ટોકુગાવા : જાપાનનું એક શાસક કુટુંબ. 1192માં જાપાનના શહેનશાહે મિનામોટો યોરીટોમો નામના એક શક્તિશાળી લશ્કરી સેનાપતિને ‘શોગુન’(દેશરક્ષક)નો ઇલકાબ આપી તેને દેશના વહીવટ અને રક્ષણનું કામ સોંપ્યું હતું. એ પછી ‘શોગુન’ની સત્તા અને પ્રભાવ વધવા લાગ્યાં. એનો ઇલકાબ વંશપરંપરાનો બન્યો. યોરીટોમો પછી આશિકાગા અને હિદેયોશી નોંધપાત્ર શોગુનો થયા. 1603માં હિદેયોશીને દૂર કરીને ઇયેઆશુ શોગુન બન્યો. તેણે રાજધાની ટોકિયો શહેરમાં ખસેડી. ઇયેઆશુનું કુટુંબ ‘ટોકુગાવા’ તરીકે ઓળખાતું તેથી તે વંશના શોગુનોનું શાસન ‘ટોકુગાવા શાસન’ તરીકે ઓળખાય છે. ટોકુગાવા વંશના શોગુનોએ 1603થી 1868 સુધી સત્તા ભોગવી. ટોકુગાવા શાસન દરમિયાન લશ્કરી સામંતશાહી પ્રબળ બની. ત્રણ-ચાર લશ્કરી સેનાપતિઓ સમગ્ર દેશનો વહીવટ સંભાળતા. તેમના શાસનકાળ દરમિયાન જાપાનમાં શૌર્ય, સાહસ, સંયમ, શિસ્ત જેવા ગુણોનું મહત્ત્વ વધ્યું. છેલ્લા શોગુનનું નામ હિતોત્સુબાશી કેઈકી ઉર્ફે યોશીનોબુ હતું. 1868માં આ શોગુનને દૂર કરીને તેની પાસેથી સત્તા લઈ લેવામાં આવી તથા જાપાનના સમ્રાટને ફરીથી સર્વસત્તાધીશ બનાવવામાં આવ્યો. જાપાનના ઇતિહાસમાં આ બનાવને ‘મેઈજી પુન:સ્થાપના’ તરીકે ઓળખવામાં આવે છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી