવાની આવશ્યકતા રહે છે.

ટોળાંના ઘોંઘાટમાં કવિનો અવાજ ખોવાઈ ન જાય એમાં જ કાવ્યચેતનાના એકાન્ત અને મૌનનો મહિમા છે. વિસ્મયનું વિષ્ણુકવચ અભેદ્ય રાખવાનું દુષ્કર છે; કેમ કે ઘોંઘાટના પંકમાંથી પણ શબ્દપંકજ પ્રાકટ્ય પામી શકે છે !

વિચ્છિન્નતા(ફ્રૅગ્મેન્ટેશન)ની પ્રક્રિયા અહીં પરાકાષ્ઠાએ છે. વળી લોકગીતના રામની લવિંગ કેરી લાકડી જેવી જ સર્જકની અહીં મુદામય લેખિનીમુદ્રા છે.

અહીં સંગતિ ક્યાંયે નથી, સળંગસૂત્રતા નથી, તથાકથિત ‘સંવાદિતાની સાધના’ પણ નથી. કર્તા પોતે એ બાબતે સભાન પણ છે. ટોળાના ઘોંઘાટપ્રવાહમાં પતિત, પોતાના અલગ (‘એલિયેનેટેડ’) હુંને, અર્થાત્, સાર્થક અવાજને શોધતી ચેતના સ્વયં પેલી પ્રક્રિયાના મૂળ સમી ‘ગૂંચવાયેલી ગરબડભરી જાત’થી સભાન છે અને એ સભાનતા પોતેય પીડાકારક પુરવાર થઈ છે. જોકે એ સભાનતા યથાર્થ દર્શન માટે સમુચિત પરિપ્રેક્ષ્ય પણ પૂરો પાડે છે.

વળી આ કવિનો જીવ ક્ષુદ્રમાંથી બૃહત્ ચેતોવિસ્તાર અનુભવ્યા વિના ન રહે એવો છે. લાભશંકરની સંવેદનશીલતા અને કલ્પનાશીલતા રોજબરોજના આસપાસના જીવનની સ્વાભાવિકતયા ઉપલબ્ધ સામગ્રીનું જે રીતે કાવ્યસામગ્રીમાં રૂપાંતર સાધે છે તેમાં એમની વશેકાઈ છે. એમની સચ્ચાઈ કે ખુદવફાઈ, એમની શબ્દકર્મ અને લયકર્મમાંની બિનધાસ્ત ગતિલીલા કવિતાના એક સબળ અવાજ રૂપે અહીં આસ્વાદ્ય બની રહે છે. ટોળા વચ્ચે રહીને એમનો ‘હું’ એનો ભારવક્કર અને એનું વજૂદ બરોબર સાચવે છે તો ઘોંઘાટ વચ્ચે રહીનેય એમનો કવિ તરીકેનો અવાજ મુક્ત વિસ્મયલીલાનો ભાવાત્મક રણકો પ્રગટ કરીને રહે છે. એ રીતે આ સંગ્રહ પરંપરાનો લાભ લઈ, પરંપરાનું સીમોલ્લંઘન કરી ગુજરાતી કવિતાના નૂતન પ્રયોગપરિમાણોને પ્રગટ કરતો કારયિત્રી તેમજ ભાવયિત્રી પ્રતિભાને આકર્ષતો ને લલકારતો ધ્યાનમાં લેવો પડે એવો કાવ્યસંગ્રહ છે. ગુજરાતી ભાષાના કૌવતના એક આસ્વાદ્ય નિદર્શનરૂપ આ કાવ્યગ્રંથ છે.

રાધેશ્યામ શર્મા