ટોકેલો : દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 00’ દ. અ. અને 171° 45’ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે 500 કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે 3840 કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ 12 ચોકિમી. છે.  સૌથી મોટા ટાપુ ફાકાઓફુનું ક્ષેત્રફળ 5.3 ચોકિમી. છે. આ ટાપુઓની આસપાસ ઘણા નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ સમુદ્રની સપાટીથી 3થી 5 મી. જેટલા ઊંચા છે. ટાપુના વચ્ચેના ભાગમાં છીછરું સરોવર છે અને તેની ફરતે કિનારે જમીન આવી છે, જે પરવાળાના ખડકોની બનેલી હોઈ ખૂબ જ છિદ્રાળુ છે.

અહીં સરાસરી તાપમાન 28° સે. રહે છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન 2500 મિમી. વરસાદ પડે છે. ક્યારેક આ ટાપુઓ ‘ટાઇફૂન’ વાવાઝોડાનો ભોગ બને છે. અહીં ગીચ જંગલો આવેલાં છે. અહીં નારિયેળી અને પેન્ડેનસ જેવાં 40 પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. ઉંદર, ખિસકોલી, ભુંડ, મરઘાં, દરિયાઈ પક્ષીઓ તથા સ્થળાંતર કરીને આવતાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને મચ્છીમારી છે. નારિયેળ, ટારો, બ્રેડ, ફ્રૂટ, પપૈયાં, કેળાં વગેરે મુખ્ય પાકો છે. છીછરાં સરોવરો અને સમુદ્રમાં માછીમારી કરવામાં આવે છે. તરાપા તથા ઘરના બાંધકામ માટે તૌઅન્વે  વૃક્ષનું ખાસ વાવેતર કરાય છે.

કોપરાં પીલવાની મિલ અને તરાપા બાંધવાના ઉદ્યોગો ઉપરાંત લાકડાનું કોતરકામ, ટોપા (hats), સાદડીઓ, બૅગ–થેલીઓ બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે.

અહીંની મુખ્ય નિકાસ કોપરાની છે. ટાપુઓનો આસપાસનો સમુદ્ર છીછરો અને ખડકોવાળો છે તેથી વહાણ કે સ્ટીમર ઊંડા પાણીમાં થોભે છે અને હોડી મારફત માલની ચડઊતર થાય છે. 1982થી સી-પ્લેન આવે છે.

ટાપુના મોટાભાગના લોકો સામોઆના લોકોને મળતા પૉલિનીશિયન છે. તેમની ભાષા અને સંસ્કૃતિ સમાન છે. કુલ વસ્તી 1411 (2011)ના 98 % લોકો ખ્રિસ્તી છે. લોકો અન્યત્ર સ્થળાંતર કરે છે. વહીવટની ભાષા ટોકેલો ભાષા છે પણ અંગ્રેજી ભાષાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.

1765માં કોમોડોર જ્હૉન બાયરને આ ટાપુની શોધ કરી હતી. 1841માં યુ.એસ. દ્વારા ત્યાંની ભાષા તથા રીતિરિવાજને લગતું  સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. 1863માં રોગચાળો ફેલાતાં તથા પેરૂના ચાંચિયાઓએ  લોકોને  ગુલામ તરીકે પકડી જતાં ત્યાંની વસ્તી 200 જેટલી થઈ ગઈ હતી. 1877માં બ્રિટને આ પ્રદેશ ફીજીના હાઈકમિશનર નીચે મૂક્યો હતો. 1889માં તે રક્ષિત પ્રદેશ જાહેર થયો હતો. 1916થી ગિલ્બર્ટ અને એલિસ ટાપુના ભાગ તરીકે બ્રિટિશ તાજનું તે સંસ્થાન બન્યું હતું. 1925માં તે ન્યૂઝીલૅન્ડની દેખરેખ નીચે મુકાયું અને 1948થી તે ન્યૂઝીલૅન્ડનો વિધિસરનો ભાગ બનેલ છે. દરેક ટાપુનો વહીવટ 45 સભ્યોની બનેલી કાઉન્સિલની સહાયથી કમિશનર દ્વારા કરવામાં આવે છે.

શિવપ્રસાદ રાજગોર